Get The App

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ: કેજરીવાલને મોટો ઝટકો, આવતીકાલે તિહાર જેલમાં કરવું પડશે આત્મસમર્પણ

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ: કેજરીવાલને મોટો ઝટકો, આવતીકાલે તિહાર જેલમાં કરવું પડશે આત્મસમર્પણ 1 - image


Delhi Liquor Policy Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર પોલિસી કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મંજૂર કરાયેલા વચગાળાના જામીનની મુદત આજે સમાપ્ત થઈ રહી છે. તેમણે રવિવારે (બીજી જૂન) તિહાર જેલ ઓથોરિટી સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે. કેજરીવાલે જામીન વધારવા માટે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેમને કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે વચગાળાના જામીન પરનો નિર્ણય પાંચમી જૂન સુધી અનામત રાખ્યો છે. 

ઈડીએ કેજરીવાલ પર જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોર્ટેમાં અરવિંદ કેજરીવાલની જામીન વધારવા અરજીનો વિરોધ કર્યો હતો, અને તેના પર તથ્યોને દબાવવા અને ખોટા નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો હતો. અરવિંદ કેજરીવાલે સ્વાસ્થ્યના કારણોસર વચગાળાના જામીન માંગ્યા છે. ઈડીએ કેજરીવાલ પર જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો છે અને કોર્ટમાં દાવો કર્યો છે કે, કેજરીવાલનો વજન એક કિલો વધ્યો છે, પરંતુ તેઓ ખોટો દાવો કરી રહ્યા છે કે તેમનું વજન 7 કિલો ઘટી ગયું છે. મેડિકલ ટેસ્ટ કરાવવાને બદલે તે યાત્રાઓ કરી રહ્યો છે.'

અરવિંદ કેજરીવાલ પર કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા ઈડીએ કહ્યું, 'ગઈકાલે (31મી મે) અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તે બીજી જૂને આત્મસમર્પણ કરશે. પરંતુ તેમણે કહ્યું ન હતું કે તે અહીંથી પણ રાહત મેળવવાનો પ્રયાસ કરશે. તે સ્વેચ્છાએ આત્મસમર્પણ કરતા નથી. ગઈકાલ (31મી મે)ની પ્રેસ કોન્ફરન્સથી અમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.'

કેજરીવાલે દિલ્હીના લોકોને ભાવુક અપીલ કરી હતી

તિહાર જેલ ઓથોરિટી સમક્ષ આત્મસમર્પણના એક દિવસ પહેલા, અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને તેમની ગેરહાજરીમાં તેમના બીમાર માતા-પિતાની સંભાળ રાખવાની ભાવુક અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'હું આત્મસમર્પણ કરવા માટે બપોરે 3 વાગ્યે (રવિવારે) મારા ઘરેથી નીકળીશ. શક્ય છે કે આ વખતે તેઓ મને વધુ ત્રાસ આપે પણ હું ઝૂકીશ નહીં. હું તમારી વચ્ચે નહીં રહીશ પણ ચિંતા કરશો નહીં. તમારા બધા કામ ચાલુ રહેશે અને પાછા આવ્યા પછી, હું દરેક માતા અને બહેનને દર મહિને 1000 રૂપિયા આપવાનું પણ શરૂ કરીશ.'

શું છે મામલો?

દિલ્હીના કથિત લિકર પોલિસી કૌભાંડમાં ઈડીએ 21મી માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અગાઉ, ઈડીએ તેમને આ કેસમાં પૂછપરછ માટે 9 સમન્સ જારી કર્યા હતા. જો કે કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર થયા ન હતા. સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે તેમણે જ કૌભાંડ આચર્યું છે તેમજ લિકરના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં તેઓ સીધા જ સંડોવાયેલા છે. 


Google NewsGoogle News