કોર્ટમાં ED ફસાઈ, કેજરીવાલ વિરુદ્ધના સાક્ષીઓને લાલચ આપ્યાની વાત સ્વીકારી, કહ્યું- તેમાં ખોટું શું?
Delhi CM Arvind Kejriwal Money Laundering Case : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન અરજી વિરુદ્ધ દલીલ કરતી વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ભારે મુશ્કેલીમાં મુકાઈ છે. ઈડીએ કેજરીવાલ વિરુદ્ધના સાક્ષીઓને લાલચ આપ્યાની વાત સ્વીકારી છે. આ ઉપરાંત તેણે એવી પણ દલીલ કરી છએ કે, ‘તેમાં ખોટું શું?
‘કેજરીવાલ વિરુદ્ધ કોઈપણ પુરાવા નથી’
કોર્ટમાં જામીન અરજીની સુનાવણી દરમિયાન કેજરીવાલ તરફથી વરિષ્ઠ વકીલ વિક્રમ ચૌધરીએ દલીલો રજુ કરી હતી, તો સામે પક્ષે ઈડીના વકીલ એએસજી એસ.વી.રાજુએ જવાબો આપ્યા હતા. ન્યાયાધીશ ન્યાય બિન્દુની બેંચ સમક્ષ બંને પક્ષો એકબીજાને ખોટા સાબિત કરવાના પ્રયાસો કર્યા હતા. કથિત દિલ્હીના લિકર પોલિસી કૌભાંડમાં કથિત મની લોન્ડ્રિંગના કેસમાં જેલમાં બંધ અરવિંદ કેજરીવાલના વકીલે દલીલ કરી હતી કે, ‘કેજરીવાલ વિરુદ્ધ કોઈપણ પુરાવા નથી અને સંપૂર્ણ કેસ માત્ર સાક્ષીઓના નિવેદનો પર ચાલી રહ્યો છે, જેઓ પોતે કલંકિત છે.
‘કેજરીવાલ વિરુદ્ધ સાક્ષીઓને લાલચ અપાઈ’
બાર એન્ડ બેંચના જણાવ્યા મુજબ ચૌધરીએ કહ્યું કે, ‘કેજરીવાલ સામેનો સમગ્ર કેસ એવા લોકોના નિવેદનો પર ચાલી રહ્યો છે, જેઓ માત્ર કલંકિત જ નહીં, પરંતુ એવું લાગે છે કે તેમની ધરપકડ પછી તેમને જામીન આપવાનું વચન અપાયું હતું. તેને માફી માંગવાનું વચન અપાયું હતું. આ લોકો સંત નથી. આ લોકોને લાલચ અપાઈ હતી. આ લોકોની વિશ્વસનીયતા પર સવાલ છે.’
ઈડીએ કોર્ટમાં શું દલીલ કરી?
ઈડીના વકીલ એસવી રાજુએ કેજરીવાલના આક્ષેપોનો જવાબ આપી કહ્યું કે, ‘જ્યારે કોઈ એવા કેસમાં કાર્યવાહી માટે પુરાવા એકત્રિત કરવામાં મુશ્કેલી થાય છે, ત્યારે સરકારી સાક્ષીઓ ઉભા કરવામાં આવે છે. કાયદો સરકારી સાક્ષીઓને માન્યતા આપે છે અને તેમને પ્રોત્સાહનો આપવામાં આવી શકે છે. તેમને ગાજર આપવામાં આવે છે, તેવો કાયદો છે. માફી આપવી પ્રોત્સાહનની બાબત છે, પરંતુ આ જ સરકારી સાક્ષી માટેનો કાયદો છે. એક સાક્ષીને પ્રોત્સાહન અપાતું હોવાથી, તેને બદનામ ન કરી શકાય. કોર્ટ માફી આપે છે, કાર્યવાહી નહીં.’
કેજરીવાલની કસ્ટડી ત્રણ જુલાઈ સુધી લંબાવાઈ
દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટના ન્યાયાધીશે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કેજરીવાલને કોઈ રાહત આપવામાં આવી નથી અને કોર્ટે તેમની કસ્ટડી ત્રણ જુલાઈ સુધી લંબાવી દીધી છે. આ ઉપરાંત એક્સાઇઝ પોલિસી કેસનાં આરોપી વિનોદ ચૌહાણની કસ્ટડી પણ વધારી દેવાઈ છે.