AAPથી માત્ર 2 ટકા વધુ વોટ સાથે ભાજપે 48 બેઠકો કઈ રીતે જીતી? સમજો ગણિત
Delhi Election Result 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ભલે આમ આદમી પાર્ટીની તુલનામાં બમણાથી વધુ સીટ મળી હોય, પરંતુ બંને વચ્ચે વોટ શેરમાં માત્ર બે ટકાનું અંતર છે. આ દર્શાવે છે કે માઇક્રો મેનેજમેન્ટમાં ભાજપ પોતાના પ્રતિદ્રંદ્રી કરતાં ઘણી આગળ નીકળી ગઇ છે. તો બીજી તરફ કોંગ્રેસનો વોટ શેર પણ ગત વિધાનસભા ચૂંટણીની તુલનામાં બે ટકા વધ્યો, પરંતુ તેનો ફાયદો લઇ શકી નહી.
ચૂંટણી પંચના આંકડા અનુસાર 5 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા મતદાનમાં ભાજપને 45.56 ટકા અને આપને 43.57 ટકા વોટ મળ્યા, જોકે સીટોના મામલે 48નો આંકડો પ્રાપ્ત કરી ભાજપ ખૂબ આગળ નીકળી ગઇ. તો બીજી તરફ વિધાનસભાની 70 સીટોમાંથી 'આપ'ના ખાતામાં 22 સીટો આવી.
'આપ'ને 10 ટકાનું નુકસાન
વર્ષ 2020માં યોજાયેલી ચૂંટણીની વાત કરીએ તો 'આપ'એ 53.57 ટકા વોટ પ્રાપ્ત કરી 62 સીટો જીતી હતી, જ્યારે ભાજપને 38.51 ટકા વોટ સાથે આઠ સીટો મળી હતી. આ પ્રકારે ભાજપનો વોટ શેર આ વખતે લગભગ 7 ટકાની આસપાસ વધ્યો છે, જ્યારે 'આપ'ને 10 ટકાનું નુકસાન થયું છે.
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 70માંથી 66 સીટો પર ત્રીજા સ્થાન પર રહી છે. કસ્તૂરબા નગરમાં તેના ઉમેદવાર અભિષેક દત્તા બીજા સ્થાન પર રહ્યા અને 11,048 મતોથી ભાજપના નીરજ બસોયા સામે હારી ગયા. આ સીટ પર 'આપ' ત્રીજા સ્થાન પર રહી. મહરૌલી, મુસ્તાફાબાદ અને ઓખલામાં કોંગ્રેસ ચોથા ક્રમ પર રહી.
કોંગ્રેસ ખોલી શકી નહી ખાતું
કોંગ્રેસ સતત ત્રીજીવાર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ખોલી શકી નહી. વર્ષ 2020માં 4.26 ટકા વોટ લઇને કોંગ્રેસ 62 સીટો પર ત્રીજા અને ચાર સીટો પર ચોથા ક્રમ પર રહી હતી. વર્ષ 2015માં તેનો વોટ શેર 9.71 ટકા રહ્યો હતો. 'આપ'ને વર્ષ 2015માં 54.59 ટકા અને 2013માં 29.64 ટકા વોટ મળ્યા હતા. તો બીજી તરફ ભાજપને આ બંને ચૂંટણીમાં ક્રમશ: 32.78 ટકા અને 34.12 ટકા વોટ મળ્યા.