દિલ્હીમાં ખૂલ્યો ડાયનાસોર થીમ પાર્ક,જાણો શું છે ખાસિયત
Image: freepik
નવી દિલ્હી,તા. 5 ફેબ્રુઆરી 2024, સોમવાર
જો તમે પણ તમારા બાળકોને ડાયનાસોર બતાવવા માંગતા હોવ તો વહેલી તકે આ પાર્કની મુલાકાત લઇ શકો છો. દિલ્હીના સરાય કાલે ખાન વિસ્તારમાં ડાયનાસોર થીમ પાર્ક બનાવવામાં આવ્યો છે. જે તમને જુરાસિક પાર્કના ડાયનાસોરની યાદ અપાવશે.
શું ખાસ છે આ ડાયનાસોર થીમ પાર્કમાં?
જે રીતે થોડા સમય પહેલા દિલ્હીમાં બટરફ્લાય પાર્ક, વૈદિક થીમ પાર્ક અને પીકોક પાર્ક ખોલવામાં આવ્યા છે, તેવી જ રીતે અહીં વધુ એક ખાસ પાર્ક ખોલવામાં આવ્યો છે. MCD દ્વારા બનાવવામાં આવેલા આ પાર્કની વિશેષતા એ છે કે, વેસ્ટ મટિરિયલમાંથી 40 ડાયનાસોર બનાવવામાં આવ્યા છે. આ ડાયનાસોરની 15 પ્રજાતિઓ છે. આ જુરાસિક પાર્ક નવા વર્ષમાં ખુલવાનો હતો, પરંતુ તે આજે ખુલી રહ્યો છે. આ પાર્ક વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દેશ-વિદેશના ઘણા પ્રવાસીઓને આકર્ષિત કરશે.
દિલ્હીના સરાય કાલે ખાનમાં ડાયનોસોર પાર્ક અંદાજે 3.5 એકરમાં બનાવવામાં આવ્યો છે. ડાયનાસોર પાર્કની વિશેષતા વિશે વાત કરીએ તો, તે ખૂબ જ આકર્ષક સ્થળ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પાર્કમાં લગભગ 300 ટન ભંગારમાંથી ડાયનાસોરની શિલ્પ બનાવવામાં આવી છે, જેને થીમ પાર્ક તરીકે ઓળખવામાં આવશે. આ પાર્ક 'વેસ્ટ-ટુ-વન્ડર' થીમ પર બનાવવામાં આવ્યો છે. ડાયનાસોરના શિલ્પો અંદાજે 9 થી 60 ફૂટ ઊંચા અને અંદાજે 54 ફૂટ લાંબા હશે.
બાળકો માટે ખાસ
ડાયનોસોર પાર્ક બાળકો માટે ખૂબ જ ખાસ છે. સ્લાઇડ્સ અને ક્લાઇમીંગ રોડ્સ સિવાય બાળકો આ પાર્કમાં અન્ય ઘણી મનોરંજક વસ્તુઓનો આનંદ લઈ શકે છે. આ ઉપરાંત પાર્કમાં બાળકો માટે ઝૂલા પણ છે.