લાઉઝ મ્યુઝિકનો અવાજ ઘટાડવા કહ્યું તો પરિવારની સામે જ મોતને ઘાટ ઉતાર્યો, દિલ્હીની ચોંકાવનારી ઘટના
Delhi Crime: દિલ્હીના રોહિણી વિસ્તારમાં લાઉડ મ્યુઝિક વગાડવાના વિવાદમાં એક વ્યક્તિની હત્યા થઈ હતી. આ ઘટના 31મી ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીની વચ્ચેની રાત્રે બની હતી. મૃતકનું નામ ધર્મેન્દ્ર છે. ન્યૂ ઈયર પાર્ટી દરમિયાન મોટા અવાજે મ્યુઝિક વગાડવાને લઈને તેની પાડોશીઓ સાથે ઝઘડો થયો હતો.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, પોલીસને રાત્રે 1:08 વાગ્યે કંટ્રોલ રૂમમાં પીસીઆર કોલ આવ્યો હતો. જેમાં રોહિણીમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડાના સમાચાર આપવામાં આવ્યા હતા. માહિતી બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તેમને ખબર પડી કે ઝઘડા બાદ ધર્મેન્દ્રને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
પોલીસ હોસ્પિટલ પહોંચી ત્યાં સુધીમાં ધર્મેન્દ્રને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે ધર્મેન્દ્રને તેના પડોશી કપિલ તિવારી અને પીયૂષ તિવારી સાથે ઝઘડો થયો હતો. જ્યારે ધર્મેન્દ્રએ મોટા અવાજે મ્યુઝિક વગાડવાનો વિરોધ કર્યો તો આરોપીઓએ તેને માર માર્યો હતો. જેમાં ધર્મેન્દ્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ધર્મેન્દ્રના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.