Get The App

કેજરીવાલે હાથ ઊંચા કર્યા: મેયરની ચૂંટણી નહીં લડે AAP, કહ્યું- ટ્રિપલ એન્જિન સરકાર બનાવો

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
કેજરીવાલે હાથ ઊંચા કર્યા: મેયરની ચૂંટણી નહીં લડે AAP, કહ્યું- ટ્રિપલ એન્જિન સરકાર બનાવો 1 - image


Delhi MCD Election: આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી ન લડવાનો નિર્ણય લઈ ભાજપની ટ્રીપલ સરકારનો માર્ગ મોકળો કરી દીધો છે. દિલ્હી વિધાનસભામાં કારમી હાર બાદ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પરાજય થવાના ભયે AAPએ મેયરની ચૂંટણી ન લડવાની જાહેરાત પૂર્વ મુખ્યમંત્રી આતિશી અને દિલ્હીના AAP સંયોજક સૌરભ ભારદ્વાજે કરી હતી. મેયર અને ડેપ્યુટી મેયર પદની ચૂંટણી 25 એપ્રિલના રોજ યોજાશે.

આતિશીએ ભાજપ પર મૂક્યો આરોપ

આતિશીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરતાં કહ્યું કે, ભાજપ જ્યાં જ્યાં ચૂંટણી હારે છે, ત્યાં ષડયંત્રો રચી અન્ય પક્ષને તોડે છે, અને સરકાર બનાવે છે. એમસીડીમાં રિ-યુનિફિકેશન કરાવી વોર્ડ 272થી ઘટાડી 250 કર્યા, ચૂંટણીમાં વિલંબ કર્યો, ડિ-લિમિટેશન લાગુ કરી. ગુજરાત-ગોવા, કર્ણાટક સહિત કોઈ પણ રાજ્ય જોઈ લો. તેઓએ આ પ્રકારનું ષડયંત્ર રચી રાજકારણ કર્યું છે. અમે આ પ્રકારનું રાજકારણ રમવા માગતા નથી. 

ભાજપ ટ્રિપલ એન્જિનની સરકાર ચલાવે

આતિશીએ સ્વીકાર્યું કે, મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપ પાસે બહુમત છે. અત્યાર સુધી કોઈ પક્ષે ઉમેદવારી નોંધાવી નથી. તેમની પાસે ટ્રિપલ એન્જિનની સરકાર ચલાવવાની અને પોતાના વચનો પૂરા કરવાની તક છે. હવે સુરક્ષા વ્યવસ્થા હોય, વીજ-પાણી પુરવઠો હોય, શાળા-હૉસ્પિટલ હોય કે, સાફ-સફાઈ હોય, દિલ્હીના લોકોને આપેલા વચનો હવે ભાજપે પૂરા કરવા પડશે. અમે ઇચ્છીએ છીએ કે, ભાજપ એમસીડીમાં પોતાની સરકાર બનાવે. કેન્દ્ર અને રાજ્યમાં તેમની સરકાર છે. જેથી હવે તેની પાસે ટ્રિપલ સરકાર ચલાવવાની તક મળી રહી છે.

આ પણ વાંચોઃ વિપક્ષનું લોહી ચાખી ગયેલા ભાજપને ફરી સળવળાટ, પેટા ચૂંટણી પહેલા ચાર-પાંચ ધારાસભ્યો કરશે પક્ષપલટો!

ચૂંટણી ન લડવા માટે આપ્યું આ કારણ

આતિશી અને સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી ન લડવાનું કારણ આપ્યું હતું કે, ભાજપ અન્ય પક્ષના કાઉન્સિલર્સને તોડી-ખરીદવાની નીતિ અપનાવી પોતાની જીત મેળવે છે. પરંતુ અમે આ પ્રકારનું રાજકારણ રમવા માગતા નથી. જો અમે આ ચૂંટણી જીતીએ તો ભાજપ પોતાના દોષનો ટોપલો અમારા માથે ઢોળશે. પર્યાવરણ મંત્રી કહે છે કે, પ્રદુષણ એટલા માટે વધી રહ્યું છે કે, AAPની એમસીડી સરકાર કચરો બાળી રહી છે. આથી અમે આ ચૂંટણી લડવા માગતા નથી. અમે ભાજપને દિલ્હી ચલાવવાની તક આપી રહ્યા છીએ.



ચાર એન્જિનવાળી સરકાર ચલાવોઃ સૌરભ ભારદ્વાજ

સૌરભ ભારદ્વાજે કહ્યું કે, અમે સતત જોયું છે કે, AAPના કાઉન્સિલર્સને કોઈપણ રીતે ડરાવી-ધમકાવી, લાલચ આપી ભાજપ પોતાની તરફ ખેંચી રહ્યું છે. આથી અમે નિર્ણય લીધો છે કે, આ વખતે અમે મેયરની ચૂંટણી નહીં લડીએ. ભાજપ પોતાના મેયર બનાવી લે, સ્ટેન્ડિંગ કમિટી બનાવી લે, અને દિલ્હીમાં કોઈપણ બહાના ગણાવ્યા વિના પોતાના વચનો પૂરા કરે. આ વખતે તે ચાર એન્જિનની સરકાર બનાવે, તેનું ચોથું એન્જિન લેફ્ટનન્ટ ગવર્નર છે. તેઓ ચાર એન્જિનની સરકાર ચલાવી દિલ્હીવાસીઓને પોતાની ક્ષમતાઓ બતાવી દે.

કેજરીવાલે હાથ ઊંચા કર્યા: મેયરની ચૂંટણી નહીં લડે AAP, કહ્યું- ટ્રિપલ એન્જિન સરકાર બનાવો 2 - image

Tags :