Fastag બનશે વીતેલા જમાનાની વાત! બે હાઈવે પર શરૂ થશે GPS આધારિત ટોલ, જાણો જિયોફેન્સિંગ વિશે
GPS Based Toll System | દેશના બે મુખ્ય માર્ગો પર ટૂંક સમયમાં જીપીએસ (GPS) આધારિત ટોલ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. જેની મદદથી યાત્રીએ હાઈવે પર જેટલા અંતરની મુસાફરી કરી હશે બસ તેનું જ ટોલ ચૂકવવાનું રહેશે. હવે આ GPS આધારિત ટોલ સિસ્ટમ દિલ્હી-જયપુર હાઈવે (NH-48) અને બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે પર શરૂ થવા જઈ રહી છે. બંને માર્ગો પર તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને ટોલની સચોટ ગણતરી માટે દિલ્હી-જયપુર હાઇવેનું જિયોફેન્સિંગ પણ શરૂ કરી દેવાયું છે.
જાણો જિયોફેન્સિંગ શું છે?
જિયોફેન્સિંગ એ એક સેટેલાઇટ આધારિત સિસ્ટમ છે જેમાં જીપીએસ દ્વારા ચોક્કસ વિસ્તારની વર્ચ્યુઅલ ભૌગોલિક સીમા નક્કી કરી દેવામાં આવે છે. આ ભૌગોલિક વિસ્તારમાં જે પણ વાહન આવશે તે રેકોર્ડ થઇ જશે. જેના આધારે એક છેડાથી બીજા છેડા સુધી આ વાહને કાપેલું અંતર ગણવામાં આવશે. ત્યારબાદ આ અંતર પ્રમાણે જ મુસાફરે ટોલ ચૂકવવાનો રહેશે.
હાલમાં 18 લાખથી વધુ કોમર્શિયલ વાહનોમાં GPS આધારિત ટ્રેકિંગ સિસ્ટમ
સૂત્રોએ જણાવ્યું કે હાલમાં 18 લાખથી વધુ કોમર્શિયલ વાહનો જીપીએસ આધારિત ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે. પ્રારંભિક તબક્કામાં આવા વાહનો જીપીએસ આધારિત ટોલ ચાર્જ ચૂકવવાનું શરૂ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ નવી જીપીએસ આધારિત ટોલિંગ સિસ્ટમને અલગ-અલગ ભાગોમાં અજમાવાશે અને ધીમે ધીમે તેનો વિસ્તાર વધારવામાં આવશે.
ગડકરીએ તાજેતરમાં જ આપી હતી માહિતી
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં સંસદમાં માહિતી આપી હતી કે નેશનલ હાઈવેને ટોલ પ્લાઝાથી મુક્ત કરવાની નવી સિસ્ટમ માર્ચ સુધીમાં શરૂ થઈ જશે. શુક્રવારે પણ પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય માર્ગ પરિવહન સચિવ અનુરાગ જૈને કહ્યું હતું કે તેઓ આ સિસ્ટમને લાગુ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે.