Get The App

EDએ કેજરીવાલની કરી ધરપકડ, ઘર બહાર કાર્યકર્તાઓનો હોબાળો, પોલીસ કાફલો તહેનાત

કેજરીવાલની ધરપકડ બાદ ઘર બહાર કાર્યકર્તાઓનો હોબાળો, કેટલાકની અટકાયત

ઈડીએ સર્ચ ઓપરેશન અને બે કલાક સુધી પૂછપરછ કર્યા બાદ કાર્યવાહી કરી, અધિકારીઓ સહિત પોલીસ કાફલો તહેનાત

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News

EDએ કેજરીવાલની કરી ધરપકડ, ઘર બહાર કાર્યકર્તાઓનો હોબાળો, પોલીસ કાફલો તહેનાત 1 - image

Delhi Liquor Scam Case : કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ની  ધરપકડ કરી છે. ઈડીએ આજે તેમના નિવાસસ્થાને પહોંચી દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેસમાં દરોડો પાડ્યો હતો અને સર્ચ ઓપરેશન સાથે પૂછપરછ કરી હતી. તો બીજીતરફ ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પણ ત્યાં હોબાળો મચાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં આજે કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ EDની ટીમે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. કોર્ટે આજે બપોરે જ સુનાવણી હાથ ધરી કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

ઘરમાં સર્ચ ઓપરેશન અને કેજરીવાલની પૂછપરછ

ઈડીની ટીમે કેજરીવાલના ઘરમાં સર્ચ ઓપરેશન અને તેમની પૂછપરછ કરી હતી, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલના નિવાસસ્થાન પાસે પોલીસ અધિકારીઓની ટીમ, બહાર બેરીકેડ્સ, પોલીસનો કાફલો અને RAF પણ તહેનાત કરાયો છે. કેજરીવાલની ધરપકડ થવાની આશંકાને પગલે AAPના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. હાલ ત્યાં કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો છે, તો તેમાંથી કેટલાકની અટકાયત કરાઈ છે. કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમે તેમના 10મું સમન્સ પાઠવ્યા બાદ આ કાર્યવાહી કરી છે. ઉત્તર જિલ્લાના ડીસીપી મનોજ કુમાર મીના, ACP રેન્કના ઘણા અધિકારીઓ ત્યાં હાજર છે. આ કેસમાં કેજરીવાલને અત્યાર સુધીમાં નવ સમન્સ પાઠવવા છતાં તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહોતા.

કેજરીવાલના ઘરની બહાર કાર્યકર્તાઓનો હોબાળો

આ અગાઉ ઈડીની ટીમ દ્વારા કેજરીવાલની ધરપકડની આશંકાને પગલે આમ આદમી પાર્ટી નેતાઓ સહિત કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં પહોંચી ગયા હતા. ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે. કેજરીવાલના ઘરે ઈડી પહોંચ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ તેમને ઘરમાં જવા નહોતા દેવાયા. આ દરમિયાન ભારદ્વાજે કહ્યું કે, ઈડીની ટીમે કેજરીવાલની ધરપકડની તૈયારી કરી છે. ત્યાં પહોંચેલા દિલ્હી કેબિનેટ મંત્રી અતિશીએ કહ્યું કે, કોર્ટે દ્વારા નોટિસ જારી કરાયાના એક કલાકની અંદર ઈડી તેમના નિવાસસ્થાને પહોંચી છે. આના પરથી લાગી રહ્યું છે કે, ઈડી સ્વતંત્ર તપાસ એજન્સી નહીં, પરંતુ ભાજપનું રાજકીય હથિયાર છે.

હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવવા ઈન્કાર કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટમાં આજે જ લીકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટ તરફથી કેજરીવાલને કોઈ રાહત મળી નથી. કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. દિલ્હી હાઈકોર્ટે ઈડીને અરવિંદ કેજરીવાલની અરજી પર બે અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે. હવે આ કેસમાં દિલ્હી હાઈકોર્ટ આગામી સુનાવણી 22મી એપ્રિલે કરશે.

કેજરીવાલે સમન્સના જવાબમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે : કોર્ટ

આ અગાઉ ઈડીના સમન્સ પર કેજરીવાલ પૂછપરછ માટે હાજર થઈ રહ્યા ન હતા. તેમણે કોર્ટ પાસે ખાતરી માંગી હતી કે જો તેઓ પૂછપરછ માટે જાય તો તેમની ધરપકડ ન કરવામાં આવે. મુખ્યમંત્રી કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કેજરીવાલ પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થશે, પરંતુ ઈડીએ કોર્ટમાં એમ કહે કે તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કે આના પર કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.

નવ સમન્સ પાઠવવા છતાં કેજરીવાલ હાજર ન થયા

ઈડીએ દિલ્હી એક્સાઈઝ નીતિ કૌભાંડ કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગની પૂછપરછ કરવા કેજરીવાલને સમન્સ પાઠવ્યા છે. ઈડી કેજરીવાલને અત્યાર સુધીમાં નવ વખત સમન્સ મોકલી ચુકી છે, તેમ છતાં તેઓ હજુ સુધી હાજર થયા નથી. ઈડીએ કેજરીવાલને 22 જાન્યુઆરીએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. ત્યારબાદ ગત વર્ષે બે નવેમ્બર, અને 21 ડિસેમ્બર, પછી આ વર્ષે ત્રણ જાન્યુઆરી, 18 જાન્યુઆરી, બે ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 22 ફેબ્રુઆરી અને 27 ફેબ્રુઆરી અને 17 માર્ચે પણ કેજરીવાલને સમન્સ પાઠવી ચુકી છે. આઠ-આઠ સમન્સ પાઠવવા છતાં કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા નથી.

ઈડીએ કર્યો હતો મોટો દાવો

ઈડીએ સોમવારે સત્તાવાર નિવેદનમાં દાવો હતો. પ્રેસ રિલીઝમાં અરવિંદ કેજરીવાલનું પ્રથમ વાર નામ લખી ઈડીએ દાવો કર્યો હતો કે, ઈડીની તપાસમાં આરોપી કે.કવિતા સાથે કેજરીવાલનું નામ પણ જોડાયેલું છે. તપાસમાં ખુલાસો થયો છે કે, દિલ્હી લિકર પોલિસીમાં લાભ ખાંટવા તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (KCR)ની પુત્રી કે.કવિતા (K Kavitha)એ આમ આદમી પાર્ટીને નેતાઓ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે મળીને ષડયંત્ર રચ્યું.

પોલિસીમાં લાભ મેળવવાના બદલામાં AAPના નેતાઓ સુધી 100 કરોડ રૂપિયા પહોંચાડાયા. ષડયંત્ર હેઠળ પોલિસી હેઠળ હોલસેલર્સ દ્વારા લાંચના નાણાં સતત આમ આદમી પાર્ટી સુધી પહોંચી રહ્યા હતા. ષડયંત્ર મુજબ સાઉથ લૉબીએ એડવાન્સ આપેલી કરોડો રૂપિયાની લાંચનો હેતુ દારુ પર પ્રોફિટ માર્જિન વધારી વસૂલવાનો અને આ પોલિસીથી બમણી નફો મેળવવાનો હતો.


Google NewsGoogle News