લગ્નમાં પત્નીના પરિવારે બે કરોડ રૂપિયાનું દહેજ આપ્યું, IT તપાસ કરાવો: હાઈકોર્ટ પહોંચ્યો પતિ
Delhi: દિલ્હી હાઈકોર્ટે એક વ્યક્તિ દ્વારા તેની પત્ની અને સાસરિયાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ વ્યક્તિએ કોર્ટને તેની પત્ની અને તેના પરિવાર વિરુદ્ધ આવકવેરા વિભાગ દ્વારા તપાસ કરવા જણાવ્યું હતું. અરજદારે દાવો કર્યો હતો કે તેના સાસરિયાઓએ દહેજમાં 2 કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા. આ સિવાય લગ્નમાં પણ મોટો ખર્ચ કરવામાં આવ્યો હતો, જે આવકવેરાના નિયમોનું ઉલ્લંઘન હોઈ શકે છે. હવે કોર્ટે આ મામલે કેટલીક ટિપ્પણીઓ કરતાં અરજી ફગાવી દીધી છે.
પત્નીના પરિવારની આવકવેરાની તપાસની માંગ
આ મામલે અરજદારે કોર્ટને આવકવેરા વિભાગને તપાસ માટે નિર્દેશ આપવા કહ્યું હતું. તેણે કોર્ટને કહ્યું કે, 'મારી પત્નીની પારિવારિક આવક અને છેલ્લા 10 વર્ષના ટેક્સ રેકોર્ડની તપાસ થવી જોઈએ. આ ઉપરાંત દહેજ તરીકે આપવામાં આવેલા 2 કરોડ રૂપિયાના રોકડ વ્યવહારની પણ તપાસ થવી જોઈએ.'
આ કેસ ન્યાયિક પ્રક્રિયાના દુરુપયોગ જેવો છે- કોર્ટ
જોકે, દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે અરજી ફગાવી દીધી હતી. 26 ફેબ્રુઆરી, બુધવારે બેન્ચે કહ્યું કે, 'આ મામલો પતિ-પત્ની વચ્ચેના વિવાદ સાથે જોડાયેલો છે. અરજદારના વકીલો, એ સમજાવવામાં અસમર્થ છે કે આનાથી કયા મૂળભૂત અથવા કાયદાકીય અધિકારનું ઉલ્લંઘન થયું છે.'
આ દરમિયાન, કોર્ટે સ્પષ્ટ કર્યું કે, 'આવકવેરા વિભાગ આવા પારિવારિક વિવાદોને ઉકેલવા માટે બનાવવામાં આવ્યું નથી. આ કેસ ન્યાયિક પ્રક્રિયાના દુરુપયોગ જેવો છે.'
નક્કર આધાર ન હોવાથી કોર્ટે અરજી ફગાવી દીધી
ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે, 'નક્કર આધાર વિના તપાસની માગણી સ્વીકારી શકાય નહીં. અરજદારો આવકવેરા અધિનિયમ, 1961ની કઈ જોગવાઈ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી તે જણાવવામાં નિષ્ફળ ગયા.' આ દલીલ આપતાં કોર્ટે આ અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી.