VIDEO : ધરપકડ અંગે સંજય સિંહે કાર્યકર્તાઓને આપ્યો સંદેશ, પત્નીએ પણ આપી પ્રતિક્રિયા

દિલ્હી લિકર કૌભાંડ મામલે EDએ સંજય સિંહની ધરપકડ કરતા દિલ્હી સહિત લખનઉમાં પણ કાર્યકર્તાઓનું પ્રદર્શન

લખનઉમાં પોલીસ સાથે ઘર્ષણ, AAPએ સંજય સિંહનો વીડિયો શેર કર્યો, કહ્યું ‘સંજય સિંહને પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું’

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
VIDEO : ધરપકડ અંગે સંજય સિંહે કાર્યકર્તાઓને આપ્યો સંદેશ, પત્નીએ પણ આપી પ્રતિક્રિયા 1 - image

નવી દિલ્હી, તા.04 ઓક્ટોબર-2023, બુધવાર

દિલ્હી લિકર કૌભાંડ (Delhi Liquor Policy Scam) મામલે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ (Sanjay Singh)ની EDએ ધરપકડ કરી છે. ઈડીએ લગભગ 10 કલાકની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરી છે. ઈડીએ બુધવારે સવારે સંજય સિંહના દિલ્હીના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ધરપકડના થોડા સમય પહેલા જ સંજય સિંહનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે AAP કાર્યકર્તાઓને સંદેશો આપ્યો છે કે, ‘મરવું મંજુર છે, ડરવું નહીં.’ જ્યારે તેમની પત્નીની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

ધરપકડ અંગે સંજય સિંહની પત્નીએ કહ્યું, ‘ઉપરથી દબાણ હતું’

સંજય સિંહની પત્નીએ કહ્યું કે, તપાસ એજન્સીએ કાર્યવાહીનું કોઈ કારણ જણાવ્યું નથી. તેમણે સંજયની ધરપકડ કરવાની હતી, ઉપરથી દબાણ હતું, તે કરી લીધું... આખા ઘરમાં શોધખોળ કરી, કોમ્પ્યૂટર તપાસ્યા, ડોક્યૂમેન્ટ શોધ્યા, પણ કંઈ જ મળ્યું નથી. હું તેમની સાથે છું, આખો પરિવાર તેમની સાથે છે, તેઓ સંઘર્ષ કરે...

ધરપકડ પહેલા સંજય સિંહ માતાના આશિર્વાદ લેવા પહોંચ્યા

ધરપકડ પહેલા સંજય સિંહે માતાના આશિર્વાદ લીધા હતા, જેનો વીડિયો AAPએ તેના સત્તાવારા એક્સ હેન્ડલ પર શેર કરતા લખ્યું છે કે, જેમના માથે માતાના આશિર્વાદ હોય, તેનું કોઈપણ બગાડી શકતું નથી. તમામ ક્રાંતિકારીઓએ જેલ જોવી પડે છે, સંજય સિંહને પણ આ સૌભાગ્ય પ્રાપ્ત થયું... ક્યારેય ડર્યા ન હતા અને ડરશે પણ નહીં... અન્યાય સામે લડતા રહેશે...

સંજય સિંહની ધરપકડ મામલે કાર્યકરો વિફર્યા

તપાસ એજન્સીએ સંજય સિંહના નિવાસસ્થાન તેમજ અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા બાદ તેમની ધરપકડને લઈ પક્ષના નેતાથી લઈને કાર્યકરો ગુસ્સો ભરાયા છે. દિલ્હી ઉપરાંત ધરપકડની અસર ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ જોવા મળી છે. તો ધરપકડની વાત વાયુવેગે ફેલાયા બાદ સંજય સિંહના નિવાસ સ્થાનની બહાર પણ કાર્યકરોની ભીડ એકઠી થઈ છે અને કેન્દ્ર સરકાર વિરોધી સૂત્રોચ્ચા કરી રહ્યા છે. જ્યારે લખનઉના હજરતગંજમાં કાર્યકર્તાઓએ પ્રદર્શન કરતા પોલીસે તેમની કસ્ટડીમાં લીધા છે. આ દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણની પણ ઘટના બની છે.

સંજય સિંહ આખી રાત લોકરમાં જ રહેશે

એવું કહેવામાં આવી રહ્યું છે કે, સંજય સિંહને હેડક્વાર્ટર લઈ જવાયા બાદ તેઓ આખી રાત લોકરમાં જ રહેશે અને સવારે મેડિકલ તપાસ બાદ કોર્ટમાં લવાશે... જ્યાં સંજય સિંહની કસ્ટડીની માંગ કરવામાં આવશે...

દિનેશ અરોરાએ પાડ્યો સંજય સિંહને ખેલ ?

ઉલ્લેખનિય છે કે, સંજય સિહના ઘરે દરોડા પાડ્યાના એક દિવસ પહેલા જ દિલ્હીની એક કોર્ટે લિકર કૌભાંડમાં મની લોન્ડ્રિંગ કેસમાં YRS સાંસદ શ્રીનિવાસુલુ રેડ્ડી (Srinivasulu Reddy)ના પુત્ર રાઘલ મગુંડા (Raghav Magunta) અને બિઝનેસમેન દિનેશ અરોરા (Dinesh Arora)ને સરકારી સાક્ષી બનાવવાની મંજુરી આપી હતી. આ કેસમાં આરોપી દિનેશ આરોરાની મુખ્ય ભૂમિકા હોવાનું કહેવાય છે. 

ઈડીએ ચાર્જશીટમાં આ આરોપો સામેલ ?

ઈડીએ ચાર્જશીટમાં એવો આરોપ લગાવ્યો હતો કે, દિનેશ અરોરાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) સાથે તેમના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી. આ બેઠકમાં સંજય સિંહ પણ ઉપસ્થિત હતા. પૂછપરછ દરમિયાન દિનેશ અરોરાએ કહ્યું હતું કે, સૌથી પહેલા સંજય સિંહને એક કાર્યક્રમમાં મળ્યો હતો. ત્યારબાદ મનીષ સિસોદિયાના સંપર્કમાં આવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી ચૂંટણી પહેલા આપ નેતા દ્વારા આયોજિત ફંડ એકઠો કરવાનો આ કાર્યક્રમ હતો.


Google NewsGoogle News