જેલમાં જ રહેશે અરવિંદ કેજરીવાલ, દિલ્હી હાઈકોર્ટે નીચલી કોર્ટના જામીનના આદેશ પર રોક લગાવી
Delhi CM Arvind Kejriwal Bail : દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કથિત મની લોન્ડ્રિંગ કેસમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે. દિલ્હીની નીચલી કોર્ટે ગઈકાલે તેમને જામીન આપી મોટી રાહત આપી હતી, જોકે આજે હાઈકોર્ટે તેમના જામીન પર રોક લગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે.
કેજરીવાલને જામીન આપવા કે નહીં? આગામી સપ્તાહે નિર્ણય
દરમિયાન દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, જ્યાં સુધી આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી કેજરીવાલને જામીન આપવાનો રાઉઝ એવન્યુ કોર્ટનો આદેશ રદ રહેશે. આ સાથે હાઈકોર્ટે ઈડીની અરજી પરનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, ઈડીની અરજી અંગે બેથી ત્રણ દિવસમાં નિર્ણય સંભળાવાશે. હાઈકોર્ટે વકીલને સોમવાર સુધીમાં દલીલો દાખલ કરવા કહ્યું છે.
એક દિવસ પહેલાં જ જામીન મળ્યાં હતાં
ઉલ્લેખનીય છે કે કેજરીવાલને એક દિવસ પહેલા જ ગુરુવારે ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા હતા જેના વિરોધમાં ઈડીએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ઈડીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટમાં અમને આ મામલે અમારી દલીલો રજૂ કરવા માટે પર્યાપ્ત સમય જ નહોતો અપાયો. ઈડીએ પીએમએલએની કલમ 45નો હવાલો પણ આપ્યો હતો. ઈડી વતી એએસજી રાજૂએ કહ્યું હતું કે અમારો કેસ મજબૂત છે. આ સાથે તેમણે સિંઘવીની હાજરીનો પણ વિરોધ કર્યો હતો. ઈડીએ કહ્યું હતું કે તપાસ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસ પર અસર થશે કેમ કે આરોપી મુખ્યમંત્રી જેવા મહત્ત્વપૂર્ણ હોદ્દા પર નિયુક્ત છે. ઉલ્લેખનીય છે કે ઇડીએ દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં 21 માર્ચે ધરપકડ કરી હતી.
કેજરીવાલને જામીન આપવાના નિર્ણય પર AAP નેતાઓ થયા હતા ખુશ
કેજરીવાલને જામીન આપવાના કોર્ટના આદેશ પછી આપ નેતા આતિશીએ જણાવ્યું હતું કે, સત્યનો વિજય થયો છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ એક્સ પર લખ્યું હતું કે સત્ય મેવ જયતે. આમ આદમી પાર્ટીએ વધુમાં જણાવ્યું હતું કે, સત્યને ક્યારેય હરાવી શકાતું નથી. પાર્ટીએ એક્સ પર લખ્યું હતું કે, સત્ય મુશ્કેલીમાં મુકાઇ શકે છે પણ સત્યને હરાવી શકાતું નથી. ભાજપની ઇડીના તમામ વાંધાઓને ફગાવીને કેજરીવાલને જામીન આપ્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ ન્યાય બિંદુએ એક લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર આપ નેતાને રાહત આપી હતી. કોર્ટે જામીનના આદેશ પર 48 કલાક માટે સ્ટે મૂકવાની ઇડીની અપીલ પણ ફગાવી દીધી હતી.