Get The App

Delhi Election Results: ભાજપની લહેરમાં ઝાડૂ વિખેરાયું, AAPના મહારથીઓ પણ 'બોલ્ડ'

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
Delhi Election Results: ભાજપની લહેરમાં ઝાડૂ વિખેરાયું, AAPના મહારથીઓ પણ 'બોલ્ડ' 1 - image


Delhi Election Results 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ બહુમતી સાથે જીત જોવા મળી છે. આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. AAPના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી, જ્યારે મનિષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી હાર્યા છે. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. દિલ્હીમાં 1993 બાદ પ્રથમ વખત ભાજપ જીતી છે. અરવિંદ કેજરીવાલ 2013થી દિલ્હીમાં શાસન કરી રહ્યા હતા. દિલ્હીની કુલ 70 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો પર જ્યારે આમ આદમી પાર્ટીએ 22 બેઠકો જીતી છે.

4089 મતોથી હારનાર કેજરીવાલે હાર સ્વિકારી

ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર, નવી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ પરવેશ વર્મા સામે 4089 મતોથી હાર્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર પર પક્ષના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે કે, આજે દિલ્હી ચૂંટણીના પરિણામો આવ્યા છે. અને જનતાએ જે પણ નિર્ણય લીધો છે, તેનો હું સ્વીકાર કરૂ છું. તમારો નિર્ણય માન્ય. હું ભાજપને જીતની શુભેચ્છાઓ પાઠવું છું.

કેજરીવાલને હરાવનાર પરવેશ વર્મા શું બોલ્યા?

નવી દિલ્હી બેઠક પર આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને 3182 મતોથી હરાવ્યા બાદ પરવેશ વર્માએ જનતાનો આભાર માન્યો હતો. અને કહ્યું કે, દિલ્હીના લોકોએ પીએમ મોદી પર વિશ્વાસ દર્શાવ્યો છે. મારી જીતનો શ્રેય હું દિલ્હીની જનતાને આપીશ. અમને છેલ્લા દસ વર્ષથી તેમનો સાથ મળ્યો ન હતો. પરંતુ હવે જે સરકાર બની રહી છે, તે પીએમ મોદીના વિઝન પર કામ કરશે. 

પીએમ મોદીએ દિલ્હીની જીતને વિકાસની જીત ગણાવી

દિલ્હીમાં ભાજપની જીત પર વડાપ્રધાન મોદીએ શુભેચ્છાઓ પાઠવતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, જનશક્તિ સર્વોપરિ! વિકાસ જીત્યો, સુશાસનની જીત થઈ. દિલ્હીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવવા બદલ તમામ દિલ્હીવાસીઓને મારા વંદન અને અભિનંદન. તમે જે અતૂટ વિશ્વાસ અને સ્નેહ વરસાવ્યો છે. તેના બદલ આભાર. અમે દિલ્હીની ચારેબાજુ વિકાસ અને અહીંના લોકોનું જીવન ઉત્તમ બનાવવા માટે કોઈ કસર બાકી રાખીશું નહીં. આ અમારી ગેરેંટી છે. અમે સુનિશ્ચિત કરીશું કે, વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હીની ભૂમિકા મહત્ત્વની બને. 

જીત પર બોલ્યા આતિશી

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કાલકાજી બેઠક પર જીત મેળવ્યા બાદ આતિશીએ કાલકાજીના લોકોનો ધન્યવાદ માન્યો હતો. તેમણે ટીમને પણ શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, દિલ્હીની જનતાનો જનાદેશ સ્વીકાર કરુ છું. જો કે, ભાજપ વિરૂદ્ધ જંગ જારી રહેશે. અમે ખોટાની વિરૂદ્ધ હંમેશા લડતા રહીશું. અમારો સંઘર્ષ ક્યારેય પૂરો નહીં થાય.

'આપ-દા' મુક્ત દિલ્હીઃ જેપી નડ્ડા

નવી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આક્રમક જીત બાદ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, આપ-દા મુક્ત દિલ્હી, આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપનો પ્રચંડ વિજય વડાપ્રધાન મોદીની સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, અંત્યોદય અને વિકાસશીલ નીતિઓ પર પ્રજાના અતૂટ સમર્થનની જીત છે. પ્રત્યેક બૂથ પર અથાગ પરિશ્રમ કરનારા અમારા તમામ કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવું છું. આપ-દા સરકારે દિલ્હીમાં ભ્રષ્ટાચાર, કુશાસન, અને તૃષ્ટિકરણ જ કર્યું હતું. આજે દિલ્હી જૂઠાણાં, કપટ અને પ્રપંચથી મુક્ત થઈ પ્રગતિ અને પ્રતિષ્ઠા તરફ નવા યુગમાં યાત્રા શરૂ કરી રહ્યું છે. આ જનાદેશ વિકસિત દિલ્હી-વિકસિત ભારતના અમારા વિઝનને સાકાર કરશે.

