હવે દિલ્હીમાં યોગીવાળી..! જ્યાં ડૂબ્યાં UPSCના 3 વિદ્યાર્થીઓ ત્યાં દબાણ હટાવવા પહોંચ્યું બુલડોઝર
image:ians |
Delhi Coaching Centre Flooding: દિલ્હીના રાજેન્દ્રનગરમાં રાવ આઈએએસ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતાં યુપીએસસીની તૈયારી કરતાં 3 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ તંત્ર તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોચિંગની આજુબાજુ દબાણ હટાવવા માટે બુલડોઝર પહોંચી ગયા છે. આ બુલડોઝર દિલ્હી નગર નિગમની ટીમ દ્વારા મોકલાયા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, યોગી સરકારની જેમ હવે દિલ્હીમાં પણ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરવાળી જોવા મળી શકે છે.
MCDએ દિલ્હી પોલીસની મંજૂરી લીધી
અહેવાલો અનુસાર એમસીડીએ આ કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસ પાસે પરવાનગી માગી હતી અને પોલીસે આ મામલે મંજૂરી આપી દીધી હોવાની માહિતી મળી રહી છે.
આ મામલે સાત લોકોની ધરપકડ કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાતાં ત્રણ વિદ્યાર્થીના મોત નિપજ્યા હતા. આ મામલામાં પોલીસે વધુ 5 લોકોની ધરપકડ કરાઈ છે. અગાઉ કોચિંગ સેન્ટરના માલિક અને સંયોજકની પણ ધરપકડ કરવામાં આવી હતી. એટલે કે અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 7 ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુખ્ય માર્ગ પરથી પસાર થયેલા વાહન ચાલકની પણ ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે કાર પસાર થવાને કારણે પ્રેશર વધી ગયું હતું અને બિલ્ડિંગની અંદર પાણી ઘૂસી ગયું હતું.
આ પણ વાંચો: આગ, પાણી, કરંટ અને મોત... દિલ્હીમાં IAS બનવા જતાં વિદ્યાર્થીઓની આ કેવી 'પરીક્ષા'?
વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા
કોચિંગ સેન્ટરના ત્રણ વિદ્યાર્થીઓના મોત બાદ અન્ય વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. રવિવારે ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં વિદ્યાર્થીઓએ મૃતકોને ન્યાય મળે તે માટે દેખાવો કર્યા હતા. દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે MCD કમિશનરને આદેશ આપ્યા છે કે, 'જો રાજેન્દ્ર નગર કેસમાં કોર્પોરેશનનો કોઈ અધિકારી દોષિત હોય તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. MCD હેઠળ, કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં કોમર્શિયલ એક્ટિવિટી ચાલી રહી હોય, તો તે બિલ્ડિંગ પેટા કાયદાની વિરુદ્ધ છે, તેના વિરૂદ્ધ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ભોંયરામાં ચાલતા ગેરકાયદેસર કોચિંગ સેન્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.'