EDની ચાર્જશીટમાં કેજરીવાલને બનાવાયા આરોપી: ગોવા સુધી પૈસાની હેરફેર સહિત અનેક ગંભીર આક્ષેપ
Delhi Liquor Scam : દિલ્હી લિકર પોલિસીમાં કથિત મની લોન્ડ્રિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ આ કેસમાં 38 લોકોને આરોપી બનાવ્યા છે. ઈડીની ચાર્જશીટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને આરોપી નંબર-37, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ને આરોપી નંબર-38 દર્શાવ્યા છે.
ગોવાની ચૂંટણીમાં લાંચના પૈસાનો ઉપયોગ
ચાર્જશીટમાં જણાવ્યા મુજબ અરવિંદ કેજરીવાલ કિંગપિન અને ષડયંત્રકાર છે. તેઓ ગોવાની ચૂંટણીમાં લાંચના પૈસાનો ઉપયોગ કરાયો હોવાનું જાણતા હતા અને તેઓ આમાં સામેલ પણ હતા. ચાર્જશીટમાં કેજરીવાલ અને આરોપી વિનોદ ચૌહાણ વૉટ્સએપ ચેટની વિગતો અપાઈ છે. ગોવાની ચૂંટણી માટે બીઆરએસ નેતાની પુત્રી કે.કવિથા (K.Kavitha)ના પીએએ વિનોદ દ્વારા 25.5 કરોડ રૂપિયા આમ આદમી પાર્ટી સુધી પહોંચાડ્યા હતા. ચેટ પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે, વિનોદના કેજરીવાલ સાથે સારા સંબંધો હતા.
ચાર્જશીટમાં પ્રોસીડ ઑફ ક્રાઈમનો ઉલ્લેખ
ચાર્જશીટમાં EDએ પ્રોસીડ ઑફ ક્રાઈમનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમાં જણાવાયું છે કે, વિનોદના મોબાઈલમાંથી હવાલા નોટ નંબરના ઘણા સ્ક્રીન શોટ્સ મળી આવ્યા છે. અગાઉ આવકવેરા વિભાગે પણ રિકવરી કરી હતી. આ સ્ક્રીન શોટ્સ દર્શાવે છે કે, કેવી રીતે વિનોદ ગુનાની રકમ હવાલા દ્વારા દિલ્હીથી ગોવા ટ્રાન્સફર કરી રહ્યો હતો. AAP આ નાણાંનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં કરવાનો હતો.
આ પણ વાંચો : BMW હિટ એન્ડ રન કેસ: ભારે વિરોધ બાદ આખરે શિવસેનાએ આરોપીના પિતા સામે કરી કાર્યવાહી
વિનોદ ચૌહાણનું નિવેદન નોંધાયું
હવાલાથી ગોવા પહોંચેલા નાણાંને ચનપ્રીત સિંહ મેનેજ કરતો હતો. હવાલા દ્વારા ગોવા મોકલાયેલા નાણાં અંગે વિનોદ અને અભિષેક બૉન પિલ્લાઈ વચ્ચે થયેલી વાતચીતના પુરાવા પણ ઈડી પાસે છે. અશોક કૌશિક, જેણે અભિષેકના કહેવા પર વિનોદને બે અલગ-અલગ તારીખે નોટોથી ભરેલી બે બેગ પહોંચાડી હતી. EDએ તેનું નિવેદન પણ નોંધ્યું છે.
38 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ
EDએ દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં 38 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં કેજરીવાલને આરોપી નંબર-37 અને AAPને આરોપી નંબર-38 દર્શાવાયા છે. 232 પાનાની ચાર્જશીટમાં EDએ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, કેજરીવાલે દારૂના વેપારીઓ સાથે સાંઠગાંઠ કરી હતી અને પોલિસીને પોતાની તરફેણમાં બનાવી પાર્ટીના નેતાઓને ફાયદો પહોંચાડ્યો હતો. કેજરીવાલને અપરાધની આવક વિશે સંપૂર્ણ જાણકારી હતી અને તેઓ તેમાં સામેલ હતા. આ પૈસાનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં થયો હતો. કેજરીવાલ રાષ્ટ્રીય સંયોજક છે, તેથી સમગ્ર જવાબદારી કેજરીવાલની છે.
આ પણ વાંચો : હિટવેવ કારણે અમરનાથના બાબા બર્ફાની થઈ રહ્યા છે વિલીન, શિવલિંગને પીગળતું રોકવા આ પગલાં ભરવા જરૂરી
દિલ્હી લિકર પોલિસી શું છે?
નવેમ્બર 2021માં દિલ્હી સરકારે નવી આબકારી નીતિની શરૂઆત કરી હતી, તેના કરણે દિલ્હીમાં દારૂ સસ્તો થયો અને છૂટક વેપારીઓને પણ છૂટ મળી હતી. જોકે, ભાજપ દ્વારા દારૂ વેચવા માટેના લાયસન્સ આપવામાં ગોટાળો થયનો આક્ષેપ લગાવ્યો હતો અને તેના અનુસાર, પાર્ટીના મનપસંદ ડીલરોને લાભ મળ્યો. જુલાઈ 2022 સુધીમાં મામલો એટલો ગરમાયો કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની મંજૂરી આપી હતી. આ કેસની તપાસમાં સીબીઆઈએ મનીષ સિસોદિયા (Manish Sisodia)ની ધરપકડ કરી હતી. બાદમાં આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ (Sanjay Singh)ની ઈડીએ ધરપકડ કરી હતી. આરોપ છે કે દિલ્હી સરકારની આ પોલિસીથી દારૂના મોટા વેપારીઓને જ ફાયદો થયો છે. બદલામાં સરકાર પર લાંચ લેવાનો આરોપ પણ લાગ્યો હતો. દારૂની નીતિના અમલીકરણમાં કથિત ગેરરીતિઓ હોવાનું જણાવાયું હતું. આ ફરિયાદો પછી, દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 રદ કરવામાં આવી હતી.
તિહાર જેલમાં બંધ છે કેજરીવાલ
ED દ્વારા 21 માર્ચ 2024ના રોજ દિલ્હી દારૂ કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ કરાઈ હતી. તેઓ હાલ તિહાર જેલમાં બંધ છે. ઈડી મની લોન્ડરિંગના એંગલથી દારૂ કૌભાંડની તપાસ કરી રહી છે. સીબીઆઈએ પણ કેજરીવાલ પર પોતાની પકડ વધુ કડક કરી છે. મે મહિનામાં ઈડીએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં લગભગ 200 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં ઈડીએ અત્યાર સુધીમાં આઠ ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં કેજરીવાલ, સંજય સિંહ, કે.કવિતા અને મનીષ સિસોદિયા સહિત કુલ 18 લોકોની ધરપકડ કરાઈ છે. જોકે સુપ્રીમ કોર્ટના આદેશ પર સંજય સિંહને મુક્ત કરવામાં આવ્યા છે.