ગ્રાઉન્ડ લેવલથી કામ કરવુ પડશેઃ પ્રિયંકા ગાંધી

દિલ્હી ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રતિક્રિયા આપી છે કે, તે સ્પષ્ટ હતું કે, દિલ્હીના લોકો બદલાવ ઈચ્છે છે. અને પરિણામ તેનો પુરાવો આપે છે. જીતનારા તમામને શુભેચ્છાઓ, અમારે હજી ગ્રાઉન્ડ લેવલે કામ કરવાની જરૂર છે. આના પરથી અમે બોધ લઈશું અને આગળ વધીશું.

કેજરીવાલની હાર પર સ્વાતિ માલિવાલની ટ્વિટ

AAP ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની 3182 મતોના માર્જિન સાથે હાર થતાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, 'અહંકાર તો રાવણનો પણ નહોતો રહ્યો.'

નવી દિલ્હીથી કેજરીવાલ અને જંગપુરાથી સિસોદિયા હાર્યા

આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી હાર્યા છે અને ભાજપના પરવેશ વર્મા 3182 મતોથી જીત્યા છે. જ્યારે જંગપુરામાંથી આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષ સિસોદિયા 600 મતોથી હાર્યા છે. ભાજપના તરવિંદર સિંહની જીત થઈ છે. જંગપુરા વિધાનસભા બેઠક પર હાર બાદ AAP નેતા મનિષ સિસોદિયાએ નિવેદન આપ્યું છે કે, અમારા તમામ કાર્યકરોએ મહેનતથી ચૂંટણી લડી હતી. જંગપુરાના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો, પરંતુ 600 મતોના માર્જિનથી હું હારી ગયો. ભાજપના ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવું છું. અને અપેક્ષા છે કે, તે પ્રજાની સેવા કરશે. અમારીથી ક્યાં ભૂલ થઈ તેનું અમે વિશ્લેષણ કરીશું.

AAP ના ખરાબ દેખાવો પર અન્ના હજારે બોલ્યાં...

દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં આમ આદમી પાર્ટીના ખરાબ દેખાવો પર સામાજિક કાર્યકર અન્ના હજારેએ આક્ષેપ કર્યો કે, મેં હંમેશા કહ્યું છે કે, એક ઉમેદવારનો વ્યવહાર, તેમના વિચારો શુદ્ધ હોવા જોઈએ. જીવનમાં કોઈ દાગ ન હોવો જોઈએ. સારા વિચારો મતદાતાઓનો વિશ્વાસ વધારે છે. મેં કેજરીવાલને આ સલાહ આપી હતી. પરંતુ તેણે તેના પર ધ્યાન આપ્યું નહીં. તે તો માત્ર ધન-દોલત બનાવવા માગતા હતાં, દારૂના કારણે બદનામ થયાં. તે સત્તાબળથી ખુશ હતાં.

કોંગ્રેસની ઝીરોની હેટ્રિક

દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસે સતત ત્રીજી વખત શરમજનક હારનો સામનો કર્યો છે. સતત ત્રીજી વખત તે દિલ્હીમાં પોતાનું ખાતું ખોલાવી શકી નથી. ભાજપ 41 બેઠકો પર જ્યારે આમ આદમી પાર્ટી 29 બેઠકો પર લીડ કરી રહી છે. 

