Get The App

કેજરીવાલને ભારે પડી મફતની રેવડીઓ, હવે ભાજપના મુખ્યમંત્રી પણ વાયદા પૂરા કરવામાં અક્ષમ

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
કેજરીવાલને ભારે પડી મફતની રેવડીઓ, હવે ભાજપના મુખ્યમંત્રી પણ વાયદા પૂરા કરવામાં અક્ષમ 1 - image


Freebies Politics Delhi-Maharashtra Budget : દેશના રાજકારણમાં ‘રેવડી કલ્ચર’ એટલે કે ‘મફત યોજના’ મોટી ભૂમિકા નિભાવી રહી છે. તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણી અને તે પહેલાની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પણ અનેક મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ દિલ્હીમાં તેની ઉલટી અસર જોવા મળી. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અનેક વખત મફત યોજનાઓ આપતા રહી 10 વર્ષ સુધી સત્તામાં રહ્યા, પરંતુ આ વખતે મહિલાઓ અને રિક્ષા ચાલકોને આકર્ષતી અનેક યોજનાઓ જાહેર કરવા છતાં તેઓએ સત્તા ગુમાવવાની નોબત આવી છે. આ જોતા એવા સંકેત મળી રહ્યા છે કે, રાજકીય પક્ષો માત્ર રેવડીઓથી જ સત્તા મેળવી શકતા નથી. દિલ્હીના લોકો અનેક વખત પાણીની સમસ્યા સહિત માળખાકીય સુવિધા સામે ઝઝુમી ચુક્યા છે, તેથી પક્ષોએ માત્ર રેવડીઓ જ નહીં માળખાકીય સુવિધા તેમજ સારા રસ્તા, સ્વચ્છ પાણી પર ધ્યાન આપવું જોઈએ.

AAP સરકારે ‘મફત યોજના’ પાછળ 4550 કરોડનો ખર્ચ કર્યો

કેજરીવાલના 10 વર્ષના શાસન દરમિયાન તેમનું સૌથી વધુ ધ્યાન ફ્રી યોજનાઓ પણ રહ્યું, જેની અસર દિલ્હીની આર્થિક સ્થિતિ પર પણ પડી. ડેટા મુજબ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની સરકારે સબસિડી પાછળ જોરદાર ખર્ચ કર્યો હતો. કેજરીવાલ સરકારે રાજધાનીની મફત વીજળી યોજનામાં પાછળ 3600 કરોડ રૂપિયા ખર્ચ કરતી હતી. જ્યારે પાણીની સબસિડી પાછળ 500 કરોડ તેમજ મહિલાઓને ફ્રી બસ સેવા પાછળ 440 કરોડ રૂપિયાનો ખર્ચ કરતી હતી.

કેજરીવાલને ભારે પડી મફતની રેવડીઓ, હવે ભાજપના મુખ્યમંત્રી પણ વાયદા પૂરા કરવામાં અક્ષમ 2 - image

મહારાષ્ટ્રમાં રેવડી આપનાર મહાયુતિ પણ મુશ્કેલીમાં

દિલ્હી પહેલા મહારાષ્ટ્રમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહાયુતિએ અનેક મફત યોજનાઓ જાહેર કરી હતી અને હવે આ યોજનાઓ સરકાર માટે પડકારજનક બની રહી છે. ચૂંટણી ટાણે રાજ્યમાં સૌથી વધુ મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadnavis) હાલ અનેક યોજનાઓ પુરી કરવામાં અક્ષમ જોવા મળી રહ્યા છે. વૃદ્ધોને તીર્થ સ્થળે લઈ જવાની વાત હોય કે પછી મહિલાઓના એકાઉન્ટમાં નાણાં નાખવાની, જોકે હાલ રાજ્યનું બજેટ બગડતા કેટલીક યોજનાઓ હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે.

કેજરીવાલને ભારે પડી મફતની રેવડીઓ, હવે ભાજપના મુખ્યમંત્રી પણ વાયદા પૂરા કરવામાં અક્ષમ 3 - image

મહારાષ્ટ્રમાં મફત યોજનાઓએ મહાયુતિને અપાવી જીત

મહારાષ્ટ્રમાં ગત વર્ષે જૂનમાં ‘મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના’ શરૂ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે, આ યોજનાએ મહાયુતિની જીત પાછળ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. જોકે હવે આ યોજના સરકાર માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. આર્થિક વિભાગના એક અધિકારીએ કહ્યું કે, સરકાર વર્તમાન સમયમાં ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. આ જ કારણે અનેક યોજનાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે અને કેટલાક મય સુધી તેને અટકાવવામાં આવી શકે છે.

વૃદ્ધોને અયોધ્યા લઈ જવાના હતા, પરંતુ બજેટના કારણે વિલંબ?

એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે, ફડણવીસ સરકાર ‘મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના’ (CM Tirtha Darshan Scheme) હેઠળ અયોધ્યા જવા માટે 25 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરી શકી નથી. આ યોજના હેળ વૃદ્ધોના એક જૂથને અયોધ્યા લઈ જવાના હતા, પરંતુ તેમાં સતત વિલંબ થઈ રહ્યો છે. બીજીતરફ યોજનાનું સુપરવિઝન કરી રહેલા રાજ્યના સોશિયલ વેલફેર કમિશનર ઓમ પ્રકારશે કહ્યું કે, મહાકુંભના કારણે અયોધ્યાની 13 ટ્રીપમાં વિલંબ થયો છે. મહાકુંભ બાદ તારીખોની જાહેરાત કરવામાં આવશે.

