Get The App

શ્વાસમાં તકલીફ, બર્ડ ફ્લૂ જેવા લક્ષણ... ચીનમાં ફેલાતા HMPV વાઇરસથી બચવા દિલ્હીમાં એડવાઇઝરી જાહેર

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
શ્વાસમાં તકલીફ, બર્ડ ફ્લૂ જેવા લક્ષણ... ચીનમાં ફેલાતા HMPV વાઇરસથી બચવા દિલ્હીમાં એડવાઇઝરી જાહેર 1 - image


HMPV Virus Advisory: પાડોશી દેશ ચીનમાંથી આ વાઇરસ ભારતમાં પણ પ્રવેશ્યો છે. બેંગ્લુરૂની એક હૉસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાઇરસ મળી આવ્યો છે. જેની ગંભીરતાને ધ્યાનમાં લેતાં દિલ્હીના મેડિકલ અધિકારીઓએ એડવાઇઝરી જાહેર કરી છે. 

વિશ્વભરમાં 70 લાખથી વધુ લોકોના મોતનું કારણ બનેલા કોવિડ-19 મહામારીના પાંચ વર્ષ બાદ ચીનમાં ફરી એક નવો વાઇરસ ફેલાયો છે. હ્યુમન મેટા ન્યૂમો વાઇરસ (HMPV) તરીકે ઓળખાતા આ વાઇરસથી પીડિત દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેમજ ફ્લૂના લક્ષણો જોવા મળે છે.

હૉસ્પિટલ્સને સારવાર માટે તૈયાર રહેવાનો નિર્દેશ

હેલ્થ સર્વિસના ડિરેક્ટર જનરલ ડૉ. વંદના બગ્ગાએ મુખ્ય જિલ્લા મેડિકલ ઑફિસર્સ અને આઇડીએસપીના રાજ્ય કાર્યક્રમ અધિકારીઓ સાથે બેઠક કરી દિલ્હીમાં શ્વાસ સંબંધિત બીમારીઓની સારવારની તૈયારીઓ કરવા ચર્ચા કરી હતી. તેમજ હૉસ્પિટલ્સને પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તેઓ ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન સંક્રમણ(SARI)ના કેસોની માહિતી તાત્કાલિક આઇએચઆઇપી પોર્ટલ મારફત જણાવે. સંદિગ્ધ કિસ્સા માટે કડક આઇસોલેશન પ્રોટોકોલ અને સાવચેતીઓ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. હૉસ્પિટલ્સને કડક દેખરેખ હેઠળ SARI કેસ અને HMPVના ટેસ્ટિંગ માટે લેબને તૈયાર રહેવા આદેશ આપ્યો છે. 

આ પણ વાંચોઃ ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાઈરસનો ભારતમાં પ્રથમ કેસ મળ્યો, 8 મહિનાની બાળકી સંક્રમિત

આ દવાઓ ઉપલબ્ધ રાખવા નિર્દેશ

HMPV અને SARI વાઇરસની સારવાર માટે ઓક્સિજનની સાથે સાથે પેરાસિટામોલ, એન્ટિહિસ્ટામાઇન, બ્રોન્કોડાયલેટર્સ અને કફ સિરપની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે, ઇન્ટીગ્રેટેડ ડિસિઝ સર્વેલન્સ પ્રોગ્રામ, નેશનલ કંટ્રોલ ડિસિઝ સેન્ટર્સ, અને ડબ્લ્યુએચઓની અપડેટ અનુસાર, 2 જાન્યુઆરી, 2025 સુધીના આંકડાઓ અનુસાર, આ વાઇરસ સંબંધિત કેસોમાં કોઈ ખાસ વૃદ્ધિ જોવા મળી નથી.

HMPV શું છે?

હ્યુમન મેટાન્યૂમોવાઇરસના લક્ષણો સામાન્ય રીતે શરદી-ખાંસી અને તાવ જેવા જ છે. જેમાં નાકમાંથી પાણી આવવું, ગળામાં ખરાશ, ખાંસી આવવી, તાવ જેવા લક્ષણો જોવા મળે છે. નાના બાળકોથી માંડી વૃદ્ધોને પણ HMPVનો ચેપ લાગી શકે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં આ વાઇરસ ગંભીર સ્વરૂપ લઈ શકે છે. જેમાં શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. HMPV અને SARS-CoV-2 એ જુદા-જુદા વાયરલ ફેમિલીમાંથી સંબંધિત છે. બંને વાઇરસ શ્વસન તંત્રને પ્રભાવિત કરે છે. જેનો ચેપ કોવિડની જેમ જ ફેલાય છે.

શ્વાસમાં તકલીફ, બર્ડ ફ્લૂ જેવા લક્ષણ... ચીનમાં ફેલાતા HMPV વાઇરસથી બચવા દિલ્હીમાં એડવાઇઝરી જાહેર 2 - image


Google NewsGoogle News