દિલ્હી એક્સાઈઝ કૌભાંડ કેસમાં 'સુપ્રીમ' સુનાવણી, BRS નેતા કે.કવિતાની જામીન અરજી ફગાવાઈ
ઈડી દ્વારા જ તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરની દીકરી કે.કવિતાની ધરપકડ કરાઈ હતી
K kavitha: સુપ્રીમકોર્ટમાં કેજરીવાલની ધરપકડને રદ કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરતાં પહેલાં દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા બીઆરએસ નેતા કે.કવિતાની અરજી સુપ્રીમકોર્ટે ફગાવી દીધી હતી. તેમણે જામીનની માગ કરી હતી. ઈડી દ્વારા જ કે.કવિતાની ધરપકડ કરાઈ હતી.
અગાઉ કવિતાની ઈડીએ ધરપકડ કરી હતી
અગાઉ 15મી માર્ચે તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરની દીકરી કવિતાની ઈડીએ ધરપકડ કરી હતી. ધરપકડ પહેલાં કવિતાના હૈદરાબાદ સ્થિત ઘરમાં દરોડા પાડયા હતા. કવિતાની ધરપકડ દિલ્હીની શરાબ નીતિના સંદર્ભમાં ધરપકડ થઈ હતી. આ જ કેસમાં મનિષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ અગાઉ થઈ ચૂકી છે અને એ બંને હજુ જેલમાં છે.
આવી રીતે ફસાઈ કવિતા
ડિસેમ્બર-2022માં ઈડીએ આરોપી અમિત અરોડાના રિમાન્ડ પેપરમાં દાવો કર્યો હતો કે, સાઉથ ગ્રૂપે આમ આદમી પાર્ટીના નેતાઓને રૂપિયા પહોંચાડવા વિજય નાયર અને અન્ય લોકોને 100 કરોડની લાંચ આપી હતી. ગત વર્ષે ફેબ્રુઆરીમાં CBIએ એકાઉન્ટન્ટ બુચીબાબૂ ગોરંતલાની ધરપકડ કરી હતી. ઈડીએ બુચીબાબૂની પણ પૂછપરછ કરી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું. એવું કહેવાય છે કે, બુચીબાબૂ કવિતાનું એકાઉન્ટ સંભાળતો હતો. ત્યારબાદ ગત વર્ષે માર્ચમાં ઈડીએ અરૂણ રામચંદ્રન પિલ્લઈની પણ ધરપકડ કરી હતી.
સાઉથ ગ્રૂપનો અર્થ શું છે ?
ઈડી મુજબ ‘સાઉથ ગ્રૂપ’ એ દક્ષિણના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અમલદારોનું ગ્રૂપ છે. આ ગ્રૂપમાં સરથ રેડ્ડી (અરબિંદો ફાર્માના પ્રમોટર), એમ.શ્રીનિવાસુલુ રેડ્ડી (વાઈએસઆર કોંગ્રેસના લોકસભા સાંસદ), તેમના પુત્ર રાઘવ મગુંટા અને કવિતા સામેલ હતા. આ ગ્રૂપનું પ્રતિનિધિત્વ અરૂણ પિલ્લઈ, અભિષેક બોઈનપલ્લી અને બુચીબાબૂ કરતા હતા. લિકર કૌભાંડમાં આ ત્રણેયની ધરપકડ થઈ ચુકી છે.