દિલ્હીમાં ફૂટપાથ પર જીવતાં લોકો માટે આફત બની ગરમી, 19 દિવસમાં 192 લોકોનાં મોતથી હડકંપ
Delhi Heat Wave News | દેશભરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત છે. દિલ્હીની હાલત પણ ખરાબ છે. અહીં તાપમાન 47 ડિગ્રીએ પહોંચી ગયું છે. હીટ સ્ટ્રોકના કારણે લોકો બીમાર અને મૃત્યુ પામ્યા હોવાના સતત અહેવાલો મળી રહ્યા છે. જે લોકો બેઘર છે અથવા ફૂટપાથ પર રાત વિતાવે છે તેમના માટે તો સ્થિતિ વધુ મુશ્કેલ છે. એક અહેવાલ અનુસાર, 11 થી 19 જૂન 2024 વચ્ચે દિલ્હીમાં ભીષણ લૂને કારણે 192 બેઘર લોકોના મોત થયા છે.
ફૂટપાથ પર જીવતાં લોકો માટે આફત
લૂને કારણે ઘરવિહોણા લોકોની સમસ્યાઓમાં ધરખમ વધારો થાય છે. તેમને પ્રાથમિક સુવિધાઓનો લાભ મળતો નથી. જેમ કે, ગરમીથી બચવા માટે આરોગ્ય સુવિધા, કુલર, એસી, પંખા. આ કારણે ઘરવિહોણા લોકોને ગરમીથી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે થાક, હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનનો સામનો કરવો પડે છે. તેમને આશ્રય આપવા માટે બનાવવામાં આવેલા આશ્રયસ્થાનો ઘણીવાર ક્ષમતા અને સુવિધાઓની દ્રષ્ટિએ ઓછા પડે છે. જેના કારણે હવામાનમાં થતા ફેરફારો તેમને સૌથી વધુ અસર કરે છે. ભારે ગરમી અને ઠંડીમાં સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે.
80 ટકા મૃતદેહો અજાણ્યા
સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ (CHD) નામના એનજીઓના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુનિલ કુમાર અલેડિયાએ જણાવ્યું હતું કે, '11 થી 19 જૂન 2024 વચ્ચે દિલ્હીમાં તીવ્ર લૂના કારણે 192 બેઘર લોકોના મોત થયા છે.' 2024માં મૃત્યુઆંક ગયા વર્ષની 11મી જૂનથી 19મી જૂન વચ્ચેના મૃત્યુની સરખામણીએ ઘણો વધારે છે. 80 ટકા અજાણ્યા મૃતદેહો બેઘર લોકોના છે.
વર્ષ મૃત્યુ
2019 143
2020 124
2021 58
2022 150
2023 75
2024 192