જમણાની જગ્યાએ ડાબા પગનું ઓપરેશન કરી નાખ્યું, ડૉક્ટર-હોસ્પિટલ પર 1.20 કરોડનો દંડ
Delhi Medical Negligence: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બે તબીબ અને સંબંધિત હોસ્પિટલને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અને ફરિયાદ નિવારણ આયોગે એક કરોડનું વળતર ચૂકવવાનો ચુકાદો આપ્યો છે. આ નિર્ણય પર હવે સુપ્રીમ કોર્ટે પણ મહોર લગાવી દીધી છે. હકીકતમાં, તબીબોએ જમણા પગની બદલે ડાબા પગનું ઓપરેશન કરી દીધું હતું. જેના કારણે આ ઓપરેશન કરનાર તબીબો અને હોસ્પિટલને એક કરોડ દસ લાખ રૂપિયાનું વળતર આપવું પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ આદેશમાં કોઈ કમી અથવા ખામી નથી. હોસ્પિટલે દર્દીને 90 લાખ રૂપિયા અને ઑપરેશન કરનાર તેમજ સુપરવિઝન કરનાર તબીબોએ દસ-દસ લાખનું વળતર આપવું પડશે.
આ પણ વાંચોઃ 12 વર્ષની બાળા પર મહિના સુધી વારંવાર દુષ્કર્મ, બિહારના નવાદાની પીડિતાએ 'હેવાનિયત' વર્ણવી
કોર્ટે નકારી ડૉક્ટરની અરજી
જસ્ટિસ પામિદીઘંટમ શ્રી નરસિમ્હા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે દોષિત ડૉક્ટર રાહુલ કાકરાનની અરજી નકારી દીધી છે, જેમાં તેઓએ રાષ્ટ્રીય ગ્રાહક અદાલતના નિર્ણય અને પીડિત રવિ રાયની અરજીને ચેલેન્જ કરી હતી. શાલીમાર બાગમાં રહેતો દર્દી રવિ રાય 19 જૂન 2016 ના દિવસે સીઢીમાંથી પડી ગયો હતો અને તેના બંને પગના હાડકાં તૂટી ગયા હતાં. જેથી દર્દીને ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યાં, અહીં ડૉક્ટર રાહુલ કાકરાનની આગેવાનીમાં ડૉક્ટરની ટીમે દર્દી રવિની તપાસ કરી. દર્દીના જમણા પગનું હાડકું વધારે તૂટ્યું હતું, જોકે ડાબા પગમાં હેર લાઇન ફ્રેક્ચર હતું. પરંતુ, તબીબોએ જમણાં પગની બદલે ડાબા પગનું ઓપરેશન કરી દીધું હતું.
દર્દીએ કર્યો દાવો
રવિએ હોસ્પિટલમાં લીગલ નોટિસ મોકલીને 18 ટકા વ્યાજ સાથે નુકસાન અને વળતર તરીકે પાંચ કરોડ રૂપિયાની ચૂકવણીની માંગ કરી હતી. રવિના જમણા પગની બદલે ડાબા પગના ઓપરેશનની ખબર મીડિયામાં આવી તો દિલ્હી મેડિકલ કાઉન્સિલે સ્વયં સંજ્ઞાન લઈને તપાસ કરાવી અને ડૉક્ટર્સની ભૂલ પકડાતા તેમના લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યાં.
દિલ્હી મેડિકલ કાઉન્સિલના 30 જાન્યુઆરી, 2017ના આદેશને મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાએ પણ જાળવી રાખ્યો. ત્યારબાદ 20 ફેબ્રુઆરી, 2017ના દિવસે રવિએ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અને ફરિયાદ નિવારણ આયોગમાં 4 કરોડ 97 લાખ રૂપિયા વળતરનો દાવો કર્યો.
શું હતો દાવો?
આ રકમની વિગત આપતાં દર્દીએ 5 લાખ મેડિકલ ખર્ચ, ભવિષ્ય ખાબ થવાના 75 લાખ, વિવાહ સુખમાં અડચણ ઊભી થવાના 25 લાખ, માનસિક તણાવના દોઢ કરોડ રૂપિયા વળતરરૂપે આપવામાં આવે. જીવનનું આયુષ્ય ઘટવાની આશંકા, ઉંમરભર સહાયક અને ડ્રાઇવરના 35 લાખ, માતા-પિતા માટે દસ લાખ, પિતાના ધંધામાં નુકસાન માટે 35 લાખ, માતા-પિતાને માનસિક તણાવના 25 લાખ અને દોષિતોને દંડાત્મક રૂપે 75 લાખ સાથે કેસ કરવાનો ખર્ચ 7 લાખ રૂપિયા જણાવ્યાં.
રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અદાલતે 24 જૂન 2024ના દિવસે રવિને એક કરોડ દસ લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ કર્યો. તેમાં 90 લાખ રૂપિયા હોસ્પિટલની તરફથી દસ-દસ લાખ રૂપિયા ડૉક્ટર રાહુલ કાકરાન અને ડૉક્ટર અશ્વિની માઈચંદને ચૂકવવા પડશે. જોકે, આ ચુકાદાને ચેલેન્જ કરતાં ડૉક્ટર કાકરાને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જેને કોર્ટે રદ કરી દીધી હતી.