Get The App

દિલ્હીમાં ચૂંટણી : યોગી આદિત્યનાથની લોકપ્રિયતા વધતા પ્રચાર માટે માગ વધી

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
દિલ્હીમાં ચૂંટણી : યોગી આદિત્યનાથની લોકપ્રિયતા વધતા પ્રચાર માટે માગ વધી 1 - image


- યોગીની સભાઓમાં વિક્રમી માનવ મેદની જોવા મળી

- દિલ્હીમાં બટેંગે તો કટેંગે, હિન્દુત્વના કાર્ડનો પ્રવેશ : યુપીના મુખ્યમંત્રીએ ચાર દિવસમાં ૧૪ બેઠકો પર સભાઓ ગજવી

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ટોચની નેતાગીરી એક પછી એક રેલીઓને સંબોધન કરી રહી છે ત્યારે હિન્દુત્વના કાર્ડ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હવે દિલ્હીના ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ સાથે એક ચર્ચાએ જોર પકડયું છે કે દિલ્હીમાં ભાજપની ટોચની નેતાગીરી કરતાં યોગી આદિત્યનાથની સભાઓમાં ભીડ વધુ જોવા મળે છે. આ સિવાય સીએમ યોગી રેલી કરે ત્યાં જીતની ગેરેન્ટી હોવાનું પણ મનાય છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિલ્હીમાં પહેલા કિરાડી, પછી કરોલબાગ અને જનકપુરીમાં ચૂંટણી સભાને સંબોધન કરતા યમુના મુદ્દે કેજરીવાલ સરકારને ઘેરી હતી. કેજરીવાલ પર હુમલો કરતા યોગીએ સવાલ કર્યો કે શું તમે યમુનામાં તમારા મંત્રીઓ સાથે ડુબકી લગાવી શકો છો? 

યમુના મૈયાની દુર્દશા માટે કેજરીવાલ દોષિત છે અને તેના માટે તેમને માફ કરવા જોઈએ નહીં. તેમણે કહ્યું કે, દિલ્હીના લોકો હવે રોકાણ માટે દિલ્હીના બદલે નોઈડા તરફ આવી રહ્યા છે. યોગીએ યમુનાના બહાને હિન્દુત્વના મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે.

વધુમાં દિલ્હી ચૂંટણીમાં યોગીની એન્ટ્રી સાથે તેમના નારા 'બટેંગે તો કટેંગે'ની પણ એન્ટ્રી થઈ ચુકી છે. ચૂંટણી પ્રચારમાં યોગી આદિત્યનાથના પ્રવેશ સાથે હિન્દુત્વનો મુદ્દો વધુ ગરમાયો છે. આ સાથે દિલ્હી ભાજપના ઉમેદવારોમાં યોગી આદિત્યનાથની રેલી કે જનસભા કરાવવાની માગ પણ વધી છે. તેનું એક કારણ યોગીની રેલીઓ અને તેમનો સ્ટ્રાઈક રેટ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પક્ષના આંતરિક સૂત્રો મુજબ દિલ્હીના ઉમેદવારો પક્ષની ટોચની નેતાગીરી કરતાં યોગીની રેલી કે જનસભા કરાવવાની માગ કરી રહ્યા છે.

ગયા વર્ષે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથની રેલીઓ અને તેમના સ્ટ્રાઈક રેટ પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ગયા વર્ષે મહારાષ્ટ્રમાં કુલ ૧૨ વિધાનસભા ક્ષેત્રોમાં રેલીઓ કરી હતી, જેમાંથી ૧૧ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો જ્યારે માત્ર એક બેઠક પર પરાજય થયો હતો. એટલે કે મહારાષ્ટ્રમાં યોગીનો સ્ટ્રાઈક રેટ ૯૨ રહ્યો.  જમ્મુ-કાશ્મીરમાં યોગી આદિત્યનાથે ચાર બેઠકો પર રેલી કરી એ ચારેય બેઠકો ભાજપ જીતી ગયો. અહીં તેમનો સ્ટ્રાઈક રેટ ૧૦૦ ટકા રહ્યો.

આ સિવાય હરિયાણા અને ઝારખંડમાં યોગીએ કુલ ૧૪ બેઠકો પર રેલીઓ કરી, જેમાંથી ૯ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો અને પાંચ પર પરાજય થયો. હરિયાણામાં સીએમ યોગીનો સ્ટ્રાઈક રેટ ૬૪ ટકા રહ્યો. એ જ રીતે ઝારખંડમાં યોગીએ કુલ ૧૩ વિધાનસભા બેઠકો પર રેલી કરી હતી, જેમાંથી પાંચમાં વિજય અને આઠ પર ભાજપ ઉમેદવારનો પરાજય થયો હતો. અહીં તેમનો સ્ટ્રાઈક રેટ ૩૮ ટકા રહ્યો. હવે દિલ્હીમાં યોગી આદિત્યનાથ ચાર દિવસમાં ૧૪ બેઠકો પર રેલીઓ કરવાના છે. 


Google NewsGoogle News