એવું પણ કહેવાય છે કે, મહારાષ્ટ્રમાં ફંડના કારણે માત્ર તીર્થ યોજના જ નહીં, અન્ય એક યોજના શિવ ભોજન થાલી, અને બીજી યોજના અનંદચા શિધા યોજના આગળ વધારવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. આમાંથી પહેલી યોજના દ્વારા ગરીબોને ભોજનની થાળી અપાય છે, તો બીજી યોજના હેઠળ ગરીબોને જરૂરી રાશન આપવામાં આવે છે.

ડેટા મુજબ યોજના હેઠળ ગત વર્ષે જુલાઈથી ઓક્ટોબર વચ્ચે 6424 વૃદ્ધોને અયોધ્યા દર્શન માટે લઈ જવાયા હતા, પરંતુ ચૂંટણીમાં જીત બાદ મહાયુતિની સરકાર માત્ર 800 લોકોના એક જૂથને બિહારના ગયા મોકલી શકી છે. હાલ અયોધ્યા માટે 13 ટ્રીપ, પુરી માટે એક ટ્રીપની યોજના બનાવાઈ છે, જોકે હાલ બધુ જ અટકી ગયું છે.

મતદારોને મફત સવલતો આપીને જીતી લેવાના ટ્રેન્ડ

મતદારોને મફત સવલતો આપીને જીતી લેવાના ટ્રેન્ડને લગભગ બધા રાજકીય પક્ષોએ અપનાવી લીધો છે. ચૂંટાયા પછી મફત સવલતોનો પૈસો ક્યાંથી આવશે અને તેનાથી રાજ્યોની તિજોરી પર કેવો ભાર પડશે તે બાબતે કોઇ રાજકીય પક્ષ ખુલાસો કરવા તૈયાર નથી, કેમ કે એમને તો કોઇ પણ રીતે દિલ્હી સર કરવું છે. મતદારોને મફત સવલતો આપવાની પ્રથા ખોટી છે એમ સૌ કોઈ જાણે છે છતાં રાજકીય પક્ષો મફત સવલતોની ગંગામાં ડૂબકી મારવાનું ચૂકતા નથી. મહિલા મતદારોને આકર્ષવા વિવિધ સ્કીમો મુકાઈ રહી છે, જેમ કે વિધવા સહાય યોજના, ઘર ચલાવતી મહિલાઓમાટે સ્કીમ, ભણતી દીકરીઓને લેપટોપ-સાઇકલ આપવા વગેરે. મહિલાઓના ખાતામાં સરકારી સહાય સીધી જ જમા થઈ જશે તેવી ખાતરી અપાય છે. આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની  રકમમાં પણ વધારો થઇ રહ્યો છે. 

મફત યોજનાઓના કારણે આઠ રાજ્યો પર 1.5 કરોડનો બોજો

આવી સ્કીમો જાહેર કરનારાં આઠ રાજ્યોની તિજોરી પર કુલ 1.5 લાખ કરોડનો બોજો પડયો છે. કેટલાંક રાજ્ય આ ખર્ચનો પહોંચી વળે છે, જ્યારે બાકીના રાજ્યોએ દેવામાં વધારો કરવો પડે છે. અગાઉ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ઓડિશા જેવું રાજ્ય મહિલાઓને સહાય આપતી સ્કીમને પહોંચી વળે છે. ઓડિશામાં નોન ટેક્સ રેવન્યુ વધારે હોવાથી તેણે કેન્દ્ર પાસે હાથ લંબાવવો પડતો નથી.

જોકે અન્ય રાજ્યોને નાણાખાધની ચિંતા સતાવતી રહે છે. ઉદાહરણ તરીકે, કર્ણાટકમાં દરેક કુટુંબની વડીલ મહિલાને ગૃહલક્ષ્મી સ્કીમ હેઠળ દર મહિને 2000 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ ચૂકવવામાં આવે છે. તેના માટે 28608 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે રાજ્યની આવકના 11 ટકા જેટલા છે.

એવી જ રીતે પશ્ચિમ બંગાળમાં લક્ષ્મીર ભંડાર સ્કીમ ચાલે છે,  જેમાં આર્થિક રીતે નબળા વર્ગની મહિલાને એક સમયની ગ્રાન્ટ તરીકે 1000 રૂપિયા અપાય છે. આ સ્કીમ માટે મમતા સરકારે 14400 કરોડ ફાળવ્યા છે, જે રાજ્યની આવકના 6 ટકા જેટલી થાય છે. દિલ્હીમાં કુટુંબની વડીલ પ્રૌઢાને દર મહિને 1000 રૂપિયા દિલ્હી મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના સહાય હેઠળ આપવામાં આવે છે. તેના માટે મહિને 2000 કરોડ રૂપિયાની જરૂર પડે છે. આ રકમ દિલ્હીની આવકના ત્રણ ટકા જેટલી છે. 

અરવિંદ કેજરીવાલે મફત સવલતો આપવાનું પગલું ભરીને સત્તા મેળવી, ત્યારે ભાજપના નેતાઓએ, ખાસ કરીને વડાપ્રધાન મોદીએ આ પ્રથાને રેવડી કલ્ચર કહીને ટીકા કરી હતી. આજે  સ્થિતિ એ છે કે અન્ય પક્ષોની સાથે ભાજપ પણ રેવડી કલ્ચરને અપનાવી રહ્યો છે. દરેક પક્ષ કોઇ પણ રીતે સત્તા હાંસલ કરવા માંગે છે. રેવડી કલ્ચર આમ જોવા જાઓ તો  નાગરિકોના મત ખરીદવા માટેનો ભ્રષ્ટાચાર જ છે.


Google NewsGoogle News