મનીષ સિસોદિયાને મોટી રાહત: કોર્ટે પૂર્વ ડેપ્યુટી CMને પોતાની બીમાર પત્નીને અઠવાડિયામાં એક દિવસ મળવાની આપી મંજૂરી

- સિસોદિયાના પત્ની લાંબા સમયથી બીમાર છે

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
મનીષ સિસોદિયાને મોટી રાહત: કોર્ટે પૂર્વ ડેપ્યુટી CMને પોતાની બીમાર પત્નીને અઠવાડિયામાં એક દિવસ મળવાની આપી મંજૂરી 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 05 ફેબ્રુઆરી 2024, સોમવાર

કથિત એક્સાઈઝ પોલિસી કેસમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની એક અપીલ કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમને અઠવાડિયામાં એક દિવસ તેમની બીમાર પત્ની સાથે મુલાકાત કરવાની મંજૂરી આપી છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે કહ્યું કે, કસ્ટડી પેરોલમાં તેઓ તેમની પત્ની સાથે મુલાકાત કરી શકશે. મુલાકાત દરમિયાન ડોક્ટર પણ હાજર રહેશે. આ વ્યવસ્થા આગામી આદેશ સુધી જારી રહેશે.

સિસોદિયાને બીમાર પત્નીને અઠવાડિયામાં એક દિવસ મળવાની આપી મંજૂરી

કથિત એક્સાઈઝ પોલીસી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાની ગત વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ તિહાર જેલમાં બંધ છે. સિસોદિયાના પત્ની લાંબા સમયથી બીમાર છે. આ પહેલા પણ કેટલીક વખત કોર્ટે તેમને પત્ની સાથે મુલાકાત કરવાની મંજૂરી આપી હતી.

કોર્ટે તેમની નિયમિત જામીન પર સુનાવણી 12 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:00 વાગ્યે નક્કી કરી છે. આ અગાઉ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 22 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધી હતી.

સીમા સિસોદિયા મલ્ટિપલ સ્ક્લેરોસિસ નામની બીમારીથી પીડિત

મનીષ સિસોદિયાના પત્ની સીમા છેલ્લા 23 વર્ષથી એક એવી બીમારીથી પીડિત છે જેના કારણે તેમના મગજનો તેમના શરીર પર નિયંત્રણ ઓછું રહે છે. આવી સ્થિતિમાં તેમને ચાલવા અને બેસવામાં તકલીફ પડે છે. સીમા સિસોદિયાને મલ્ટિપલ સ્ક્લેરોસિસ નામની બીમારી છે. આ એક ખૂબ જ વિચિત્ર બીમારી છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. સિસોદિયાએ કોર્ટમાં અરજી દાખલ કરીને પત્ની સાથે થોડો સમય રહેવાની માંગ કરી હતી. 


Google NewsGoogle News