લિકર પૉલિસી કેસમાં ઈડીએ કૈલાસ ગેહલોતની કરી પૂછપરછ, કહ્યું- 'મને ગોવા અંગે કંઈ ખબર નથી'
Delhi Excise Policy Case : દિલ્હીની હવે રદ્દ થઈ ચૂકેલી લિકર પૉલિસીથી જોડાયેલ મની લોન્ડ્રિંગ મામલે ઈડીએ શનિવાર (30 માર્ચ)એ દિલ્હી સરકારમાં મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોત સાથે અંદાજિત પાંચ કલાક સુધી પૂછપરછ કરી. 49 વર્ષીય કૈલાશ ગેહલોત દિલ્હીના નજફગઢથી 'આપ'ના ધારાસભ્ય છે અને કેજરીવાલ સરકારમાં તેઓ પરિવહન, ગૃહ અને કાયદા મંત્રી છે.
સૂત્રોના અનુસાર, ઈડીએ કૈલાશ ગેહલોત પાસેથી પૉલિસીના ડ્રાફ્ટને તૈયાર કરવામાં તેમની કથિત ભૂમિકાને લઈને પૂછપરછ કરી. કૈલાશ ગેહલોતે કહ્યું કે, 'GoMની બેઠકમાં જે નીતિઓ બની એજ અપાઈ, પૉલિસી ડ્રાફ્ટને લઈને પણ સવાલ પૂછાયા. અંદાજિત પાંચ કલાક સુધી પૂછપરછ થઈ.'
એજન્સીએ પોતાના આરોપ પત્રમાં કૈલાશ ગેહલોતના નામનો ઉલ્લેખ કર્યો છે અને કેસમાં પહેલી ધરપકડ કરાયેલ 'આપ' સંચાર પ્રભારી વિજય નાયરને લઈને કહ્યું છે કે, વિજય નાયર કૈલાશ ગેહલોતને ફાળવાયેલ સરકારી બંગલામાં રહેતા હતા. કૈલાશ ગેહલોત દક્ષિણ પશ્ચિમ દિલ્હીના નજફગઢમાં રહે છે. કોઈ લોક સેવક તરફથી કોઈ અન્યને સરકારી આવાસના ઉપયોગની મંજૂરી 'આપ'વાને ગુનાહિત વિશ્વાસઘાત ગણાવતા ઈડીએ સીબીઆઈને આ મામલે કાર્યવાહી કરવા કહ્યું હતું.
કૈલાશ ગેહલોતે કહ્યું કે, 'ઈડી જો બોલાવશે તો હું આગળ પણ જઈશ. મને આતિશીના ગોવા ચૂંટણી પ્રભારી હોવા અંગે કોઈ માહિતી નથી. ગોવા અંગે મને કોઈ માહિતી નથી, મારા સંજ્ઞાનમાં કંઈ નથી તો મારા માટે કહેવું મુશ્કેલ છે.'
મેં તમામ સવાલોનો જવાબ આપ્યા : કૈલાશ ગેહલોત
તેમણે કહ્યું કે, 'ઈડીએ શું સવાલ કર્યા તે હું ન જણાવી શકું. ઈડીએ જે પણ સવાલ પૂછ્યા, મેં તમામનો જવાબ આપ્યા. મેં પૂરો સહયોગ કર્યો. આ બીજું સમન્સ હતું, એક મહિના પહેલા સમન્સ આવ્યું હતું, પરંતુ હું હાજર નહોતો થયો કારણ કે બજેટ સેશન ચાલી રહ્યું હતું.' કેજરીવાલના 9 સમન્સ બાદ પણ હાજર ન થવા અંગે પૂછવા પર કૈલાશે કહ્યું કે, 'તેના પર હું કંઈ નહીં કહું. કોઈ કૌભાંડ નથી થયું. જેમ જેમ તપાસ આગળ વધશે, એ સ્પષ્ટ થઈ જશે.'
ત્રીજી વખત બદલાઈ કૈલાશ ગેહલોતના સિમની IMEI : ઈડીનો આરોપ
ઈડીએ આરોપ લગાવતા કહ્યું છે કે, લિકર પૉલિસી હેઠળ સાઉથ ગ્રુપે દારૂ વેપારના લાઈસન્સના અવેજમાં 'આપ' અને તેના નેતાઓને 100 કરોડ રૂપિયાની લાંચ આપી. સાઉથ ગ્રુપમાં BRSની નેતા કે.કવિતા સામેલ હતા. ઈડીએ પોતાના આરોપપત્રમાં એ પણ આરોપ લગાવ્યો છે કે કૈલાશ ગેહલોત પાસે એક જ સિમ નંબર હતો પરંતુ તેમની IMEI ત્રીજી વખત બદલાઈ.
શું છે દિલ્હી લિકર પૉલિસી મામલો?
આ મામલો 2021-22 માટે દિલ્હી સરકારની લિકર પૉલિસી તૈયાર કરવા અને લાગુ કરવામાં કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગથી જોડાયેલો છે. દિલ્હી સરકારની વિવાદિત લિકર પૉલિસીને બાદમાં રદ્દ કરી દેવાઈ હતી. દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ લિકર પૉલિસી બનાવવા અને લાગુ કરવામાં કથિત ગેરરીતિઓની CBI તપાસ કરાવવાની ભલામણ કરી હતી. ત્યારબાદ ઈડીએ PMLA હેઠળ કેસ દાખલ કર્યો. આ કેસમાં 'આપ' નેતા મનીષ સિસોદિયા અને સંજય સિંહની ઈડીએ પહેલા જ ધરપકડ કરી હતી, તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે. મુખ્યમંત્રી કેજરીવાલની ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં 21 માર્ચે ધરપકડ કરી હતી અને 28 માર્ચે કોર્ટે તેમની કસ્ટડી એક એપ્રિલ સુધી વધારી દીધી હતી.