AAPના મોટાભાગના દિગ્ગજો હાર્યા

  • મોતી નગર બેઠક : ભાજપના હરિશ ખુરાના 11657 મતોથી જીત્યા છે. તેમને 57565 મત મળ્યા હતા. સદર બાજારમાંથી આપના સોમ દત્ત, તિલક નગરમાંથી જરનૈલ સિંહ જીત્યા છે.
  • ચાંદની ચોકમાં AAPની જીત : આમ આદમી પાર્ટીમાં સામેલ બાબરપુરામાંથી  ગોપાલ રાય, આંબેડકર નગરથી ડો. અજય દત્ત, પટેલ નગરથી પ્રવેશ રત્ન, ચાંદની ચોકથી પુનરદીપ સિંહ જીત્યા છે. પુનરદીપ સિંહ16572 મતોના માર્જિનથી જીત્યા છે.
  • અવધ ઓઝા 28000થી વધુ મતોથી હાર્યા : દિલ્હી વિધાનસભાની મહત્ત્વની ગણાતી બેઠક પટપડગંજમાંથી આમ આદમી પાર્ટીના નેતા અવધ ઓઝા 28000થી વધુ મતોથી હાર્યા છે. ભાજપના રવિંદરસિંહ નેગીએ આકરી ટક્કર આપી જીત મેળવી છે.
  • ગ્રેટર કૈલાશથી સૌરભ ભારદ્વાજ હાર્યા : ગ્રેટર કૈલાશ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સૌરભ ભારદ્વાજ હાર્યા છે, જ્યારે ભાજપના શિખા રાયએ જીત હાંસલ કરી છે. આરકે પુરમમાંથી ભાજપના અનિલ કુમાર શર્મા, ત્રિલોકપુરીથી રવિ કાંત જીત્યા છે. 
  • સોમનાથ ભારતી હાર્યા : આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી માલવિય નગરમાં હાર્યા છે. ભાજપના ઉમેદવાર સતિષ ઉપાધ્યાયે આકરી ટક્કર સાથે સોમનાથ ભારતીને હરાવ્યા છે.
  • BJPની રિથિલા, સંગમ વિહાર, શકુર બસ્તીમાં જીત : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં રિથિલાથી ભાજપના કુલવંત રાણા 29359 મતો, મંગોલ પુરીથી ભાજપના રાજકુમાર ચૌહાણ 6146, શકુર બસ્તીથી ભાજપના કરનલસિંહ 20998 મતોના માર્જિનથી જીત્યા છે. સંગમ વિહારમાં પણ ભાજપના ચંદનકુમાર ચૌધરી અને વિશ્વાસનગરથી ઓમ પ્રકાશ વર્માએ જીત હાંસલ કરી છે.
  • ઈમરાન હુસૈન 29000 મતોથી જીત્યા : આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈમરાન હુસૈને બલ્લીમારન વિધાનસભા બેઠક પરથી 29000 મતોના માર્જિન સાથે જીત મેળવી છે. 
  • AAP ના સત્યેન્દ્ર જૈન, દુર્ગેશ પાઠક હાર્યા : AAPના અન્ય એક દિગ્ગજ નેતા સત્યેન્દ્ર જૈન શકૂર બસ્તી બેઠક પરથી હાર્યા છે. રાજેન્દ્ર નગરથી AAP ના નેતા દુર્ગેશ પાઠકે પણ હારનો સામનો કરવો પડ્યો છે.
  • દિલ્હી કેન્ટમાં AAPની જીત, રાજૌરીમાં કમળ : દિલ્હી કેન્ટ બેઠક પરથી AAP ના ઉમેદવાર વિરેન્દ્રસિંહ 2029 મતથી જીત્યા છે. જ્યારે રાજૌરી ગાર્ડનમાંથી ભાજપ ઉમેદવાર મનજિંદરસિંહ સિરસાએ 18190 મતોની બહુમતી સાથે જીત મેળવી છે. 
  • શાલીમાર બાગમાં પણ ભાજપ : દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે જંગપુરા, ત્રિનગર અને કસ્તૂરબા નગર બાદ શાલીમાર બાગ બેઠકમાં પણ જીત હાંસલ કરી છે. શાલીમાર બાગ બેઠક પરથી ભાજપ ઉમેદવાર રેખા ગુપ્તા 29352 મતોના માર્જિન સાથે જીત્યા છે. તેમણે આપના બંદના કુમારીને કારમી હાર આપી છે.
  • ત્રિનગરમાં ભાજપની જીત : ત્રિનગરમાંથી ભાજપના ઉમેદવાર તિલકરામ ગુપ્તાની જીત થઈ છે. મત ગણતરીના 14 રાઉન્ડના અંતે 15753 મતોના માર્જિન સાથે આપના ઉમેદવાર પ્રિતી તોમરને હરાવ્યા છે.
  • સંદિપ દિક્ષિતે સ્વીકારી હાર : કોંગ્રેસના નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર સંદિપ દિક્ષિતે પોતાની હાર સ્વીકારતાં કહ્યું કે, 'હાલ ભાજપની સરકાર બની રહી હોય તેવુ લાગી રહ્યું છે. છ-સાત રાઉન્ડ બાદ ચિત્ર સ્પષ્ટ થયુ છે. આ પ્રજાનો નિર્ણય છે, હું માત્ર એટલું જ કહેવા માગીશ કે, અમે જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા, તે ચૂંટણી આધારિત હતા. અંતે જનતા જે કહેશે તે સ્વીકાર્ય છે.'
  • કસ્તૂરબા નગરમાં ભાજપની જીત : દિલ્હી વિધાનસભા ચૂંટણીની કસ્તૂરબા નગર બેઠક પરથી ભાજપના નીરજ બસોયાએ જીત હાંસલ કરી છે. ભાજપ અત્યારસુધી 45 બેઠકો પર લીડ કરી રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી 25 બેઠકો પર આગળ ચાલી રહી છે.
  • દિલ્હીના કોંડલીમાં AAP ની જીત : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંડલી બેઠકના પરિણામ આવી ચૂક્યા છે. કોંડલી બેઠક પરથી આમ આદમી પાર્ટીના કુલદીપ કુમાર જીત્યા છે. ભાજપના પ્રિયંકા ગૌતમ 6293 મત માર્જિનથી હાર્યા છે.

Google NewsGoogle News