દિલ્હીના નવા CM જૂના કરતાં હજાર ગણા સારાઃ ગવર્નર વીકે સક્સેનાએ ફરી કેજરીવાલની ટીકા કરી
Delhi Governor Slams on Arvind Kejriwal: દિલ્હીના રાજ્યપાલ અને દિલ્હી સરકાર વચ્ચે વિવાદ જગજાહેર છે. સરકારી ફાઈલો અને વિકાસ પ્રોજેક્ટ્સ અંગે ઘણીવખત બંને વચ્ચે ચડસાચડસી જોવા મળી છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે ઉપરાજ્યપાલે કેજરીવાલ વિરૂદ્ધ નિવેદન આપતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.
પૂર્વ સીએમ કરતાં હજાર ગણા સારા આતિશી
એલજી વીકે સક્સેનાએ શુક્રવારે IGDTUW ના કોન્વોકેશન સેરેમનીને સંબોધિત કરતાં કહ્યું હતું કે, મને આનંદ છે કે, આજે દિલ્હીની મુખ્યમંત્રી મહિલા છે. હું વિશ્વાસ સાથે કહી શકુ છુ કે, આ સીએમ પૂર્વ સીએમ કરતાં એક હજાર ગણા સારા છે. આ સેરેમનીમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશી હાજર હતા.
વિદ્યાર્થીઓને જવાબદારી પ્રત્યે ભાન કરાવ્યું
પોતાના ભાષણમાં વીકે સક્સેનાએ વિદ્યાર્થીઓને કહ્યું કે, જેમ-જેમ તમે આગળ વધી રહ્યા છો, તમારા માટે ચાર માર્ગદર્શક પથ છે. પ્રથમ તમારા પોતાના પ્રત્યે જવાબદારી, બીજી માતા-પિતા અને પરિવાર પ્રત્યે તમારી જવાબદારી, ત્રીજુ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે તમારી જવાબદારી અને ચોથી જવાબદારી એક એવી મહિલા રૂપે સાબિત કરવાની છે કે, તે જાતિગત તફાવતોની દિવાલ તોડી તમામ ક્ષેત્રે કદમથી કદમ ઉભી રહી શકે.
ઉલ્લેખનીય છે, અરવિંદ કેજરીવાલ સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી પદ માટે રાજીનામુ આપ્યું હતું. તેમના પર ભ્રષ્ટાચારના આરોપો મૂકાતાં જનતા પાસે તેમણે પ્રમાણિકતાનું પ્રમાણપત્ર માંગ્યું હતું. કેજરીવાલના સ્થાને આતિશીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.