પોલિસીમાં આ લોકોની પણ સહી, છતાં અમે જ કેમ જેલમાં? કૌભાંડના કિંગપિંગ કહેવા મામલે કેજરીવાલનો જવાબ
કેજરીવાલે કોર્ટમાં મીડિયાને કહ્યું, હું CM પદેથી રાજીનામું નહીં આપું, જેલમાંથી જ સરકાર ચલાવીશ
મને માતા-પિતાના આશિર્વાદ લેવાની પણ તક ન મળી, તે પહેલા ED મને લઈ ગઈ : કેજરીવાલ
Delhi Liquor Policy Case : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના રિમાન્ડ પર પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે ઈડીને 28 માર્ચ સુધી કેજરીવાલ રિમાન્ડ (ED Remand) આપી છે. આ દરમિયાન કોર્ટની અંદર કેજરીવાલે મીડિયાને કહ્યું કે, હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપું અને જરૂર પડશે તો જેલમાંથી જ સરકાર ચાવીશ. દિલ્હી લિકર પોલિસી ઘણા સ્તરેથી પાસ થઈ હતી, જેમાં કાયદા સચિવ, નાણાં સચિવ, એલજી સહિત તમામની સહીઓ છે, મને સમજાતું નથી કે, કેજરીવાલ અને સિસોદિયા જ કઠેડામાં કેમ?
‘હું CM પદેથી રાજીનામું નહીં આપું, જેલમાંથી જ સરકાર ચલાવીશ’
કેજરીવાલે ધરપકડ અંગે ખુલીને વાત કરતા કહ્યું કે, ‘હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપું, જો જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવીશ. અંદર હવું કે બહાર... સરકાર ત્યાંથી ચલાવીશું. મને ચોક્કસ ખબર છે કે, મુશ્કેલી આવશે, તેમ છતાં અમે કામ કરવાનો પ્રયાસ કરીશું. દિલ્હીના પ્રજા આવું જ ઈચ્છે છે.’
ED આટલી જલ્દી આવશે, તે વિચાર્યું પણ ન હતું : કેજરીવાલ
હેલ્થ અંગે કેજરીવાલે કહ્યું કે, હેલ્થ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. ઈડીના અચાનક દરોડા અંગે કેજરીવાલે કહ્યું કે, ‘મને આવી આશા ન હતી. મેં વિચાર્યું નહોતું કે, હાઈકોર્ટના આદેશ બાદ ઈડી આટલી જલ્દી મારી ધરપકડ કરવા આવશે. મેં વિચાર્યું હતું કે, ધરપકડ પહેલા ઓછામાં ઓછા બે-ત્રણ દિવસ રાહ જોશે. મને માતા-પિતાના આશિર્વાદ મેળવવાની તક ન મળી, તે પહેલા ઈડી મને લઈ ગઈ. ઈડી આવી તે પહેલા હું માતા-પિતા સાથે બેઠો હતો.’
તેમનો ઉદ્દેશ્ય પૂછપરછ કરવાનો નથી : કેજરીવાલ
તેમણે વધુમાં કહ્યું કે, ઈડીના અધિકારીઓએ સારો અને સન્માનપૂર્વક વ્યવહાર કર્યો. ગઈકાલે રાત્રે કોઈ પૂછપરછ કરાઈ નથી. કસ્ટડી દરમિયાન પણ વધુ પૂછપરછ થવાની આશા નથી. જ્યારે કેજરીવાલને પૂછાયું કે, શું તમે ડરેલા છો? તો તેમણે કહ્યું કે, હું બિલકુલ ડરેલો નથી. તેમણે જે પણ જોઈએ, તે માટે હું સંપૂર્ણ તૈયાર છું. તેમનો ઉદ્દેશ્ય પૂછપરછ કરવાનો તો છે જ નહીં. મારા માટે જનતાનું સમર્થન જ મહત્વનું છે.
લિકર પોલિસી કૌભાંડના કિંગપિંગ કહેવાના સવાલ પર તેમણે કહ્યું કે, ‘પોલિસી ઘણા તબક્કામાંથી પસાર થઈ છે... કાયદા સચિવ, નાણાં સચિવ તમામને સહી કરી, એલજીએ પણ સહી કરી, મને સમજાતું નથી કે, કેજરીવાલ અને સિસોદિયા જ કઠેડામાં કેમ?
ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેર ઈડીએ ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે દરોડા પાડી, સર્ચ ઓપરેશન હાથ ધરી, પૂછપરછ કર્યા બાદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને આજે કોર્ટમાં રજુ કરાયા હતા. આ દરમિયાન કોર્ટે ઈડીને છ દિવસ રિમાન્ડની મંજૂરી આપી છે.