97 કરોડના કૌભાંડમાં પણ ફસાયા હતા જસ્ટિસ યશવંત વર્મા, CBIએ નોંધ્યો હતો કેસ
Delhi High Court Justice Yashwant Varma Cash : દિલ્હી હાઇકોર્ટમાં ન્યાયાધીશ યશવંત વર્માના સરકારી બંગલામાંથી કથિત 15 કરોડ રૂપિયા રોકડા મળી આવવાની ઘટના બાદ તેઓ ફરી ચર્ચામાં છે. વાસ્તવમાં તેમના નિવાસસ્થાને આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવા ગઈ હતી અને આ દરમિયાન કેશનો ઢગલો મળી આવ્યો હતો. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે, ત્યારે વર્મા વિરુદ્ધના એક જૂના કૌભાંડની ફરી ચર્ચા શરુ થઈ છે અને કૌભાંડમાં વર્માનું નામ આરોપી તરીકે હતું.
વર્મા વિરુદ્ધના 97 કરોડના કૌભાંડનો મામલો શું હતો?
વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં સિમ્ભૌલી સુગર મિલ્સ લિમિટેડે ઓરિએન્ટર બૅંક ઑફ કૉમર્સમાંથી લીધેલી કરોડો રૂપિયાની લોનનો કંપનીએ ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો, જેમાં સીબીઆઇએ વર્ષ 2018માં કંપની વિરુદ્ધ તપાસ શરુ કરી હતી. બૅંકે આક્ષેપ કર્યો હતો કે, કંપનીએ ખેડૂતો માટે જારી કરવામાં આવેલા 97.85 કરોડ રૂપિયાની લોનનો દુરુપયોગ કર્યો હતો. આ કૌભાંડને મે 2025 સુધી સંભવિત છેતરપિંડી માનવામાં આવી હતી અને તે અંગે RBIને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સીબીઆઇએ આ કેસમાં 12 લોકો વિરુદ્ધ FIR નોંધી હતી, જેમાં યશવંત વર્માનું 10માં આરોપી તરીકે નામ દાખલ કર્યું હતું. જોકે બાદમાં ધીમીગતિએ તપાસ ચાલી અને કોઈ મોટી કાર્યવાહી પણ કરવામાં ન આવી. તે સમયે વર્મા કંપનીના નૉન-એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા.
આ પણ વાંચો : દિલ્હી હાઇકોર્ટના જજના ઘરે મોટી રોકડ મળ્યાના રિપોર્ટથી વિવાદ
97 કરોડના કૌભાંડમાં CBIની તપાસ કેવી રીતે અટકી ગઈ?
આમ તો 97 કરોડના કૌભાંડમાં CBI દ્વારા થઈ રહેલી તપાસ બંધ થઈ ગઈ હતી, જોકે ફેબ્રુઆરી-2024માં એક કોર્ટે સીબીઆઈને બંધ પડેલી તપાસ ફરી શરુ કરવા આદેશ આપ્યો હતો. પછી થોડા સમય બાદ સુપ્રીમ કોર્ટે તે આદેશનો પલટી નાખ્યો હતો, જેના કારણે CBIની પ્રાથમિક તપાસને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ હતી. આ નિર્ણય બાદ કૌભાંડ સાથે સંકળાયેલી નાણાકીય અનિયમિતતા સામેની કોઈપણ તપાસ થવાની સંભાવના ખતમ થઈ ગઈ છે.
ન્યાયાધીશ વર્માના બંગલામાંથી કેશનો ઢગલો મળી આવતા ઉઠ્યા સવાલ
રિપોર્ટ મુજબ, દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે 14 માર્ચે આગ ઠારવા ગયેલા ફાયર ફાઇટર્સના કર્મીઓને એક રૂમમાંથી મોટી રોકડ રકમ મળ્યાના અહેવાલોથી ભારે વિવાદ થયો છે. આ ઘટના વચ્ચે દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે તપાસ શરુ કરી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટની કૉલેજિયમે વિવાદો વચ્ચે એક સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ન્યાયાધીશ યશવંત વર્માની બદલી કરવા માટે પ્રસ્તાવ મળ્યો હતો, જે અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો. તેમની સામે જે તપાસ ચાલી રહી છે તેને બદલીની પ્રક્રિયા સાથે જોડવામાં ના આવે.