દિલ્હીમાં 1100 વૃક્ષો કાપી નખાતા પ્રિયંકા ગાંધી ભડક્યાં, કહ્યું-'..ક્યાંક ભારે કિંમત ન ચૂકવવી પડે'
Trees Cutting In Delhi Ridge: દક્ષિણ દિલ્હીના રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં વૃક્ષ કાપવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. હવે દિલ્હી સરકારની ત્રણ મંત્રીઓની તથ્ય શોધ સમિતિએ DDA, વન વિભાગ અને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓને નોટિસ પાઠવી છે. ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ અગ્ર સચિવ (પર્યાવરણ અને વન), ડીડીએના વાઇસ ચેરમેન, પ્રિન્સિપલ કમિશનર (એલડી અને એલએમ) ડીડીએ, કમિશનર (હાઉસિંગ) ડીડીએ, ડીસીપી (દક્ષિણ દિલ્હી) અને સંબંધિત પોલીસ સ્ટેશન વિસ્તારના એસએચઓ અને અન્યને સમન્સ પાઠવ્યા છે. જેમાં સોમવારે (પહેલી જુલાઈ) યોજાનારી બેઠકમાં હાજર રહેવા આદેશ કર્યો છે. આ મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે.
પ્રિયંકા ગાંધીએ ચિંતા વ્યક્ત કરી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે 'X' પર લખ્યું કે, 'દિલ્હીના રિજ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે 1100 વૃક્ષો કાપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે જો અધિકારીઓ તેમની બંધારણીય જવાબદારીઓનું પાલન નથી કરી રહ્યા તો, કોર્ટને સ્પષ્ટ સંકેત આપવા પડશે કે,પર્યાવરણને આ રીતે નુકસાન પહોંચાડી શકાય નહીં.'
પ્રિયંકા ગાંધીએ 'X' પર લખ્યું હતું કે, 'બીજી તરફ દેહરાદૂનમાં મોટી સંખ્યામાં કાપવામાં આવતા વૃક્ષોને બચાવવા માટે જનતાએ રસ્તા પર ઉતરવું પડ્યું હતું. અહેવાલો અનુસાર વિકાસ કાર્યો માટે હજારો વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. આપણી વિકાસની જરૂરિયાતો વચ્ચે, જવાબદાર હોદ્દા પર રહેલા લોકો પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ હોય તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એવું બની શકે છે કે ભવિષ્યમાં આપણે આની ભારે કિંમત ચૂકવવી પડશે.'
આ પણ વાંચો: દિલ્હી જેવી ભયાનક ઘટના, મધ્યપ્રદેશમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં 5નાં મૃતદેહ મળતાં ખળભળાટ
સુપ્રીમ કોર્ટમાં સમિતિ તથ્યપૂર્ણ રિપોર્ટ રજૂ કરશે
સમિતિ એ શોધી રહી છે કે કોની સૂચના પર ડીડીએએ 1100 વૃક્ષો ગેરકાયદે રીતે કાપ્યા. સમિતિએ પણ શોધી રહી છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના ત્રીજી ફેબ્રુઆરીએ ક્યાં હેતુથી વિસ્તારની મુલાકાત લેવા ગયા હતા.