EVMની મદદથી 10 ટકા વોટની ગરબડ થવાની છે: દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો
Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે મતદાનના બે દિવસ પહેલાં મશીનમાં ગડબડની આશંકા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, 10 ટકા મતની હેરાફેરી થઈ શકે છે. આ સાથે સાવચેતીના ભાગરૂપે પગલાં લેવાની વાત પણ કરી. આ સિવાય કેજરીવાલે કહ્યું કે, અમારી પાર્ટીએ એક વેબસાઇટ બનાવી છે જેના પર બૂથના ડેટા અપલોડ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની ગડબડને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે.
EVM પર કર્યાં પ્રશ્ન
ચૂંટણી પ્રચારના છેલ્લાં દિવસે અરવિંદ કેજરીવાલે એક વીડિયો દ્વારા EVMને લઈને પોતાની આશંકા અને તેનો સામનો કરવા માટે કરવામાં આવેલી તૈયારીઓની વાત કરી હતી. કેજરીવાલે દાવો કર્યો કે, 'મને સૂત્રોએ જણાવ્યું છે કે, 10 ટકા મતમાં ગડબડ થઈ શકે છે. હું જ્યાં પણ જઈ રહ્યો છું મને લોકો એક જ વાત કહી રહ્યા છે કે, મત તો તમને આપીએ છીએ, પરંતુ ખબર નહીં જાય છે ક્યાં? તમે જ મશીનને સંભાળજો. મશીનમાં મોટી ગડબડ છે'.
આ પણ વાંચોઃ જ્યાં ભાજપના સૂપડાં સાફ થવાના હતા ત્યાં નવા વૉટર્સના નામ જોડાઈ ગયા: રાહુલ ગાંધી
આમ આદમી પાર્ટીએ બનાવી વેબસાઇટ
અરવિંદ કેજરીવાલે પોતાના સમર્થકોને કહ્યું કે, ઝાડૂને એટલા બધાં મત આપો કે, 10 ટકાની ગડબડ છતાં તે જીતી જાય. દરેક ઝાડૂનો વોટર વોટ કરવા નીકળવો જોઈએ. અમારી 15 ટકા લીડ થઈ ગઈ તો 5 ટકાથી જીતી જઇશું. દરેક જગ્યાએ 10 ટકાથી વધુની લીડ આપી દેજો. એટલાં વોટ કરજો કે, આમના મશીનો સામે આપણે જીતી જઈએ. સાવચેતીના ભાગ રૂપે આમ આદમી પાર્ટીએ એક વેબસાઇટ પણ બનાવી છે, જેના પર મતદાનના દિવસે પોલિંગ બૂથથી 6 પ્રકારે ડેટા અપલોડ કરવામાં આવશે. કયાં બૂથ પર કેટલાં વોટ કરવામાં આવશે અને અંતે ઈવીએમમાં બેટરી કેટલી હતી, આ તમામ વસ્તુ અપલોડ કરવામાં આવશે'.
આપ પ્રમુખ છેલ્લાં કેટલાંય દિવસથી ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઊભા કરી રહ્યાં છે. પરંતુ, આ પહેલીવાર છે જ્યારે તેઓએ ઈવીએમને લઈને પણ આશંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટી લાંબા સમયથી ઈવીએમ પર પ્રશ્ન કરતી રહે છે. પરંતુ, આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી આવું કરવાથી બચી રહી હતી.