Get The App

દિલ્હી અગ્નિકાંડઃ બેબી કેર સેન્ટરના માલિકની ધરપકડ, હોસ્પિટલમાં આગ લાગવાથી થયા હતા સાત નવજાતના મોત

Updated: May 26th, 2024


Google NewsGoogle News
દિલ્હી અગ્નિકાંડઃ બેબી કેર સેન્ટરના માલિકની ધરપકડ, હોસ્પિટલમાં આગ લાગવાથી થયા હતા સાત નવજાતના મોત 1 - image


Delhi Hospital Fire Tragedy: દિલ્હીના વિવેક વિહારમાં શનિવારે (25મી મે) રાત્રે બેબી કેર સેન્ટરમાં ભયંકર આગ લાગતા સાત નવજાત બાળકોના મોત થયા હતા. આ મામલે દિલ્હી પોલીસે બેબી કેર સેન્ટરના માલિક ડો. નવીન ખીંચીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

બેબી કેર સેન્ટરનો ગુનાઈત ઈતિહાસ

ડો. નવીન ખીંચીના બેબી કેર સેન્ટરનો ગુનાઈત ઈતિહાસ રહ્યો છે. વર્ષ 2021માં નવીન ખીચી એન્ડ કેર ન્યૂ બોર્ન એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ સામે IPCની કલમ 325, 506, 34 અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ (બાળકોની સંભાળ અને રક્ષણ)ની કલમ 75 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં નવીન ખીચી સામે નર્સિંગ હોમનું રજિસ્ટ્રેશન ન કરવા અને કેસ હિસ્ટ્રીને ખોટી બનાવવાના આરોપો હતો. આ ફરિયાદ હાથરસના એક દંપતીએ નોંધાવી હતી.

આ દંપતીના બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યારે દંપતીએ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ જોયા તો તેમને ખબર પડી કે એક નર્સ તેમના બાળકને માર મારી રહી છે, જેના કારણે બાળકનું હાડકું તૂટી ગયું હતું. જ્યારે દંપતીએ આ અંગે નવીન ખીચીને ફરિયાદ કરી તો તેમણે દંપતીને ધમકી આપી હતી. આ ઉપરાંત વર્ષ 2021માં તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે નર્સિંગ હોમ દિલ્હી નર્સિંગ હોમ એક્ટ હેઠળ નોંધાયેલું ન હતું, પરંતુ દંડ ચૂકવ્યા બાદ આ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ક્યારે બની ઘટના? 

માહિતી અનુસાર દિલ્હી ફાયર સર્વિસને લગભગ રાતે સાડા અગ્યાર વાગ્યે ફોન આવ્યો હતો કે એક બેબી કેર સેન્ટરમાં આગ ભડકી છે. આ બેબી કેર સેન્ટર પૂર્વ દિલ્હીમાં વિવેક વિહાર ખાતે આવેલું છે. જાણકારી મળતાં લગભગ 8 જેટલાં ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે ધસી ગયા હતા. પહેલા માળેથી 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી સાત બાળકોના હોસ્પિટલમાં મોત થયા હતા.

આગ દુર્ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે

આગ દુર્ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમ કે સાત માસૂમ બાળકોના મોત માટે જવાબદાર કોણ? શું આરોગ્ય વિભાગના અધિકારીઓએ બેબી કેર સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું? શું તમામ ધારાધોરણો પૂરા કર્યા પછી જ સેન્ટર ચલાવવાની પરવાનગી હતી? શું બેબી કેર સેન્ટરને ફાયર એનઓસી મળી હતી? શું સ્થાનિક પોલીસની મિલીભગતથી ગેરકાયદે રીતે ઓક્સિજન સિલિન્ડર ભરવાનું કામ ચાલી રહ્યું હતું? શું સ્થાનિક પોલીસને કટીંગ મળી રહ્યું હતું? આ વિસ્તારના દરેક વ્યક્તિ, બાળકોથી લઈને વૃદ્ધો સુધી, બેબી કેર સેન્ટરમાં ઓક્સિજનના ગેરકાયદે રિફિલિંગ વિશે જાણતા હતા, પરંતુ સ્થાનિક પોલીસે આંખ આડા કાન કર્યા હતા.

આ પણ વાંચો: રાજકોટના ભડકે બળેલા ગેમ ઝોનમાંથી દારૂની બોટલો મળી, ગેમની આડમાં પાર્ટીઓની આશંકા


Google NewsGoogle News