કેજરીવાલે આરોપીને મેસેજ કર્યા હતા, જજને મળવાનો પણ ઉલ્લેખ: દારૂ કૌભાંડમાં EDનો દાવો
Delhi Liquor Scam : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી લિકર કૌભાંડમાં કથિત મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરાયેલા વકીલ વિનોદ ચૌહાણ (Vinod Chauhan) અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) વચ્ચેના સંબંધો અંગે ચોંકાવનારા દાવા કર્યા છે. આજે દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન ઈડીએ કેજરીવાલે આરોપી વિનોદ ચૌહાણને કરેલા મેસેજમાં જજોને મળવાનો ઉલ્લેખ કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત ઈડીએ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અને તેના નેતાઓ પર પણ ગંભીર આક્ષેપો કર્યો છે.
કેજરીવાલ અને આરોપી વચ્ચે થયેલા ડાયરેક્ટ મેસેજમાં જજોનો ઉલ્લેખ
આજે દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ દાખલ ચાર્જશીટ પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન ઈડીના વકીલે કહ્યું કે, અમને કેજરીવાલ અને કેસના આરોપી વિનોદ ચૌહાણ વચ્ચે થયેલા ડાયરેક્ટ મેસેજના પુરાવા મળ્યા છે. ઈડીએ દાવો કર્યો છે કે, બંને વચ્ચે થયેલા ડાયરેક્ટ મેસેજમાં જજોને મળવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ઈડીએ કહ્યું કે, વિનોદ ચૌહાણ ગેરકાયદે રીતે કમાયેલા નાણાંનું સંચાલન કરતો હતો.
આરોપીએ આમ આદમી પાર્ટીને લાંચ પહોંચાડી : ઈડી
ઈડીએ વિનોદ ચૌહાણ પર આરોપ લાગવ્યો છે કે, ‘ગોવાની ચૂંટણી માટે તેણે કથિત રીતે આમ આદમી પાર્ટીને લાંચ પહોંચાડી હતી. આરોપી પાસેથી 1.06 કરોડ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવી હતી. વિનોદ ચૌહાણ જાણતો હતો કે, આ નાણાં દિલ્હી લિકર કૌભાંડથી ગેરકાયદે રીતે મેળવેલી આવક છે. આરોપીઓ ગોવાની ચૂંટણી દરમિયાન હવાલા દ્વારા આ નણાં પહોંચાડ્યા હતા.’
કેસમાં AAP અને કેજરીવાલ આરોપી, ઈડીની દલીલ
ઈડી દ્વારા દાખલ કરાયેલા ચાર્જશીટમાં આમ આદમી પાર્ટી અને પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મુખ્ય આરોપી દર્શાવ્યા છે. કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી ચોથી જૂને હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. ઈડીના વકીલનું કહેવું છે કે, આ કેસમાં આપ અને કેજરીવાલ બંને સંકળાયેલા છે. ઈડીએ કહ્યું કે, કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ કૌભાંડના મુખ્ય ષડયંત્રકાર અને કાવતરાખોર છે અને તેમાં પાર્ટીના નેતા અને અન્ય વ્યક્તિઓ સામેલ છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી અભિયાનોમાં નાણાંનો ઉપયોગ કર્યો અને અને તે ઘણી ગુનાહિત પ્રક્રિયામાં સક્રિય રૂપે સામેલ છે.