VIDEO : મોતીનગરનાં રોડશોમાં કેજરીવાલે રશિયા-ઉત્તર કોરીયાનો ઉલ્લેખ કરી ભાજપ પર સાધ્યું નિશાન
CM Arvind Kejriwal Road Show in Motinagar : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે મોતીનગર લોકસભા વિસ્તારમાં રોડશો કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘તમે બધાએ મારા માટે પ્રાર્થના કરી. તમારા પ્રેમ અને ઉપરવાળાની મહેરબાનીના કારણે આજે હું તમારી વચ્ચે ઉભો છું. હવે તે લોકો કહી રહ્યા છે કે, મારે 20 દિવસ બાદ ફરી જેલમાં જવું પડશે. જો તમે લોકો ઈચ્છો કે, હું જેલમાં ન જાઉ, તો 25 મેએ AAP અને INDIA ગઠબંધનને વોટ આપજો. જો તમે ફરી ઝાડુનું બટન દબાવશો, તો મારે ફરી જેલમાં જવાની જરૂર નહીં પડે. ઉલ્લેખનીય છે કે, તેમણે નવી દિલ્હીના ઉમેદવાર સોમનાથ ભારતીના સમર્થનમાં રોડશો કર્યો હતો. આ દરમિયાન કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) પણ ઉપસ્થિત રહ્યા હતા.
‘તેમણે મને જેલમાં કેમ ધકેલ્યો, મારો વાંક શું હતો?’
કેજરીવાલે કહ્યું કે, ‘તેમણે મને જેલમાં કેમ ધકેલ્યો, મારો વાંક શું હતો? મેં દિલ્હી માટે કામ કર્યું, કદાચ આ જ કારણે ભાજપે (BJP) મને જેલમાં ધકેલી દીધો. મારો વાંક એટલો જ છે કે, મે દિલ્હીના લોકોને મફત વીજળી, પાણી અને આરોગ્યની સુવિધા આપી. મેં મહિલાઓને મફતમાં બસની મુસાફરી કરાવી. આ જ ગુનાના કારણે ભાજપે મને જેલમાં ધકેલી દીધો. મેં 500 શાળાઓ બનાવી. તમે તો કેન્દ્રમાં બેઠા છો, તમારે વધુ પાંચ હજાર સ્કુલો બનાવવાની હતી, પરંતુ તમે મને જેલમાં નાખી દીધો. કેજરીવાલે આક્ષેપ કર્યો કે, ભાજપ દિલ્હીના લોકોને મળતી સુવિધા જોઈ શકતી નથી.
लोकसभा चुनाव प्रचार के तहत नई दिल्ली संसदीय सीट मोती नगर में CM @ArvindKejriwal और पंजाब के CM @BhagwantMann का विशाल रोड शो। LIVE https://t.co/dUFy46xGME
— AAP (@AamAadmiParty) May 12, 2024
‘રશિયા અને ઉત્તર કોરિયાની જેમ ભારતમાં તાનાશાહી લાવવા માંગે છે’
તેમણે વધુમાં કહ્યું કે, ‘ભાજપવાળાઓ કહે છે કે, 400 બેઠકો આપી દો. આ લોકો 400 બેઠકોનું શું કરશે? વાસ્તવમાં તેમનો ઉદ્દેશ દેશમાંથી અનામત, બંધારણ અને ચૂંટણી ખતમ કરવાનો છે. આ લોકો રશિયા અને ઉત્તર કોરિયાની જેમ ભારતમાં તાનાશાહી લાવવા માંગે છે. તે દેશોમાં ચૂંટણી જ થતી નથી, માત્ર એક જ વ્યક્તિ તાનાશાહી કરે છે. નવી દિલ્હીની લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવારનું નામ કોઈપણ જાણતું નથી. મળવાની વાત છોડો, તેઓ કોઈને ફોન પણ ઉપાડતા નથી.’ આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના સમર્થનમાં મત માંગ્યા છે.