‘લિકર પોલિસી પર LG સહિત 15ના હસ્તાક્ષર’ કેજરીવાલનો દાવો, જામીન પર ચુકાદો અનામત
Delhi Excise Policy Case : દિલ્હી પોલિસી કૌભાંડના કેસમાં જેલમાં બંધ અરવિંદ કેજરીવાલની જામીન અરજી અંગે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણીમાં દલીલ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ ચોંકાવનારો દાવો કર્યો છે. સીબીઆઈએ કેજરીવાલને કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનો દાવો કર્યો છે. સીબીઆઈના વકીલ ડી.પી.સિંહે દલીલ કરી છે કે, સીબીઆઈએ કેજરીવાલ વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. જોકે હાઈકોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આદેશ સુરક્ષિત રાખી લીધો છે.
સીબીઆઈના વકીલે કોર્ટમાં શું કહ્યું?
સીબીઆઈના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, સીબીઆઈને કેજરીવાલની ધરપકડ કર્યા બાદ પુરાવા મળ્યા છે. ત્યારબાદ ઘણા લોકોના નામ ખુલ્યા છે, જેમાં આમ કાર્યકર્તાઓ પણ સામેલ છે. સીબીઆઈ કેજરીવાલની ધરપકડ કર્યા વગર પોતાની તપાસ પૂરી ન કરી શકે. સીબીઆઈ પાસે કૌભાંડમાં કેજરીવાલની સીધી સંડોવણી સાબિત કરતા પુરાવા છે.
આ પણ વાંચો : ‘તો શું અંબાણી-અદાણીને A1 અને A2 કહું...’ સ્પીકરે વાંધો ઉઠાવતા રાહુલ ગાંધીનો જવાબ
કેજરીવાલના વકીલે શું કહ્યું?
બીજીતરફ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, એજન્સીએ મુખ્યમંત્રીની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ કરી નથી. એજન્સીએ માત્ર રિમાન્ડ દરમિયાન જ પૂછપરછ કરી છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, એજન્સી પાસે કેજરીવાલ વિરુદ્ધ કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી અને તેમના ઘરેથી પણ કંઈ મળી આવ્યું નથી. કેજરીવાલે આબકારી નીતિ બનાવવામાં અથવા તેના અમલીકરણમાં સહીઓ કરી છે અને અન્ય 15 લોકોએ પણ તેમાં સહી કરી છે. આમાં લેફ્ટનન્ટ ગર્વનરે પણ સહી કરી છે, તો તેમને આરોપી કેમ ન બનાવાયા? પોલિસીમાં માત્ર કેજરીવાલ જ સામેલ નથી, પરંતુ આ એક સંસ્થાકીય નિર્ણય હતો, જેમાં લેફ્ટનન્ટ ગવર્નર અને નવ મંત્રાલયો સહિત ઓછામાં ઓછા 50 અન્ય લોકો પણ સામેલ હતા. સીબીઆઈએ ઉપરાજ્યપાલને પણ આરોપી બનાવવા જોઈએ.