દિલ્હીમાં ગરમી વચ્ચે પાણીના ફાંફા, મંત્રીએ કહ્યું- હવે એક જ વાર પાણી આપીશું, વેડફાટ કરશો તો દંડ

Updated: May 29th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં ગરમી વચ્ચે પાણીના ફાંફા, મંત્રીએ કહ્યું- હવે એક જ વાર પાણી આપીશું, વેડફાટ કરશો તો દંડ 1 - image


Delhi Water Crisis: જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ દિલ્હીમાં પાણીનું સંકટ પણ વધી રહ્યું છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે કે જે વિસ્તારોમાં દિવસમાં બે વખત પાણી આવે છે ત્યાં હવે એક વખત પાણી આવશે. બાકીનું પાણી એવા વિસ્તારોમાં આપવામાં આવશે જ્યાં પાણી નથી. 

કાર ધોવા માટે 2000 દંડ

આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઘરોમાં પાઈપ દ્વારા કાર ધોવા પર 2000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત બાંધકામ સ્થળના ગેરકાયદેસર પાણીના કનેકશન કાપી નાખવામાં આવશે. કોમર્શિયલ વિસ્તારોમાં ગેરકાયદેસર પાણીના જોડાણો કાપી નાખવામાં આવશે.

દક્ષિણ દિલ્લીમાં હવે દિવસમાં એક વખત જ પાણી આપવામાં આવશે 

દિલ્હીના જળ મંત્રી આતિશીએ મંગળવારે કહ્યું કે યમુના નદીમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું હોવાથી દક્ષિણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવે બે વખતના બદલે દિવસમાં માત્ર એક જ વાર પાણી મળશે. આ નિર્ણય ગ્રેટર કૈલાશ, લાજપત નગર, પંચશીલ પાર્ક, હૌજ ખાસ, ચિત્તરંજન પાર્ક અને આસપાસના સ્થળોને અસર કરશે. જ્યાં સુધી પાણી પુરવઠાની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી આ ફેરફાર અમલમાં રહેશે. 

આ ઉપરાંત તેમણે કહ્યું, હું જાણું છું કે જ્યાં દિવસમાં બે વાર પાણી આપવામાં આવે છે, જો તે દિવસમાં એક જ વખત આપવામાં આવે તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ હું તમામ દિલ્હીવાસીઓને અપીલ કરું છું કે આપણે ફક્ત પોતાના વિશે જ વિચારવું જોઈએ નહીં. આપણે દરેક વ્યક્તિ વિશે વિચારવું જોઈએ.

આતિશીએ એવું પણ કહ્યું હતું કે, બીજી વખત આપવામાં આવતું પાણી બચાવીને એવા વિસ્તારોમાં મોકલવામાં આવશે જ્યાં બિલકુલ પાણી નથી, અથવા તો જ્યાં 15-20 મિનિટ પાણી આવી રહ્યું છે. આથી બીજી વખત પાણી એકત્ર કરીને વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે.

પાણીના ટેન્કરોની સંખ્યા વધી

આતિશીએ કહ્યું કે, 'પાણીની અછતને પહોંચી વળવા બોરવેલ ચલાવવાનો સમય બમણો કર્યો છે. જે બોરવેલ 6-7 કલાક ચાલતી હતી તે હવે 14 કલાક ચલાવવામાં આવી રહી છે. પાણીના ટેન્કરની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. 

દિલ્હી સરકાર હરિયાણા સરકાર સામે કોર્ટમાં પણ જઈ શકે છે

આતિશીએ કહ્યું કે દિલ્હી સરકાર હરિયાણા સરકાર સાથે સતત વાત કરી રહી છે. તેમ છતાં હરિયાણા સરકાર યમુનામાં પૂરતું પાણી છોડતી નથી. જો આગામી એક-બે દિવસમાં પાણી પુરવઠામાં સુધારો નહીં થાય તો અમે કોર્ટમાં જઈશું. 

આતિશીએ કહ્યું કે દિલ્હી સરકારે હિમાચલમાંથી 50 એમજીડી પાણી લેવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. પરંતુ હરિયાણાએ તેને અપર યમુના બોર્ડમાં રોકી દીધું છે, પાણીના સ્તરમાં ઘટાડો થવાને કારણે દરરોજ લગભગ 30-45 એમજીડી પાણીનું ઉત્પાદન ઘટે છે.

દિલ્હીમાં ગરમી વચ્ચે પાણીના ફાંફા, મંત્રીએ કહ્યું- હવે એક જ વાર પાણી આપીશું, વેડફાટ કરશો તો દંડ 2 - image


Google NewsGoogle News