VIDEO: દિલ્હીમાં ફરી બબાલ, બે જૂથોનો સામસામે આડેધડ ગોળીબાર, એકનું મોત, બેને ઈજા
Delhi Firing : દેશની રાજધાની દિલ્હીમાં ફરી અડેધડ ગોળીબાર કરવાની ઘટના સામે આવી છે. રાજધાનીના જહાંગીરપુરી વિસ્તારમાં બે જૂથો વચ્ચે બોલાચાલી થયા બાદ સામસામે આડેધડ ગોળીબાર કર્યો છે. જહાંગીરપુરી વિસ્તારના ડી-બ્લોકમાં બનેલી ઘટનામાં એક યુવકનું મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. એવું કહેવાય છે કે, 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. દીપક ઉર્ફે પત્રકાર નામના ઈજાગ્રસ્તને બીજેઆરએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાની તેમજ ડૉક્ટરો તેને મૃત જાહેર કર્યો હોવાની વિગતો સામે આવી છે.
પહેલા બોલાચાલી પછી આડેધડ ફાયરિંગ
મળતા અહેવાલો મુજબ દીપક અને તેમનો ભાઈ કેટલાક મિત્રોસાથે પાર્ક-900વાળી ગલીમાં ઉભા હતા. જ્યાં નરેન્દ્ર અને સૂરજ નામના બે વ્યક્તિઓ ત્યાં આવ્યા હતા. આ દરમિયાન બંને જૂથો વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને પછી બંનેએ એકબીજા પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ફાયરિંગમાં દીપકને ગળામાં, બે પગમાં અને પીઠ પર ગોળી વાગી, જ્યારે નરેન્દ્રને પીઠ પર અને સૂરજને પગમાં ઈજા થઈ છે. ઘટના બાદ દીપકે તેના ભાઈને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે.
બે આરોપીઓને કસ્ટડીમાં લેવાયા
પોલીસે કહ્યું કે, આ ઘટના અંગે વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. બંને આરોપીઓ નરેન્દ્ર અને સૂરજને કસ્ટડીમાં લેવાયા છે, જ્યારે તેમના સાથીઓની શોધખોળ શરૂ કરાઈ છે.
આ પહેલા 60 રાઉન્ડ ફાયરિંગની બની હતી ઘટના
આ પહેલા દિલ્હીમાં ગઈકાલે (19 ઓક્ટોબરે) બે જૂથો વચ્ચેના ઝઘડામાં આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટના નોર્થ-ઇસ્ટ દિલ્હીના વેલકમ વિસ્તારમાં બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, લગભગ અસામાજિક તત્ત્વો દ્વારા 60 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બાલ્કનીમાં ઉભેલી એક 22 વર્ષીય યુવતીને ગોળી વાગી હોવાની માહિતી પણ સામે આવી છે. ઘટનાસ્થળ પરથી અનેક ખાલી કારતૂસ મળ્યા હતા. આ ઘટનામાં ઇફરા નામની મહિલા ઘાયલ થઇ છે હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.