Get The App

દિલ્હી લિકર પોલિસી કેસમાં કોર્ટનો મહત્ત્વનો આદેશ, 16 માર્ચે હાજર થાય અરવિંદ કેજરીવાલ

કેજરીવાલે સમન્સનું ઉલ્લંઘન કર્યું, તેથી પ્રથમ દ્રષ્ટિએ કલમ 174 હેઠળ કેસ બને છે : કોર્ટ

કોર્ટ તમામ આરોપીઓને સહયોગ આપવા, ટ્રાયલમાં વિલંબ ન કરવા આદેશ આપે: EDની માંગ

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
દિલ્હી લિકર પોલિસી કેસમાં કોર્ટનો મહત્ત્વનો આદેશ, 16 માર્ચે હાજર થાય અરવિંદ કેજરીવાલ 1 - image


Delhi Liquor Case Court Hearing : દિલ્હીના ચર્ચાસ્પદ લિકર પોલિસી કેસમાં રાઉજ એવન્યૂ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલી અરજી પર કોર્ટે તમામ આરોપીઓ પાસેથી જવાબ માગ્યો છે. 

કેજરીવાલે ઈડીના સમન્સનું ઉલ્લંઘન કર્યું

આ ઉપરાંત કોર્ટે આદેશમાં લખ્યું છે કે, અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) ઈડીના સમન્સનું ઉલ્લંઘન કર્યું છે, તેથી તેમની સામે પ્રથમ દ્રષ્ટિએ આઈપીસીની કલમ 174 હેઠળ કેસ બને છે. આવી સ્થિતિમાં કેજરીવાલને સમન્સ જારી કરવા માટે કોર્ટ પાસે પર્યાપ્ત આધાર છે. આ કેસની આગામી સુનાવણી માટે 19 માર્ચની તારીખ નક્કી કરાઈ છે.

કેજરીવાલને 16 માર્ચે હાજર થવા આદેશ

કોર્ટે ઈડીની અરજી પર નિર્ણય સંભળાવતા કેજરીવાલને 16 માર્ચે હાજર થવા સમન્સ મોકલ્યું છે. ઈડીએ અરજીમાં માંગ કરી છે કે, તમામ આરોપીઓને સહયોગ આપવા અને ટ્રાયલમાં વિલંબ ન કરવા કોર્ટ આદેશ આપે.

આરોપીઓ જાણીજોઈને અડચણો ઉભી કરે છે : ED

ઈડીએ અરજીમાં એવો આક્ષેપ કર્યો છે કે, આરોપીઓ કેસમાં જાણીજોઈને અચડણો ઉભી કરે છે, તેથી કોર્ટ આ મામલે પણ તમામ આરોપીઓને આદેશ આપે. સુનાવણી દરમિયાન આરોપીઓના વકીલે ડોક્યુમેન્ટની તપાસ કરવા માટે સમય માંગ્યો હતો, તો બીજી તરફ ઈડીના વકીલે દલીલ કરી કે, ટ્રાયલમાં વિલંબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ મામલે ઈડીએ કોર્ટમાં એક ફરિયાદ અરજી આપી છે કે, કોર્ટ આરોપીઓને તપાસમાં સહયોગ આપવા અને ટ્રાયલમાં વિલંબ ન કરવા આદેશ આપે.

ઈડીના સમન્સનું દરેકે સન્માન કરવું પડશે : સુપ્રીમ કોર્ટ

આ અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જો કોઈને PMLAની કલમ 50 હેઠળ સમન્સ મોકલવામાં આવે છે તો તેમણે સમન્સનું સન્માન કરવું પડશે અને તેનો જવાબ પણ આપવો પડશે. મહત્વની વાત એ છે કે કોર્ટની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સતત 8 વખત સમન્સ પાઠવ્યા છતાં તેઓ ED સમક્ષ હાજર નથી થયા.

આઠ સમન્સ પાઠવવા છતાં કેજરીવાલ હાજર ન થયા

ઈડીએ દિલ્હી એક્સાઈઝ નીતિ કૌભાંડ કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગની પૂછપરછ કરવા કેજરીવાલને સમન્સ પાઠવ્યા છે. ઈડી કેજરીવાલને અત્યાર સુધીમાં આઠ વખત સમન્સ મોકલી ચુકી છે, તેમ છતાં તેઓ હજુ સુધી હાજર થયા નથી. ઈડીએ કેજરીવાલને 22 જાન્યુઆરીએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. ત્યારબાદ ગત વર્ષે બે નવેમ્બર, અને 21 ડિસેમ્બર, પછી આ વર્ષે ત્રણ જાન્યુઆરી, 18 જાન્યુઆરી, બે ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 22 ફેબ્રુઆરી અને 27 ફેબ્રુઆરીએ પણ કેજરીવાલને સમન્સ પાઠવી ચુકી છે. આઠ-આઠ સમન્સ પાઠવવા છતાં કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા નથી.


Google NewsGoogle News