Delhi Mayor Election: AAP ઉમેદવાર શૈલી ઓબેરોય બિનહરીફ મેયર ચૂંટાયા
- ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શિખા રાયે પોતાનું નામ પાછું ખેંચ્યુ
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2023, બુધવાર
દિલ્હીમાં મેયરની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શિખા રાયે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના શેલી ઓબેરોય બિનહરીફ દિલ્હીના મેયર ચૂંટાયા છે. આ સાથે જ તેઓ સતત બીજી વખત દિલ્હીના મેયર બનવામાં સફળ થયા છે. ભાજપે મેયર અને ડેપ્યુટી મેયર બંનેની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ત્યારબાદ મેયર શૈલીએ આમ આદમી પાર્ટીના ડેપ્યુટી મેયરના ઉમેદવાર આલે મોહમ્મદ ઈકબાલની બિનહરીફ ચૂંટાયાની જાહેરાત કરી હતી. કારણ કે ભાજપના ડેપ્યુટી મેયરના ઉમેદવાર સોની પાંડેએ પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
પોતાના ઉમેદવારનું નામ પાછું ખેંચવા પાછળનું એક કારણ ગૃહમાં સંખ્યાનો અભાવ હોઈ શકે છે. જો વર્તમાન આંકડાઓ પર નજર કરીએ તો આમ આદમી પાર્ટી પાસે 250માંથી 133 કાઉન્સિલર છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે 108 કાઉન્સિલર છે. કોંગ્રેસના ગૃહમાં માત્ર 9 કાઉન્સિલર છે. એટલે કે સંખ્યાત્મક તાકાત આમ આદમી પાર્ટીના સમર્થનમાં સીધી દેખાઈ રહી છે.
ભાજપના ઉમેદવારનું નામ પાછું ખેંચ્યા બાદ મુકેશ ગોયલે ડો.શેલી ઓબેરોયને મેયર ઘોષિત કર્યા છે. MCD સદનમાં ભાજપના મેયર પદના ઉમેદવાર શિખા રાયે પોતે એલાન કર્યું કે તે પોતાનું નામ પાછું ખેંચી રહી છે. આ સાથે તેમએ કહ્યું કે, તે ડો. શેલી ઓબેરોયને અભિનંદન પાઠવે છે અને વિનંતી કરે છે કે મેયર સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીની થવા દે. તેમાં કાયદાકીય અવરોધો ઉભા ન કરો. સ્ટેન્ડિંગ કમિટીનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
ઉમેદવારી પાછી ખેંચતા ભાજપના શિખા રાયે કહ્યું કે, મેં સૌથી મોટી પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ અમારી પાર્ટીનો ઉદ્દેશ્ય એ નથી કે, અમને માત્ર સત્તા જોઈએ છે. ગત દિવસોમાં અમને આશા હતી કે, સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી પણ થશે પરંતુ આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને તેના પર તારીખ પર તારીખ લેવામાં આવી રહી છે. આથી જ્યાં સુધી બાકીની બંધારણની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કમિટિનું ગઠન કરવામાં આવે તેવી માગણી સાથે હું મારું નામ પાછું ખેંચું છું.