કેજરીવાલનું નામ અને વચનો ભુલાઈ ન જાય તે માટે ‘સુનીતા ટીમ’નું કામ શરૂ, AAPએ બનાવ્યો પ્લાન
Lok Sabha Elections 2024 : દિલ્હીની સાત લોકસભા બેઠકો માટે 25મી મેએ મતદાન યોજાવાનું છે. જોકે તે પહેલા રાજ્યની સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી (AAP)ના વડા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં જેલમાં બંધ છે. તેમણે ધરપકડ અગાઉ રાજ્યની જનતા અને ખાસ કરીને મહિલાઓને ઘણા વચનો આપ્યા છે, તેથી તેમનું નામ ભુલાઈ નહીં અને તેમના વચનો પણ મતદારોના મનમાં જળવાઈ રહે, તે માટે પાર્ટીએ ખાસ પ્લાન બનાવ્યો છે. હાલના સમયમાં પાર્ટીનું સૌથી વધુ ધ્યાન કેજરીવાલે મહિલા મતદારોને આપેલા વચનો ન ભુલાય તેના પર અને ‘જેલનો જવાબ મત’ અભિયાનથી કેજરીવાલ પ્રત્યે સહાનુભૂતિ મેળવવા પર છે, ત્યારે આ તમામ કામો પાર પાડવા અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતાની આગેવાની હેઠળની ટીમે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે.
દિલ્હીમાં 46% મહિલા મતદારો પર AAPનું ધ્યાન
પહેલા વાત કરીએ દિલ્હીની મહિલા મતદારોની, તો ચૂંટણી પંચના ડેટા મુજબ દિલ્હીમાં કુલ 1.47 કરોડ મતદારો છે, જેમાં મહિલાઓની સંખ્યા 67 લાખ અને પુરુષોની સંખ્યા 79 લાખ છે. મહત્વની વાત એ છે કે, દિલ્હીમાં મત આપનાર મહિલાઓની સંખ્યા 46 ટકા છે, તેથી મહિલા મતદારોને ધ્યાને રાખી કેજરીવાલ સરકાર અનેક યોજનાઓ લાવી છે.
AAPના ચૂંટણી અભિયાનમાં સુનીતાની એન્ટ્રી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ સંદેશ મોકલાવ્યો હતો કે, બહાર આવતા જ તેઓ મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવાની યોજના લાગુ કરી દેશે. એટલું જ નહીં આમ આદમી પાર્ટીએ મહિલાઓનો સંપર્ક જાળવી રાખવા અને વધારવા ચૂંટણી અભિયાનમાં સુનીતા કેજરીવાલનું પણ નામ જોડી દીધું છે.
કેજરીવાલના તમામ કામ સુનીતાના હાથમાં ?
અરવિંદ કેજરીવાલને જેલમાં ધકેલી દેવાયા બાદ હવે તેમના પ્રત્યે સહાનુભૂતિ મેળવવા આ તમામ ઉપાયોગ કરવામાં આવી રહ્યા છે. ‘જેલનો જવાબ વોટ’ કેમ્પેઈન તો પહેલેથી જ શરૂ કરી દેવાયું છે. હવે આમ આદમી પાર્ટીએ સુનીતાની આગેવાની હેઠળ મહિલા કાર્યકર્તાઓની એક ટીમ સજ્જ કરી દીધી છે. આ ટીમ એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે કે, કેજરીવાલ જેલમાં ગયા બાદ સુનીતા જ બધુ કામ જોઈ રહ્યા છે. જેલમાં મોકલાયેલા કેજરીવાલને લોકો ભુલી ન થાય, તે માટેની રણનીતિ પર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
કેજરીવાલની મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના
કેજરીવાલ જેલમાં ગયા તે પહેલા ‘મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના’ની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ ઘણા દિવસો સુધી કેજરીવાલ બોલતા રહ્યા છે કે, ‘દિવસભર મહિલાઓના ફોન આવી રહ્યા છે અને પૂછી રહી છે કે, નાણાં મેળવવા શું કરવું પડશે? કેવી રીતે એપ્લાય કરી શકાશે? યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાશે?’ કેજરીવાલના આ યોજના મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની લાડલી બહેના યોજનાની જેમ બનાવાઈ છે. આ યોજનાને રાજ્યમાં બહોળા પ્રમાણમાં સમર્થન મળ્યું છે અને એવું કહેવાય છે કે, ભાજપ આ યોજનાના કારણે જ 2023ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા પર પરત આવી શકી છે.
AAPએ તમામ મંડળ, વોર્ડો, બૂથ સ્તરે ટીમો બનાવી
ઉલ્લેખનિય છે કે, કેજરીવાલ સરકારે દિલ્હીની બસોમાં મહિલાઓને મફત યાત્રાની સુવિધા પહેલેથી જ આપી દીધી છે. હવે આમ આદમી પાર્ટીની ટીમ મહિલાઓની તમામ યોજનાઓને એક સાથે રજુ કરી મહિલાઓ પાસે મત માંગી રહી છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે, તમામ મંડળ, વોર્ડોમાં અને બૂથ સ્તરે મહિલાઓની ટીમો બનાવાઈ છે અને તેમાં બેથી ચાર મહિલાઓને સામેલ કરવામાં આવી છે. આ ટીમ ઘરે-ઘરે જઈને મહિલાઓનો સંપર્ક કરી રહી છે અને કેજરીવાલ સરકારની યોજનાઓની તમામ માહિતી આપી રહી છે.
AAP ટીમની તમામ કામગીરી પર સુનીતા કેજરીવાલની નજર
પાર્ટીની મહિલા કાર્યકર્તાઓની ટીમ મહિલા મતદારોને એવું પણ બતાવવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે કે, ‘જેલમાં જવા છતાં અરવિંદ કેજરીવાલને તેમની સંપૂર્ણ ચિંતા છે.’ તેમજ આ તમામ કામગીરી સુચારૂરૂપે ચાલી રહી છે તે સુનિશ્ચિત કરવા અને આ તમામ બાબતોની દેખરેખ રાખવા ખુદ સુનીત કેજરીવાલ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. પાર્ટીની મહિલા વિંગની અધ્યક્ષ સારિકા ચૌધરીના જણાવ્યા મુજબ, તેમની ટીમ માટે એપ્રિલ 2024ના અંત સુધીમાં મહિલાઓ સાથે 45,000 મીટિંગનો લક્ષ્યાંક રખાયો છે અને અત્યાર સુધીમાં આવી 20,000 બેઠકો પુરી થઈ ચૂકી છે.