'ભાજપનો સંકલ્પ પત્ર 200 વર્ષનો છે', વડાપ્રધાન મોદી પર અરવિંદ કેજરીવાલનો પલટવાર
Delhi Election: દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અશોક વિહારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા 1675 પરિવારોને 'સ્વાભિમાન ફ્લેટ્સ'ની ચાવી સોંપી હતી. આ ફ્લેટ્સ ઝૂંપડપટ્ટીની જગ્યાએ જ બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આમ આદમી પાર્ટી પર ખૂબ પ્રહાર કર્યા.
હવે વડાપ્રધાન મોદી અને ભાજપ પર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પલટવાર કર્યો છે. કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, 'આજે વડાપ્રધાન મોદી દિલ્હી આવ્યા હતા. તેમણે લગભગ 43 મિનિટનું ભાષણ આપ્યું, જેમાં તેમણે 39 મિનિટ માત્ર દિલ્હીના લોકો અને તેમના દ્વારા ચૂંટાયેલી સરકારને ગાળો આપવાનું કામ કર્યું.'
તેમણે કહ્યં કે, 'દિલ્હીના લોકોએ બે સરકાર ચૂંટી હતી. દિલ્હી હૉફ સ્ટેટ છે. કેન્દ્રમાં ભાજપની અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર. તેને 10 વર્ષ થઈ ગયા છે. આ 10 વર્ષમાં આપ સરકારે કેટલા કામ કર્યા, જો અમે ગણાવવા લાગીએ તો કલાકો સુધી ગણી શકુ છું. પરંતુ જે બીજી સરકાર છે એટલે ભાજપની કેન્દ્ર સરકાર, તેમણે 10 વર્ષમાં એક પણ એવું કામ ન કર્યું જે વડાપ્રધાન પોતાના 43 મિનિટના ભાષણમાં ગણાવી શકે.'
'ભાજપનો સંકલ્પ પત્ર 200 વર્ષનો છે'
કેજરીવાલે કહ્યું કે, 'જે કામ કરે છે તે ગાળો નથી આપતા. જો ભાજપે 10 વર્ષમાં કામ કર્યા હોત તો દિલ્હીના લોકોને ગાળો ન આપી હોત. જ્યારે કોઈ વ્યક્તિ કામ કરે છે તો તેને ગાળો આપવાની જરૂર નથી હોતી, પરંતુ જ્યારે કામ નથી કરતા ત્યારે લોકોને ગાળો આપે છે. આજે વડાપ્રધાને દિલ્હીના લોકોને ગાળો આપી છે. વડાપ્રધાને 2020માં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. ત્યારે વડાપ્રધાને દિલ્હીના લોકોને અનેક વાયદા કર્યા હતા.'
તેમણે કહ્યું હતું કે, '2022 સુધીમાં દિલ્હીમાં તમામ લોકોને પાકા મકાન આપી દેવાશે. પાંચ વર્ષમાં માત્ર 4700 મકાન બનાવ્યા છે. દિલ્હીમાં 4 લાખ ઝૂંપડીઓ છે, 15 લાખ લોકોને મકાન જોઈએ, પરંતુ 4700 મકાન પાંચ વર્ષમાં આવ્યા છે. મને લાગે છે કે આ સંકલ્પ પત્ર 5 વર્ષનો નહીં પરંતુ 200 વર્ષનો છે.'
આ પણ વાંચો: બિહાર જ નહીં મહારાષ્ટ્રના રાજકારણમાં પણ હલચલ! ઉદ્ધવ ઠાકરે જૂથે કર્યા ફડણવીસના વખાણ
વડાપ્રધાન મોદીએ કર્યા હતા આપ સરકાર પર પ્રહાર
વડાપ્રધાન મોદીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના વડા અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું હતું કે, 'મેં ક્યારેય મારા માટે ઘર બનાવ્યું નથી. હું પણ મારા માટે શીશમહેલ બનાવી શકતો હતો, પરંતુ મોદીનું સપનું છે કે દરેક ગરીબને ઘર મળવું જોઈએ. મારા માટે એ સપનું હતું કે મારા દેશવાસીઓને કાયમી મકાનો મળે. આજે નહીં તો કાલે તેમને કાયમી ઘર મળશે. આ મકાનોમાં ગરીબ પરિવારોને જરૂરી સુવિધાઓ છે. અમે અહીં અટકવાના નથી. દિલ્હીમાં આવા 3000 વધુ મકાનોનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાનું છે.'
દિલ્હીની આપ સરકાર પર નિશાન સાધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'એક તરફ શિક્ષણને લઈને કેન્દ્ર સરકારની પહેલ છે, તો બીજી તરફ આ રાજ્ય સરકારનું ઘોર જૂઠ્ઠાણું પણ છે. રાજ્ય સરકારે અહીંના શાળા શિક્ષણને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. સ્થિતિ એવી છે કે ભારત સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ જે નાણાં આપવામાં આવ્યા છે, તેમાં દિલ્હીમાં બેઠેલી સરકાર છે જેને દિલ્હીના બાળકોના ભવિષ્યની ચિંતા નથી. ભારત સરકાર શિક્ષણ માટે જે પૈસા આપે છે તેમાંથી અડધા પણ તેઓ શિક્ષણ પાછળ ખર્ચી શક્યા નથી.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'દિલ્હી છેલ્લા દસ વર્ષથી મોટી આફતથી ઘેરાયેલી છે. અન્ના હજારેજીને ખુલ્લા પાડીને કેટલાક કટ્ટર બેઈમાન લોકોએ દિલ્હીને આફતમાં ધકેલી દીધું. દારૂ કૌભાંડ, બાળકોની શાળાઓમાં કૌભાંડ, ગરીબોની સારવારમાં કૌભાંડ, પ્રદૂષણ સામે લડવાના નામે કૌભાંડ, ભરતીમાં કૌભાંડ... આ લોકો દિલ્હીના વિકાસની વાતો કરતા હતા. પરંતુ આ લોકો આફત બનીને માથે પડ્યા હતા.'
આ પણ વાંચો: 'ડૉ. આંબેડકર અને ગાંધીજીએ RSS શાખાની મુલાકાત લીધી હતી', સંઘે પેપર કટિંગ બતાવ્યાં
'AAPએ આયુષ્માન યોજનાનો અમલ થવા દીધો ન હતો'
આયુષ્માન યોજનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે, 'હું દિલ્હીના લોકોને મફત સારવારની સુવિધા પૂરી પાડતી આયુષ્માન ભારત યોજનાનો લાભ આપવા માંગુ છું. આપ સરકારને દિલ્હીના લોકો સાથે ભારે દુશ્મની છે. આયુષ્માન યોજના આખા દેશમાં લાગુ છે, પરંતુ આપના લોકો આ યોજનાને અહીં (દિલ્હી) લાગુ થવા દેતા નથી. જેના કારણે દિલ્હીના લોકોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે.'