હવે વડોદરાથી દિલ્હી બાય રોડ ફક્ત 10 કલાક જ દૂર, મુંબઈ એક્સપ્રેસ વેના બીજા ભાગનું આજે ઉદઘાટન
પીએમ મોદી કરશે ઉદઘાટન, આ રુટ પર સૌથી ઝડપે ટ્રેનમાં અત્યાર સુધીની સફર 12 કલાકમાં પૂર્ણ થતી હતી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો બીજો ભાગ રાજસ્થાનથી ગુજરાત વચ્ચે તૈયાર કરાયો છે
દિલ્હીથી વડોદરા (delhi to vadodara ExpressWay) સુધીની સફર સામાન્ય રીતે 16 કલાકની હોય છે. આટલું જ નહીં આ રુટ પર સૌથી ઝડપે દોડતી ટ્રેન તેની યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરે છે પણ હવે બાય રોડ આ યાત્રા માત્ર 10 કલાકમાં પૂર્ણ થઇ જશે. જેનું માધ્યમ બનશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે (delhi mumbai expressway).
પીએમ મોદી કરશે ઉદઘાટન
આ એક્સપ્રેસ વેના બીજા ભાગનું (delhi mumbai expressway second part) આજે પીએમ મોદી (PM Modi) ઉદઘાટન કરવાના છે જે રાજસ્થાનથી ગુજરાત સુધી બનેલો છે. તેનો ત્રીજો ભાગ વડોદરાથી મુંબઈ વચ્ચે હશે. આ રુટની સૌથી ઝડપી મુંબઈ સેન્ટ્રલ તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેન 10 કલાક 45 મિનિટમાં યાત્રા પૂરી કરે છે. આ ઉપરાંત ગાડીઓ 12થી 15 કલાકનો સમય લે છે.
પહેલાં 18 થી 20 કલાકમાં આ યાત્રા પૂર્ણ થતી હતી
બાય રોડ આ સફર અત્યાર સુધીમાં 18 થી 20 કલાકમાં પૂર્ણ થતી હતી જે હવે માત્ર અડધી જ રહી જશે. દિલ્હીથી સોહના, દૌસા, લાલસોટ, સવાઈ માધોપુર, કોટા, રતલામ, દાહોદ અને ગોધરાના માર્ગે આ એક્સપ્રેસ વે 10 જ કલાકમાં મુસાફરોને વડોદરા પહોંચાડી દેશે. હાલ દિલ્હીથી વડોદરા સુધી જવા માટે સીધા બે જ રોડ હતા. એક રસ્તો જયપુર, ભીલવાડા અને ઉદયપુરના માર્ગે. તો બીજો લક્ષ્મણગઢ, લાલસોટ અને કોટાના માર્ગે.
કેટલી ઝડપે દોડાવી શકાશે ગાડીઓ?
દિલ્હી અને વડોદરા વચ્ચેનું અંતર આશરે 1000 કિલોમીટરનું છે પણ નવા એક્સપ્રેસ વેને લીધે આ રસ્તો 845 કિ.મી.નો જ રહી જશે. દિલ્હીથી વડોદરા સુધીના સેક્શનને 12000 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. તેનો સૌથી વધુ 373 કિ.મી.નો હિસ્સો રાજસ્થાનથી પસાર થાય છે. આ ઉપરાંત મધ્યપ્રદેશથી 244 કિ.મી. અને સૌથી ઓછો રાજસ્થાનથી 79 કિ.મી. પસાર થાય છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો સોહનાથી દૌસા સુધીનો સેક્શન પહેલાં જ ચાલુ કરી દેવાયો હતો. આ રોડ પર તમે 120 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ગાડી દોડાવી શકશે. રોડ 8 લેન હશે અને કનેક્ટિવિટી મજબૂત હશે.