ચાર M ફેક્ટર્સના કારણે ભાજપે 27 વર્ષે દિલ્હી જીત્યું, મુસ્લિમ વોટર્સે બાજી પલટી!
Delhi Election Result 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું સંપૂર્ણ ચિત્ર લગભગ સ્પષ્ટ છે. ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીને હરાવી છે. AAP માટે પીએમ મોદીએ આપેલો 'આપત્તિ' શબ્દ આ પરિણામને સચોટ રીતે બંધબેસતો લાગે છે. કારણ કે આ પરિણામ અરવિંદ કેજરીવાલ અને તેમની આખી ટીમ માટે દુઃસ્વપ્ન કે આફતથી ઓછું નથી. પરંતુ દિલ્હીમાં ભાજપની જીત પાછળ એક M ફેક્ટર પણ ખૂબ જ કારગર નીવડ્યું છે.
પ્રથમ M - મહિલા વર્ગ માટે
જ્યારે બીજેપીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો ત્યારે તેણે મહિલાઓને લઈને ઘણી જાહેરાતો કરી. જેમાં મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ મહિલાઓને 2500 રૂપિયાનું વેતન આપવાની વાત કરી છે.
આ સિવાય 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને હોળી અને દિવાળી પર ફ્રી સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
એટલું જ નહીં, ભાજપે AAP સરકારની મફત વીજળી, મફત પાણી, મહિલાઓ માટે મફત બસ જેવી યોજનાઓ ચાલુ રાખવાનું આશ્વાસન પણ આપ્યું હતું.
જ્યારે જેપી નડ્ડાએ કહ્યું હતું કે, 'માતૃ સુરક્ષા વંદનાને વધુ મજબૂત બનાવવા માટે 6 પોષણ કિટ આપવામાં આવશે અને દરેક ગર્ભવતી મહિલાને 21,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. જ્યારે AAPએ મહિલાઓ માટે દર મહિને 2100 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જો કે કોંગ્રેસે પણ 2500 રૂપિયા આપવાની વાત કરી હતી પરંતુ પાર્ટીને વોટ મળી શક્યા નથી.
મધ્યપ્રદેશમાં લાડલી બહેન યોજના, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના અને છત્તીસગઢમાં મહતારી વંદના જેવી યોજનાએ ચૂંટણી પરિણામમાં અસરકારક રહ્યા છે. હવે મહિલા સમૃદ્ધિ યોજનાએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેની અસર બતાવી છે.
જેના પરિણામે આ વખતે દિલ્હીમાં મહિલા મતદારોએ રૅકોર્ડ બ્રેક મતદાન કર્યું છે. મહિલા મતદારોએ ઇતિહાસ રચ્યો અને મતદાનમાં પુરુષોને હરાવ્યા. હવે સત્તા પણ ભાજપના પક્ષે છે.
બીજો M - મધ્યમ વર્ગને બીજેપીએ આ રીતે ખુશ કર્યા
મોદી સરકારે ચૂંટણી પહેલા મધ્યમ વર્ગને પણ મોટી ભેટ આપી છે. બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, 'વિકસિત ભારતનું બજેટ 2025-26 આપણા દેશના મધ્યમ વર્ગને ઘણો ફાયદો કરશે.'
આંકડા દર્શાવે છે કે લગભગ 2.5 કરોડની વસ્તી ધરાવતા દિલ્હીમાં ટેક્સ મુક્તિ 67% વસ્તીને અસર કરી શકે છે. તેમજ ભાજપે તેના મેનિફેસ્ટોમાં ગરીબો, યુવાનો અને વૃદ્ધો માટે ઘણી જાહેરાતો પણ કરી હતી. જેમાં....
- કામદારો માટે 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો
- 50 હજાર યુવાનોને સરકારી નોકરી
- યમુનાનો વિકાસ
- 20 લાખ યુવાનો માટે રોજગારીનું સર્જન
- પાંચ વર્ષમાં દિલ્હીની સમસ્યાનો અંત લાવવો
- દિલ્હીમાં 5 લાખ રૂપિયાની મફત સારવાર
- વરિષ્ઠ નાગરિકોનું પેન્શન દર મહિને ₹2,000થી વધારીને ₹2,500 કરવામાં આવશે
- 70થી વધુ વર્ષનાં વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ, નિરાધાર અને ત્યજી દેવાયેલી મહિલાઓનું પેન્શન ₹2,500થી વધારીને ₹3,000 પ્રતિ માસ કરવામાં આવશે.
ત્રીજા M- 'મોદીની ગેરંટી'
ભાજપે તેના ચૂંટણી પ્રચારમાં મોદીની ગેરંટી એક મુખ્ય પ્રચાર બનાવ્યું. સમગ્ર ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓએ જીતનો દાવો કર્યો અને તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી ગણાવી.
ચોથો M - મુસ્લિમ મતદારો
દિલ્હીના 70 મતવિસ્તારોમાંથી 7 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ બેઠકો મતિયા મહેલ, બાબરપુર, સીલમપુર, ઓખલા, મુસ્તફાબાદ, ચાંદની ચોક અને બલ્લીમારન છે. તેમાંથી ભાજપે બે બેઠકો જીતી.
દિલ્હીમાં લગભગ 13% મુસ્લિમ મતદારો છે. આ વખતે ચૂંટણીમાં મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પર ભારે મતદાન થયું હતું. ભાજપને મળેલા મતો દર્શાવે છે કે આ વખતે પાર્ટીને મુસ્લિમોના સારા મત મળ્યા છે.