કેજરીવાલને 24 કલાકમાં બીજો ઝટકો, વધુ એક અરજી ફગાવાઈ, CMની આ માગ સામે EDને વાંધો
Image Source: Twitter
Arvind Kejriwal Rouse Avenue Court Hearing: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધતી જ જઈ રહી છે. કેજરીવાલને 24 કલાકમાં બીજો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દીધા બાદ કેજરીવાલને કોર્ટ દ્વારા વધુ એક ઝટકો લાગ્યો છે. વકીલને મળવાની સુનાવણી કરતા રાઉઝ એવેન્યુ કો ર્ટે કેજરીવાલની માગ સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો છે.
કેજરીવાલે અરજીમાં કરી હતી આ માગ
સીએમ કેજરીવાલે રાઉઝ એવેન્યુ કોર્ટેમાં એક અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે અઠવાડિયામાં 5 દિવસ સુધી વકીલોને મળવાની માગ કરી હતી. કેજરીવાલનું કહેવું એમ હતું કે, સમગ્ર દેશમાં તેમની વિરુદ્ધ 30 અલગ-અલગ કેસ નોંધાયેલા છે. આ મામલે વકીલ સાથે વાત કરવા માટે કેજરીવાલે અઠવાડિયામાં 5 દિવસનો સમય માગ્યો હતો.
કોર્ટે કર્યો ઈનકાર
કેજરીવાલની અરજી પર સુનાવણી કરતા રાઉઝ એવેન્યુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. કોર્ટે કેજરીવાલને વકીલને મળવા માટે માત્ર બે દિવસનો સમય આપ્યો છે. પરંતુ કેજરીવાલનું કહેવું છે કે, 2 દિવસ તેમના માટે પર્યાપ્ત નથી. તેનાથી તેને કેસ સમજવામાં મુશ્કેલી થશે. તેથી તેમને ઓછામાં ઓછા પાંચ દિવસનો સમય આપો.
EDએ વાંધો ઉઠાવ્યો
EDએ પણ કેજરીવાલની આ માગ સામે વાંધો ઉઠાવ્યો છે. EDએ કહ્યું કે, વકીલને મળવાનો સમય માગવાના બહાને કેજરીવાલ જેલમાંથી જ દિલ્હીની સરકાર ચલાવવા માગે છે. પરંતુ જેલમાં હાજર કોઈ પણ વ્યક્તિને સ્પેશિયલ ટ્રિટમેન્ટ ન મળવી જોઈએ. જેલ મેન્યુઅલમાં પણ અઠવાડિયામાં પાંચ દિવસ મળવાની જોગવાઈ નથી.
ધરપકડ વિરુદ્ધ હવે કેજરીવાલ 'સુપ્રીમ'ના શરણે
બીજી તરફ હવે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને દિલ્હી હાઈકોર્ટના એ ચુકાદાને પડકાર્યો છે જેમાં દિલ્હીના લિકર પોલિસી કૌભાંડ મામલે તેમની ધરપકડને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી હતી. કેજરીવાલે પોતાની અરજી દ્વારા ધરપકડ અને ઈડી રિમાન્ડનો વિરોધ કર્યો હતો. જોકે હાઈકોર્ટ તરફથી કેજરીવાલને રાહત નહોતી મળી. કોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દેતા તેમની ધરપકડને કાયદેસર માની હતી.