દિલ્હીના લિકર પોલિસી કૌભાંડમાં CM, ડે.સીએમ બાદ ખુદ AAP પણ આરોપી, EDની ચાર્જશીટમાં દાવો

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
દિલ્હીના લિકર પોલિસી કૌભાંડમાં CM, ડે.સીએમ બાદ ખુદ AAP પણ આરોપી, EDની ચાર્જશીટમાં દાવો 1 - image


Image Source: Twitter

દિલ્હીના લિકર પોલિસી કૌભાંડ મામલે EDની ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સીએમ, ડેપ્યુટી સીએમ બાદ ખુદ AAP પણ આરોપી છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં 45 કરોડ રૂપિયાની કથિત લાંચનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ 2022માં ગોવામાં ચૂંટણી પ્રચાર માટે કર્યો હતો. CBI અને આવકવેરા વિભાગે પણ અલગ-અલગ તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દાવાની પુષ્ટિ કરી છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલા દસ્તાવેજો પરથી આ માહિતી મળી છે.

ED આ કેસમાં હવાલા ઓપરેટરો અને આંગડિયાઓના નેટવર્કની પણ તપાસ કરી રહી છે. EDએ તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ સાથે જ દાવો કર્યો કે આ ફંડની કથિત હેરાફેરીમાં તેમના પર અને તેમની પાર્ટી સામે કેસ ચલાવવામાં આવી શકે છે. ઈડીએ 45 કરોડની લાંચની મની ટ્રેલ સ્થાપિત કરવા માટે પાંચ આંગડિયા પેઢીના સંચાલકોના નિવેદન પણ નોંધ્યા છે. આ મામલે 16 પ્રમુખ વ્યક્તિઓની ધરપકડ થઈ ચૂકી છે. 

તપાસમાં સામે આવ્યું

PMLA હેઠળ સ્પેશિયલ કોર્ટ સમક્ષ ED દ્વારા શેર કરવામાં આવેલી તપાસની વિગતો પ્રમાણે AAP'એ 2021-22 દરમિયાન ગોવામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચેરિયટ પ્રોડક્શન મીડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીની સેવા લીધી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ઘણા વિક્રેતાઓને આંશિક રોકડ બિલની ચૂકવણી કરવામાં આવી હતી.

કેન્દ્રીય એજન્સીએ કહ્યું કે આવી જ એક કંપનીના કર્મચારીએ ED સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે તેને મુંબઈમાં એકઆંગડિયા ઓપરેટર પાસેથી હવાલાના માધ્યમથી 6.29 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. એજન્સીએ આંગડિયા ઓપરેટર આર કાંતિલાલના કર્મચારીનું નિવેદન નોંધ્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે આવકવેરા વિભાગે જાન્યુઆરી 2022માં તેની ગોવા ઓફિસ પર દરોડા પાડ્યા હતા.

ફર્મના ડેટા એકત્ર કર્યા

EDએ આવકવેરા વિભાગનો સંપર્ક કર્યો અને આંગડિયા પેઢીના ડેટા એકત્રિત કર્યા. EDના વિશ્લેષણમાં ખુલાસો થયો છે કે હવાલા દ્વારા આશરે 45 કરોડ રૂપિયા ગોવામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે આ હવાલા ડીલની સીબીઆઈ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી અને તેની પુષ્ટિ થઈ હતી.

આમ આદમી પાર્ટીએ તમામ આરોપોને નકારી કાઢ્યા

આમ આદમી પાર્ટી અને તેના નેતાઓએ આ તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. AAPનો આરોપ છે કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા AAPને ભ્રષ્ટ પાર્ટી તરીકે રજૂ કરવા માટે આ કેસ ઘડવામાં આવ્યો છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ કેસમાં સામેલ અન્ય લોકોના નિવેદનો, જેમ કે TDP લોકસભાના ઉમેદવાર મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડી, તેમના પુત્ર રાઘવ મગુંતા અને ઉદ્યોગપતિ અને અરબિંદો ફાર્માના પ્રમોટર સરથ રેડ્ડી કેજરીવાલને ફસાવવા અને આગામી જનરલમાં તેમની ભાગીદારી રોકવા માટે બદલી નાખવામાં આવ્યા હતા. 

ફોન અનલોક કરવા માટે એપલની સહાયતા માગી

EDનો દાવો છે કે, અરવિંદ કેજરીવાલ પૂછપરછમાં સહયોગ નથી કરી રહ્યા. સૂત્રોએ જણાવ્યું કે, એજન્સીએ કેજરીવાલના એપલ ફોનને અનલોક કરવા માટે કંપનીને એક પત્ર લખ્યો છે. એજન્સીએ જપ્ત કરેલા ચાર એપલ ફોનને અનલેક કરવામાં મદદ માગી છે. 


Google NewsGoogle News