Get The App

‘કેજરીવાલે તમારું, મારું, રાષ્ટ્રપતિનું અપમાન કર્યું, મેં અઢી વર્ષમાં પહેલીવાર CMનું કામ જોયું’ LGનો આતિશીને પત્ર

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
‘કેજરીવાલે તમારું, મારું, રાષ્ટ્રપતિનું અપમાન કર્યું, મેં અઢી વર્ષમાં પહેલીવાર CMનું કામ જોયું’ LGનો આતિશીને પત્ર 1 - image


Delhi LG Wrote Letter To CM Atishi : દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને આજે (30 ડિસેમ્બર) એક પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશીના વખાણ કર્યા છે, તો બીજીતરફ તેમણે કેજરીવાલ પર આક્ષેપ કરીને લખ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રીએ તમારું, મારું અને રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે.

મેં અઢી વર્ષમાં પ્રથમવાર મુખ્યમંત્રીનું કામ જોયું : સક્સેના

ઉપરાજ્યપાલે આતિશીને પત્ર લખીને નવા વર્ષ 2025 માટે શુભકામના આપી છે અને હંમેશા સ્વસ્થ રહો અને પ્રગતિના પંથે આગળ વધવાની શુભકામના પાઠવી છે. તેમણે લખ્યું કે, ‘તમે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તે પ્રસંગે પણ મેં તમને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીના મારા અઢી વર્ષના કાર્યકાળમાં મેં પ્રથમવાર મુખ્યમંત્રી પદ પર બેઠેલા મુખ્યમંત્રીનું કામ જોયું. જ્યારે તમારા પહેલાના મુખ્યમંત્રી પાસે સરકારનો એક પણ વિભાગ નહોતો કે ફાઇલો પર હસ્તાક્ષર પણ કર્યા ન હતા. તમે અનેક વિભાગોની જવાબદારી લઈને વહીવટના વિવિધ મુદ્દાઓ પર કામ કરવાનો પ્રયાસ કર્યો.’

કેજરીવાલે માત્ર તમારું જ નહીં, મારું અને રાષ્ટ્રપતિનું પણ અપમાન કર્યું

તેમણે એમ પણ લખ્યું છે કે, ‘પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) થોડા દિવસ પહેલા મીડિયા સામે જાહેરમાં તમને કામચલાઉ મુખ્યમંત્રી જાહેર કર્યા હતા, જે મને ખૂબ જ આઘાત અને અપમાનજનક લાગ્યું. આમ કરીને કેજરીવાલે માત્ર તમારું જ નહીં, આપની નિમણૂક કરનારા મહામહિમ ભારતના રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિ તરીકે મારું પણ અપમાન કર્યું છે. કેજરીવાલે કામચલાઉ મુખ્યમંત્રીની જાહેરમાં વ્યાખ્યા આપી, તેની બંધારણમાં કોઈપણ જોગવાઈ નથી. તેમની કામચલાઉ સીએમની વાત બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલા બંધારણમાં સમાવિષ્ટ લોકતાંત્રિક ભાવના અને મૂલ્યોની પણ નિંદનીય અવગણના છે.’

આ પણ વાંચો : હવે વંદે ભારત ટ્રેનમાં સસ્તા ભાડામાં કાશ્મીર પણ જઈ શકાશે, PM મોદી કરી શકે છે મુસાફરી

‘કેજરીવાલની નિષ્ફળતાની જવાબદારી હવે તમારી મનાશે’

તેમણે લખ્યું કે, ‘સૌ કોઈ જાણે છે કે, તમને કેવી પરિસ્થિતિમાં મુખ્યમંત્રી બનાવાયા છે. છેલ્લા 10 વર્ષમાં યમુનાની બદત્તર હાલત હોય કે પછી પીવાના પાણીની ભયંકર અછત હોય... કચરાના પહાડોનો મુદ્દો હોય કે પછી ઔદ્યોગિક એકમોમાં માળખાકીય સુવિધાનો અભાવ હોવ... રસ્તાઓ અને સીવર લાઇનની દુર્દશા હોય કે પછી ડગમગી ગયેલી આરોગ્ય સુવિધા હોય... ગેરકાયદે કોલોનીઓમાં સુવિધાઓનો અભાવ હોય કે પછી ઝુંપડપટ્ટીઓમાં રહેનારા લોકોનું નર્કાગાર જીવન... આ તમામ સમસ્યાઓનો નિવેડો ત્રણ-ચાર મહિનામાં ઉકેલવો એક વચગાળાના મુખ્યમંત્રી માટે કેટલો સંભવ છે, તે તમામ લોકો જાણે છે. તમારા નેતાએ આ તમામ સમસ્યાઓમાં નિષ્ફળ જવાનો જાહેરમાં સ્વીકાર પણ કર્યો છે, પરંતુ હવે તમે મુખ્યમંત્રી છો, તેથી આ તમામ સમસ્યાઓમાં નિષ્ફળતાની જવાબદારી તમારી જ માનવામાં આવશે.’

આ પણ વાંચો : વિશ્વની સૌથી ખતરનાક સરહદ ‘ડુરાન્ડ લાઈન’ પર તાલિબાન-પાકિસ્તાન વચ્ચે તણાવ, બ્રિટિશ ભારત સાથે છે કનેક્શન


Google NewsGoogle News