કેજરીવાલની ધરપકડથી અમેરિકા-જર્મનીને પડ્યો વાંધો, ભારતે આપ્યો સણસણતો જવાબ
અરવિંદ કેજરીવાલની ધરપકડ મુદ્દે અમેરિકા અને જર્મનીએ કાયદાકીય માર્ગ અપનાવવાની સલાહ આપતા ભારતે આપ્યો જવાબ
ભારતે અમેરિકાને કહ્યું, ‘ભારતની કાયદાકીય પ્રક્રિયાઓ એક સ્વતંત્ર ન્યાયપાલિકા પર આધારિત, જે સમયસર નિર્ણયો માટે પ્રતિબદ્ધ છે’
Delhi Excise Policy Case : દિલ્હી લિકર પોલિસીમાં કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની ધરપકડ થયા બાદ દેશ રાજકારણમાં ખળભળાટ મચ્યો છે, વિવિધ રાજકીય નેતાઓ રોજબરોજ નિવેદનો આપી રહ્યા છે, તો બીજીતરફ આ મામલો વિદેશમાં પણ ગૂંજ્યો છે. કેજરીવાલની ધરપકડ મુદ્દે અમેરિકા (America)એ અને જર્મની (Germany)એ નિવેદન આપ્યું છે, તો ભારતે પણ નારાજગી વ્યક્ત કરી સણસણતો જવાબ આપી દીધો છે.
અમેરિકાએ શું કહ્યું હતું?
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ ગઈકાલે કહ્યું હતું કે, ‘અમે ભારતના પ્રમુખ વિપક્ષી નેતા કેજરીવાલની ધરપકડ પર નજર રાખી રહ્યા છે. અમે મુખ્યમંત્રી કેજરીવાલના નિષ્પક્ષ, પારદર્શી અને સમયસર કાયદાકીય પ્રક્રિયાની આશા રાખીએ છીએ.’ કેજરીવાલની ધરપકડ પર જર્મનીના વિરોધ અંગે ભારતના વાંધા અંગે પૂછવા પર અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘આ માટે તમારે જર્મનીના વિદેશ મંત્રાલય સાથે વાત કરવી પડશે કે તેઓએ ભારત સરકાર સાથે શું વાતચીત રહી છે.’
જર્મનીએ શું કહ્યું હતું ?
કેજરીવાલની ધરપકડ પર જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સેબેસ્ટિયમ ફિશરે (Sebastian Fischer) કહ્યું હતું કે, ‘આ મામલે સમગ્ર કાર્યવાહી નિષ્પક્ષ હોવી જોઈએ અને સીએમ કેજરીવાલને કોઈપણ પ્રતિબંધ વિના કાયદાકીય માર્ગ અપનાવવાનો અધિકાર મળવો જોઈએ.’ તેમણે કાયદાના શાસન અને મૂળભૂત સિદ્ધાંતો પર પણ ભાર મૂક્યો હતો. જ્યારે કેજરીવાલના કેસ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘અમે સંજ્ઞાન લીધું છે. ભારત એક લોકશાહી દેશ છે. અમે માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો સાથે સંબંધિત ધારા ધોરણો આ મામલે પણ લાગુ કરવામાં આવશે.’
ભારતે અમેરિકાને આપ્યો સણસણતો જવાબ
કેજરીવાલની ધરપકડ પર અમેરિકાએ કરેલી ટિપ્પણી પર ભારતે કડક કાર્યવાહી કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે ભારતમાં અમેરિકાના કાર્યકારી મિશન ડેપ્યુટી ચીફ ગ્લોરિયા બર્બેના (Gloria Berbena)ને સમન્સ પાઠવ્યુ હતું. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને અમેરિકી ડિપ્લોમેટની વચ્ચે લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઈ હતી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ‘ભારતમાં અમુક કાયદાકીય કાર્યવાહીઓ વિશે અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાની ટિપ્પણી પર અમે આકરો વાંધો વ્યક્ત કરીએ છીએ. કૂટનીતિમાં કોઈ પણ દેશથી બીજા દેશોની સંપ્રભુતા અને આંતરિક મામલાનું સન્માન કરવાની અપેક્ષા કરવામાં આવે છે. જો મામલો સહયોગી લોકતાંત્રિક દેશોનો હોય તો આ જવાબદારી વધી જાય છે. આવુ ન થવા પર ખોટુ ઉદાહરણ રજૂ થાય છે. ભારતની કાયદાકીય પ્રક્રિયાઓ એક સ્વતંત્ર ન્યાયપાલિકા પર આધારિત છે જે ઓબ્જેક્ટિવ અને સમયસર નિર્ણયો માટે પ્રતિબદ્ધ છે. ભારતીય ન્યાયપાલિકા પર આક્ષેપ લગાવવો અયોગ્ય છે.’
ભારતે જર્મનીને શું કહ્યું ?
કેજરીવાલની ધરપકડ અંગે અમેરિકા અને જર્મનીના નિવેદન બાદ ભારતે નારાજગી વ્યક્ત કરી કડક કાર્યવાહી કરી છે. ભારતે જર્મનની રાજદૂત જ્યોર્જ એનજવીલર (Georg Enzweiler)ને બોલાવીને સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘જર્મનીની ટિપ્પણી ભારતના આંતરિક મામલે અયોગ્ય હસ્તક્ષેપ છે. અમે આવી ટિપ્પણીઓને અમારી ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને કમજોર કરવાના રૂપમાં જોઈએ છીએ. ભારત કાયદાના નિયમવાળુ એક જીવંત અને મજબૂત લોકતંત્ર છે. જે રીતે ભારત અને અન્ય લોકતાંત્રિક દેશોમાં કાયદો પોતાનું કામ કરે છે. આ મામલે પણ કાયદો પોતાનું કામ કરશે. આ મામલે પક્ષપાતપૂર્ણ ધારણાઓ બનાવવી અયોગ્ય છે.’
21 માર્ચે ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી હતી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ લગભગ બે કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી. દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં તેમની ભૂમિકાની તપાસને લઈને તેમને રાઉજ એવન્યૂ કોર્ટે 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા. પોતાની ધરપકડ બાદ પણ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યુ નથી.