Get The App

ગર્ભપાતની મંજૂરી નહીં મળે, એના કરતાં સારૂં કોઈકને દત્તક આપી દોઃ કોર્ટ

Updated: Jul 15th, 2022


Google NewsGoogle News
ગર્ભપાતની મંજૂરી નહીં મળે, એના કરતાં સારૂં કોઈકને દત્તક આપી દોઃ કોર્ટ 1 - image


- જજે કહ્યું કે, યુવતી હોસ્પિટલમાં જઈને બાળકને જન્મ આપે, કોઈને ખબર નહીં પડવા દેવામાં આવે અને તેનું હોસ્પિટલનું બિલ પણ સરકાર નહીં ભરે તો તેઓ પોતે ભરી આપશે

નવી દિલ્હી, તા. 15 જુલાઈ 2022, શુક્રવાર

દિલ્હી હાઈકોર્ટે એક 25 વર્ષીય અપરિણીત યુવતીને ગર્ભપાતની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. ઉપરાંત આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે, 'અમે બાળકની હત્યા માટે મંજૂરી નહીં આપીએ. તેના બદલે તમે બાળકને કોઈકને દત્તક આપવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.'

અમે યુવતીને બાળકનું ભરણ-પોષણ કરવા મજબૂર નથી કરતાઃ કોર્ટ

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માએ કહ્યું હતું કે, 'તમે શા માટે બાળકની હત્યા કરવા ઈચ્છો છો? અમે તમને એક વિકલ્પ આપીએ છીએ. દેશમાં અનેક લોકો બાળકને દત્તક લેવા માટે ઉત્સુક છે. અમે યુવતીને બાળકનું ભરણ-પોષણ કરવા માટે મજબૂર નથી કરતા પરંતુ તે એક સારી હોસ્પિટલમાં જઈને તેને જન્મ આપી શકે છે.'

જજે જણાવ્યું કે, 'અમે એ સુનિશ્ચિત કરીશું કે, તે એક સારી હોસ્પિટલમાં જાય અને તેના વિશે કોઈને ખબર ન પડે. તે બાળકને જન્મ આપે અને પાછી આવી જાય. તેનો હોસ્પિટલનો ખર્ચો પણ સરકાર નહીં ઉપાડે તો હું ચુકવી આપીશ.'

સામે યુવતીના વકીલે એવી દલીલ કરી હતી કે, તેણીના પેટમાં 23 સપ્તાહ અને 4 દિવસનો ગર્ભ છે અને તેના લગ્ન પણ નથી થયેલા. આવા સંજોગોમાં જો તે બાળકને જન્મ આપશે તો તેની મુશ્કેલીઓ વધી જશે. તે સામાજીક રીતે પણ યોગ્ય નહીં ગણાય. ઉપરાંત યુવતી બાળકને જન્મ આપવા માટે શારીરિક, માનસિક અને નાણાકીય રીતે પણ ફીટ ન હોવાની દલીલ કરવામાં આવી હતી. 

ત્યારે સરકારી વકીલે ભ્રૂણ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું હોવાથી અને તે દુનિયા જોવા માટે તૈયાર હોવાથી ગર્ભપાતની મંજૂરી આપવી યોગ્ય નહીં ગણાય તેવી દલીલ કરી હતી. કોર્ટે પણ સરકારી વકીલની દલીલ અંગે સહમતિ દર્શાવી હતી અને આ સંજોગોમાં ગર્ભપાતની મંજૂરી આપવી તે એક રીતે બાળકની હત્યા ગણાશે તેમ કહ્યું હતું. 



Google NewsGoogle News