UPSCના ત્રણ વિદ્યાર્થીના મોત માટે દિલ્હી મ્યુનિ. જવાબદાર! ફરિયાદની નકલ પણ સામે આવી
Water Filled Basement Of Delhi IAS Coaching Center : રાજધાની નવી દિલ્હીમાં કોચિંગ સંસ્થાના બેઝમેન્ટમાં પાણી ભરાવના કારણે ત્રણ વિદ્યાર્થીઓના મોત થતા ભારે હોબાળો થયો છે. આ મામલે સ્થાનિક લોકો ઉપરાંત વિદ્યાર્થીઓના વાલીઓ કાર્યવાહી કરવાની સતત માંગ કરી રહ્યા છે. બીજી તરફ પોલીસે અત્યાર સુધીમાં સંસ્થાના માલિક અને કો-ઓર્ડિનેટરની ધરપકડ કરી છે. જોકે હવે આ ઘટના પાછળ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને (MCD) બેદરકારી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઘટના સંબંધિત એક મહિના પહેલાનો પુરાવો સામે આવ્યો છે, જેમાં અગાઉ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરાઈ હોવાનો દાવો કરાયો છે. હકીકતમાં જે બેઝમેન્ટમાં પાણી ભરાવથી ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે, તે બેઝમેન્ટ અંગે એક મહિના પહેલા ફરિયાદ થઈ હતી. જો કે આ ફરિયાદ કરવા છતાં કોઈપણ કાર્યવાહી ન કરાતા આ ઘટના બની હોવાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
બેઝમેન્ટ અંગે એક મહિના પહેલા કરાઈ હતી ફરિયાદ
આ ઘટના શનિવારે બની હતી, ત્યારબાદ કોર્પોરેશનની એક ફરિયાદ કોપી સામે આવી છે. આ ફરિયાદ એક મહિના પહેલા કરવામાં આવી હતી, જ્યારે બે વખત રિમાઈન્ડર આપવા છતાં આ મામલે કાર્યવાહી કરવામાં નથી. મળતા અહેવાલો મુજબ, કરોલ બાગના રહેવાસી કિશોર કુમાર કુશવાહા નામના વ્યક્તિએ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટ અંગે એક મહિના પહેલા ફરિયાદ કરી હતી. ફરિયાદીએ ફરિયાદમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની જીવને ખતરો હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને આ મામલે કાર્યવાહી ન કરી.
ફરિયાદીએ ફરિયાદમાં શું કહ્યું હતું?
ફરિયાદી કિશોર સિંહ કુશવાહાએ 26 જૂને કરેલી ફરિયાદમાં લખ્યું છે કે, ‘નમસ્કાર... હું કિશોર સિંહ કુશવાહા, રહેવાસી કારોલ બાગ... Raus's IAS પાસે મંજૂરી અને એનઓસી ન હોવા છતાં બેઝમેન્ટમાં ક્લાસરૂમ ચલાવી રહ્યા છે, જેનું લોકેશન ઓલ્ડ રાજેન્દ્ર નગર છે. દિલ્હીના કરોલ બાગમાં ટેસ્ટ ક્લાસીસ ચલાવી રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના જીવને જોખમ છે અને કોઈ મોટી દુર્ઘટના થવાની સંભાવના છે. મેં આ મુદ્દે સંબંધિત સંસ્થાને જાણ કરી હતી, જોકે તેમણે કહ્યું કે, પૈસા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને જાય છે. આ રીતે MCDમાં ભ્રષ્ટાચારનું મોટું ઉદાહરણ જોવા મળે છે. આપને નમ્ર વિનંતી છે કે, આવી મોટી UPSC કોચિંગ સંસ્થાઓ કે જેઓ વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકીને ગેરકાયદે જગ્યાઓ પર ક્લાસો ચલાવે છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો તમારો આભાર.’
ફરિયાદના એક મહિના બાદ સર્જાઈ દુર્ઘટના
એક મહિના પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરવામાં આવી, છતાં કોઈ કાર્યવાહી ન કરાતા હવે કોર્પોરેશન સામે આંગળી ચિંધાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, 26 જૂને ફરિયાદ કરાયાના એક મહિના બાદ એટલે કે 27 જુલાઈની રાત્રે આ ઘટના બની છે. ઘટના વખતે બેઝમેન્ટમાં આવેલી લાઈબ્રેરીમાં ઘણા વિદ્યાર્થીઓ હતા અને લાઈબ્રેરી ગેરકાયદે હતી. દિલ્હી ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે UPSC ની તૈયારી કરાવતા રાવ IAS કોચિંગના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા, જેના કારણે પાણીમાં ડૂબી જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે.