1984ના શીખવિરોધી રમખાણ કેસમાં 6 આરોપીની મુક્તિને સુપ્રીમકોર્ટમાં પડકારાશે, દિલ્હી LGની મંજૂરી
દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવાની મંજૂરી
કેસમાં બેદરકારી દાખવવા બદલ દિલ્હી સરકારના પ્રોસિક્યુશન વિભાગને ઠપકો પણ આપ્યો
1984 Anti Sikh Riots Case | દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (ઉપરાજ્યપાલ) વીકે સક્સેનાએ 1984ના શીખ વિરોધી રમખાણોના કેસમાં છ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. તેમણે આ કેસમાં બેદરકારી દાખવવા બદલ દિલ્હી સરકારના પ્રોસિક્યુશન વિભાગને ઠપકો પણ આપ્યો છે.
કોને કોને મુક્ત કરાયા હતા?
આ કેસ ઉત્તર પશ્ચિમ દિલ્હીના સરસ્વતી વિહાર પોલીસ સ્ટેશન (હાલનું સુભાષ પ્લેસ) વિસ્તારમાં રમખાણો દરમિયાન હત્યાના પ્રયાસ, લૂંટ અને રમખાણો સાથે સંબંધિત છે, જેમાં છ આરોપી હરિલાલ, મંગલ, ધરમપાલ, આઝાદ, ઓમ પ્રકાશ અને અબ્દુલ હબીબ સામેલ હતા.લેફ્ટનન્ટ ગવર્નરે તમામ આરોપીઓને નિર્દોષ છોડવાના ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે સરકારની અપીલને ફગાવી દેતા 10 જુલાઈના હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમકોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (SLP) દાખલ કરવાના દિલ્હી સરકારના ગૃહ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
આદેશમાં દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું હતું?
આદેશમાં હાઈકોર્ટે કહ્યું હતું કે 28 માર્ચ, 1995 ના ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરવામાં 28 વર્ષના વિલંબ માટે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી અને રાજ્ય દ્વારા ઉભા કરાયેલા આધારો ન્યાયી નથી. આવા જ એક કેસમાં, લેફ્ટનન્ટ ગવર્નરે નાંગલોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય શીખ વિરોધી રમખાણોના કેસમાં 12 લોકોને નિર્દોષ જાહેર કરવા સામે સર્વોચ્ચ અદાલતમાં વિશેષ રજા અરજી (SLP) દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે.