Get The App

દિલ્હી મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય, માત્ર ત્રણ મતથી ભાજપની હાર

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
દિલ્હી મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય, માત્ર ત્રણ મતથી ભાજપની હાર 1 - image


Delhi Municipal Corporation Mayor Election Result : આમ આદમી પાર્ટીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) પર ફરી કબજો જમાવ્યો છે. એમસીડીમાં મેયરની ચૂંટણીમાં AAPના ઉમેદવાર મહેશ ખીંચી (AAP Candidate Mahesh Khinchi) ચૂંટણી જીતીને મેયર બની ગયા છે. તેમણે ભાજપના ઉમેદવાર કિશન લાલ (BJP Candidate Kishan Lal)ને માત્ર ત્રણ મતથી હરાવ્યા છે. મેયર પદ માટે કુલ 265 મતો પડ્યા હતા, તેમાંથી આપ ઉમેદવાર મહેશ ખીંચીને 133 મત, જ્યારે ભાજપના ઉમેદવાર કિશન લાલને 130 મત મળ્યા છે, જ્યારે બે મત અમાન્ય જાહેર થયા છે.

કેજરીવાલ જેલમાં હોવાથી મેયરની ચૂંટણીમાં વિલંબ

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શૈલી ઓબરોય અત્યાર સુધી એક્સ્ટેંશન પર હતા. હવે તેમના સ્થાને કરોલબાગના દેવનગરના કોર્પોરેટર મહેશ ખીંચી એમસીડી મેયર પદ સંભાળશે. એપ્રિલ 2024માં મેયરની ચૂંટણી વખતે ભાજપ અને આપે ઉમેદવાર જાહેર કર્યા હતા, જોકે પ્રિસાઇડિંગ ઓફિસર ફાઈલ પર મુખ્યમંત્રીનું રિકમેંડેશન ન હોવાનું કહી ફાઈલ પરત મોકલી દીધી હતી અને કહ્યું તું કે, જ્યાં સુધી નવા મેયરની પસંદગી ન થાય, ત્યા સુધી વર્તમાન મેયર ઓબરોય જ મેયર રહેશે. તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં હતા, તેથી તેઓ રિકમેંડેશન ન કરી શક્યા હતા. ત્યારથી મેયરની ચૂંટણીમાં વિલંબ થયો હતો.

આ પણ વાંચો : ધોરણ-10-12ના વિદ્યાર્થીઓને રાહત... CBSEએ કોર્સ અને પરીક્ષા પેટર્નમાં કર્યા ફેરફાર

મેયરની ચૂંટણી દર વર્ષે એપ્રિલમાં યોજવાનો નિયમ

દર વર્ષે એપ્રિલમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી યોજાય છે. ડિસેમ્બર-2022ની ચૂંટણીમાં AAPએ 134 બેઠકો જીત્યા બાદ કોર્પોરેટર ડૉ.શૈલી ઓબરોયને ફેબ્રુઆરી-2023માં મેયર બનાવાયા હતા. ત્યારબાદ નાણાંકીય વર્ષ એપ્રિલ-2023માં યોજાયેલી મેયરની ચૂંટણીમાં ઓબેરોય ફરી મેયર બન્યા હતા. ત્યારબાદ ભારે વિવાદના કારણે એપ્રિલ-2024માં મેયરની ચૂંટણી યોજાઈ શકી ન હતી. MCD એક્ટ મુજબ, મેયરના પદ પર પ્રથમ વર્ષ મહિલા કાઉન્સિલર માટે અનામત છે, બીજું વર્ષ સામાન્ય માટે અને ત્રીજું વર્ષ અનુસૂચિત જાતિના કાઉન્સિલર માટે અનામત છે. છેલ્લા બે વર્ષ સામાન્ય શ્રેણીના હોય છે.

કોંગ્રેસના સાત કોર્પોરેટરે મતદાનનો બહિષ્કાર કર્યો

એમસીડીની ચૂંટણી ટાણે કોંગ્રેસના સાત કોર્પોરેટરોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. જ્યારે રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પણ ગેરહાજર રહ્યા હતા. મતદાનનો બહિષ્કાર કરનારા સાત કોર્પોરેટરોમાં મનદીપ સિંહ, વેદપાલ ચૌધરી, અરીબા ખાન, નાજિયા દાનિશ, સમીર અહમદ, નાજિયા ખાતૂન અને શીતલ ચૌધરીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ‘કોંગ્રેસના નેતાઓ અનામત ખતમ કરવાની વાત કરે છે’, PM મોદીએ સંભાજીનગરમાં ગજવી ચૂંટણી સભા


Google NewsGoogle News