દિલ્હીની તમામ 70 બેઠકોના પરિણામ જાહેર, ભાજપને 48 અને આપને મળી 22 બેઠકો પર જીત: ચૂંટણી આયોગ
Delhi Election Results 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને પ્રચંડ બહુમતી સાથે જીત મળી છે અને આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામને લઈને ચૂંટણીપંચે સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. જેમાં 70 બેઠકોમાંથી ભાજપને 48 બેઠકો અને AAPને 22 બેઠકો મળી હતી.
ભાજપને 1993માં 49 બેઠકો પર જીત મળી હતી. 5 વર્ષની સરકારમાં મદન લાલ ખુરાના, સાહિબ સિંહ વર્મા અને સુષ્મા સ્વરાજને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 1998 પછી કોંગ્રેસે 15 વર્ષ શાસન કર્યું. આ પછી 2013 થી આમ આદમી પાર્ટીની સરકાર હતી. જ્યારે આ વખતે ભાજપે 71% ના સ્ટ્રાઇક રેટ સાથે તેની બેઠકોમાં 40નો વધારો કર્યો. પાર્ટીએ 68 બેઠકો પર ચૂંટણી લડી, જેમાં 48 બેઠકો જીતી. બીજી તરફ, AAPએ 40 બેઠકો ગુમાવી. AAPનો સ્ટ્રાઇક રેટ 31% હતો.
4089 મતોથી હારનાર કેજરીવાલે હાર સ્વિકારી
ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર, નવી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ પરવેશ વર્મા સામે 4089 મતોથી હાર્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર પર પક્ષના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે કે, 'આજે દિલ્હી ચૂંટણીના પરિણામો આવ્યા. અને જનતાએ જે પણ નિર્ણય લીધો છે, તેનો હું સ્વીકાર કરૂ છું. તમારો નિર્ણય માન્ય. હું ભાજપને જીતની શુભેચ્છાઓ પાઠવું છું.'