Get The App

કેજરીવાલને રાહત: હાઇકોર્ટે કહ્યું- CM પદ પર રહેવું કે નહીં એ નિર્ણય તેમનો પોતાનો, જરૂર પડી તો રાષ્ટ્રપતિ દખલ કરશે

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
કેજરીવાલને રાહત: હાઇકોર્ટે કહ્યું- CM પદ પર રહેવું કે નહીં એ નિર્ણય તેમનો પોતાનો, જરૂર પડી તો રાષ્ટ્રપતિ દખલ કરશે 1 - image


Arvind Kejriwal CM Post Controversy: દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે જો કોઈ પ્રકારની બંધારણીય કટોકટી હશે તો રાષ્ટ્રપતિ અથવા એલજી નિર્ણય લેશે, હાઈકોર્ટ તે બાબતમાં દખલ નહિ કરે. 

અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની કરી હતી અરજી 

5 દિવસ પહેલા હિન્દુ સેના નામના સંગઠનના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન સિંહ અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની ડિવિઝન બેન્ચે આ કેસમાં ચુકાદો આપ્યો હતો.

હાઈકોર્ટે આપ્યો જવાબ 

વિષ્ણુ ગુપ્તાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, 'કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે. આથી તેને બંધારણીય પદ પર રહેવાનો કોઈ જ અધિકાર નથી.' આ બાબતે હાઈકોર્ટે તેમની પીઆઈએલ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તે અરવિંદ કેજરીવાલનો વ્યક્તિગત નિર્ણય છે કે તેઓ મુખ્યમંત્રી પદ પર રહેવા માંગે છે કે નહીં. 

આ મુદ્દે હાઈકોર્ટ નિર્ણય ન લઇ શકે 

હાઈકોર્ટ આ મુદ્દે કોઈ નિર્ણય લઈ શકતી નથી, કારણ કે આ અંગે નિર્ણય લેવાની સત્તા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) અથવા દેશના રાષ્ટ્રપતિ પર નિર્ભર છે. જો કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર રહેવા ઈચ્છે તો તેઓ રહી શકે છે. હાઈકોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરશે નહીં.

એલજીને હાઈકોર્ટની સલાહ કે માર્ગદર્શનની જરૂર નથી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાઈકોર્ટે કહ્યું કે, 'અમે કેવી રીતે કહી શકીએ કે સરકાર કામ નથી કરી રહી? એલજી તેમના મુખ્યમંત્રી પદ પર રહેવા બાબતેનો નિર્ણય લેવા માટે સક્ષમ છે. આ બાબતે એલજીને હાઈકોર્ટની સલાહ કે માર્ગદર્શનની જરૂર નથી. તેમની પાસે સત્તા છે. તેને જે પણ કરવું હશે તે કાયદા પ્રમાણે કરશે. તેથી, અરજદારોએ સંબંધિતોનો સંપર્ક કરવો જોઈએ અને હાઈકોર્ટમાં આવવું જોઈએ નહીં. આ પછી અરજદારે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.'

શું છે મામલો?

અરવિંદ કેજરીવાલની દિલ્હી દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 21 માર્ચે તેની ધરપકડ બાદ તેને બે વખત રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. આ પછી, 1 એપ્રિલે, તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે તિહાર જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેઓ જેલમાંથી જ મુખ્યમંત્રી તરીકેની જવાબદારીઓ નિભાવી રહ્યા છે.

કેજરીવાલને રાહત: હાઇકોર્ટે કહ્યું- CM પદ પર રહેવું કે નહીં એ નિર્ણય તેમનો પોતાનો, જરૂર પડી તો રાષ્ટ્રપતિ દખલ કરશે 2 - image


Google NewsGoogle News