રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે: સુબ્રમણ્યમ સ્વામીના દાવા પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રથી માંગ્યો જવાબ
Rahul Gandhi Citizenship : રાહુલ ગાંધીની નાગરિકતાને લઇને દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. હકિકતમાં ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો દાવો છે કે, રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે. હવે દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે (6 ડિસેમ્બર) કેન્દ્ર સરકાર પાસેથી આ અંગે જવાબ માંગ્યો છે. સુબ્રમણ્યામ સ્વામીએ આ મામલે ગૃહ મંત્રાલયને વહેલી તકે નિર્ણય લેવા આગ્રહ કર્યો છે.
સરકારના વકીલ પાસે માંગ્યો જવાબ
દિલ્હી હાઇકોર્ટના કાર્યવાહક ચીફ જસ્ટિસ વિભુ બાખરુ અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની સંયુક્ત બેન્ચે કેન્દ્ર સરકાર તરફથી હાજર પ્રોક્સી વકીલ પાસેથી જવાબ માંગ્યો હતો. બેન્ચે કહ્યું હતું કે, અમે કોઇપણ નિર્ણય લેતા પહેલા તમારો અભિપ્રાય જાણવા માંગીએ છે. જેના પર પ્રોક્સી વકીલે જણાવ્યું હતું કે, આ મામલે અગાઉ સરકારનો પ્રતિનિધિત્વ કરતા વકીલને સીનિયર વકીલ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. માટે મામલે આ પ્રોક્સી વકીલે નવો વકીલ નિયુક્ત થાય ત્યાં સુધીનો સમય માંગ્યો છે.
સ્વામીએ ગૃહ મંત્રાલયને લખ્યો હતો પત્ર
પ્રોક્સી વકીલના જવાબ બાદ હાઇકોર્ટે આ મામલે આગામી સુનાવણી 13 જાન્યુઆરી, 2025 સુધી લંબાવી છે. વકીલ સત્ય સભરવાલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, 6 ઓગસ્ટ, 2019માં સ્વામીએ ગૃહ મંત્રાલયને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે. આ મામલે તેમણે રાહુલ ગાંધીના એક નિવેદનનો હવાલો પણ આપ્યો હતો. જેમાં રાહુલ ગાંધીએ બ્રિટિશ સરકાર સમક્ષ કહ્યું હતું કે તેઓ બ્રિટિશ નાગરિક છે અને બ્રિટનનો પાસપોર્ટ રાખવાનો અધિકાર ધરાવે છે.
સ્વામીએ પોતાની અરજીમાં કહ્યું કે, 'કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતીય નાગરિક હોવા છતાં બંધારણની કલમ 9 અને ભારતીય નાગરિકતા અધિનિયમનું ઉલ્લંઘન કર્યું છે અને આ કારણસર તેમને ભારતીય નાગરિક ગણી શકાય નહીં. મેં આ અંગે ગૃહ મંત્રાલયમાં ફરિયાદ કરી હતી અને ત્યાર પછી આ અંગેની સ્થિતિ જાણવા માટે મંત્રાલયને કેટલાક પત્રો પણ લખ્યા હતા. પરંતુ અત્યાર સુધી આ અંગે ન તો કોઇ કાર્યવાહી કરવામાં આવી છે કે ન તો આ અંગે મને કોઇ સૂચના આપવામાં આવી છે.'